(GNS),05
શ્રીલંકાની ટીમે શાનદાર વાપસી કરતા અફઘાનિસ્તાન સામે બીજી વન-ડે 132 રને જીતી લીધી હતી. શ્રીલંકાનો વન-ડેમાં અફઘાનિસ્તાન સામે આ રનની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય રહ્યો છે તેમજ ત્રણ વન-ડેની સિરીઝમાં 1-1ની બરાબરી કરતા શ્રેણીને જીવંત રાખી છે. શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 323 રન કર્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 191 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સ્પિનર હસરંગા અને ડી સિલ્વાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝાદરાન (54) અને કેપ્ટન હશ્મતુલ્લાહ શાહિદી (57)એ અડધી સદી ફટકારી હતી પરંતુ તેમને બાદ કરતા રહમત શાહ (36) અને અજમતુલ્લાહ ઓરઝાઈ (28) અન્ય બેટ્સમેન હતા જે બે આંકડામાં રન કરી શક્યા હતા. અફઘાનિસ્તાને 45 રનમાં આઠ વિકેટ ગુમાવી હતી. મેન ઓફ ધ મેચ ધનંજય ડી સિલ્વાએ 10 ઓવરમાં 39 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
વાનિંદુ હસરંગાએ તેનો સાથ આપ્યો હતો અને નવ ઓવરમાં 42 રનમાં ત્રણ વિકેટ મેળવી હતી. શ્રીલંકાના બન્ને સ્પિનરએ મળીને અફઘાન ટીમની છ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. તુશ્મંતા ચમીરાએ બે તથા થીકશાના અને શનાકે એક-એક વિકેટ લીધી હતી. ઈબ્રાહિમ અને રહમત વચ્ચે બીજી વિકેટ માટે 51 રન જ્યારે હશ્મતુલ્લાહ સાથે ત્રીજી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ થઈ હતી.
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધીહતી અને નિસંકા (43) તથા દિમુથ કરુણારત્ને (52)એ પ્રથમ વિકેટ માટે 82 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવીને વિશાળ સ્કોરનો પાયો નાંખ્યો હતો. કુસલ મેન્ડિસે સર્વાધિક 78 રન કર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સદીરા સમરવિક્રમાએ 456 બોલમાં 44 રન ફટકારીને સ્કોર બોર્ડ ફરતો રાખ્યો હતો. ધનંજય 29 રન કરીને અણનમ રહ્યો હતો.
અસાલંકા (6)ને બાદ કરતા શ્રીલંકાના બધા બેટ્સમેનો ડબલ ફિગરમાં રન કરવામાં સફળ રહ્યા હતા. અફઘાનિસ્તાનને બોલિંગમાં ઈજાગ્રસ્ત રાશિદ ખાનની ખોટ વર્તાઈ હતી. ફરીદ અને નબીએ બે-બે જ્યારે મુજીબ અને નૂરે એક-એક વિકેટ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન-ડે 7મી જૂને રમાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.