Home મધ્ય ગુજરાત અમદાવાદ સંતાનો બન્યા ફોન અને લેપટોપના બંધાણી, મા-બાપ સાથે ઝઘડો કરી સંઘર્ષમાં ઉતરતા

સંતાનો બન્યા ફોન અને લેપટોપના બંધાણી, મા-બાપ સાથે ઝઘડો કરી સંઘર્ષમાં ઉતરતા

32
0

મોબાઇલગ્રસ્ત બાળકોની સમસ્યામાં વહારે આવી 181 અભયમ

સંતાનોની ખોટી આદતોથી કંટાળેલા દંપતીએ લીધો 181 અભયમનો સહારો

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક વ્યક્તિનો 181 અભયમમાં ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી અને દીકરો બંને ખૂબ જ વધારે પ્રમાણમાં સ્માર્ટફોન વાપરે છે અને અભ્યાસમાં સરખું ધ્યાન નથી આપતા. આ વ્યક્તિના કહેવા પ્રમાણે તેમના બાળકો તેમના અને તેમની પત્નીના કહેવાથી પણ સમજતા નથી. આ બાળકો તેમના માતા પિતાને સામે જવાબ આપતા હતા અને સામે એલફેલ બોલતા હતા.

બાળકોના માતા પિતાએ 181 અભયમ ટીમને પોતાના બાળકો કહ્યામાં ના હોવાથી કાઉન્સેલિંગ માટે બોલાવી હતી. 181 અભયમની ટીમ જણાવેલ સરનામે પહોંચી ગઈ હતી અને બાળકોના માતાપિતા સાથે વાતચીત કરી હતી. 

આ દંપતી ફર્નિચરની દુકાન ધરાવે છે અને તેઓનાં બે સંતાનો છે; જેમાંથી દીકરી 19 વર્ષની છે અને તેણી આઈટીનો અભ્યાસ કરી રહી છે; તેમજ દીકરો 20 વર્ષનો છે અને તેનો સીએનો અભ્યાસ ચાલુ છે. આ કુટુંબમાં સંતાનોને પહેલાથી લાડપ્રેમથી ઉછેર્યા હોય તેમને કોઈ વસ્તુ કે વ્યવસ્થાની ખોટ નહોતી સાલવા દીધી.

અભયમ ટીમને વધુમાં જાણવા મળ્યું હતું કે, દીકરી અને દીકરો બંને એકબીજા સાથે ખૂબ ઝગડો કરતા હતા અને બંને અભ્યાસનાં બહાને ફોન અને લેપટોપમાં જ વ્યસ્ત રહેતા હતા. આ સિવાય દંપતીના બંને બાળકો બીજું કંઈ પણ કામ નહોતા કરતા. માતા પિતા તેમને સમજાવવા જતા ત્યારે તેઓ સામે બોલાચાલી કરતા હતા.

181 અભયમના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને સંતાનો તેમના ફોનમાં લોક રાખતા હતા. દંપતીનો દીકરો તેની સાથે ભણતી મિત્ર છોકરી સાથે સતત ફોનમાં, વિડિયો કોલ ઉપર વાતચીતમાં લાગી રહેતો હતો અને માતા-પિતાનાં સમજાવવાથી ગુસ્સે થઈ જતો હતો. દીકરીને માતા કોઈ કામમાં મદદ કરવા જણાવતી ત્યારે દીકરી પણ અભ્યાસનું નામ લઈને ફોન અને લેપટોપ લઈને બેસી રહેતી હતી. માતા પિતા બન્ને સંતાનોને છેલ્લા ૩ વર્ષથી સમજાવી-સમજાવીને  કંટાળી ચૂક્યા હતા તેથી છેલ્લે તેમણે 181 અભયમની મદદ માગી હતી.

181 અભયમની ટીમે દીકરી અને દીકરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમણે બન્નેને સમજાવ્યા હતા. દીકરાને તેની મિત્ર વિશે પૂછપરછ કરી હતી. દીકરાને તેની મિત્ર સાથે મિત્રતા સિવાયના બીજા કોઈ સંબંધો ન હતા અને તેણી સાથે ફક્ત મિત્ર તરીકે જ વાતચીત કરતો હતો એમ તેણે જણાવ્યું હતું. 181 અભયની ટીમ દ્વારા દીકરાને ભણતરમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. દીકરો ફોનનો ખોટી રીતે ઉપયોગ ન કરે તે માટે સલાહ આપી હતી. તેના માતા પિતા આગળ ખરાબ વર્તન ન કરવા કે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવા તેને સમજાવ્યો હતી.

દીકરાને તેની સ્ત્રી મિત્ર સાથે વાતચીત કરવાનું બંધ કરવા સમજાવ્યો હતો.

દંપતીની દીકરીને પણ 181 અભયમની ટીમ દ્વારા પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય પછી માતાને ઘરમાં મદદરૂપ થવા માટે સમજાવવામાં આવી હતી. અભયમ ટીમનાં સમજાવવાથી બંને સંતાનો સમજી ગયા હતા અને બંને સંતાનોએ ખાતરી આપી હતી કે તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપશે અને ફોનનો ઉપયોગ ઓછો કરી દેશે. દંપતીના બંને બાળકો સારા ગુણ સાથે પાસ થાય તે માટે તેમના માતા-પિતાને પણ અભ્યાસનાં હેતુસર બાળકોને ફોનનો ઉપયોગ કરવા આપે તે માટેની સમજાવવામાં આવ્યા હતા.

પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ દંપત્તિએ 181 અભયમ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમના ઘરમાં સતત 3 વર્ષથી ચાલી રહેલા આ સંઘર્ષ અને ખેંચતાણમાં 181 અભયમની ટીમ રાહતનું માધ્યમ બની. 181 અભયમ હેલ્પલાઈન આવી અનેક મુસીબતમાં સહારો બની લોકોની મદદે આવે છે. 181 અભયમની ટીમ લોકોની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field