73 વર્ષની બિમાર માતાએ પથારીમાં પેશાબ કર્યો છે એવી શંકાએ પુત્રએ ક્રૂરતાની હદો વટાવી
(GNS),31
ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે કળિયુગ ચાલે છે. પંજાબના રોપડની આ ઘટના તેનો જીવતો જાગતો પુરાવો છે. આ દ્રશ્યો જોઈને કઠોર હ્દયની વ્યક્તિનું કાળજું પણ કાંપી જશે. કેમ કે એક પુત્ર પોતાની માતા સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી રહ્યો છે. વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ માતાને તે ઉપરાઉપરી લાફા મારે છે, મુક્કા મારે છે. વાળ પકડીને ખેંચે છે, પલંગ પર પછાડે છે. એ પણ વારંવાર…માતા સાથે આ અત્યાચાર કરતી વખતે ન તો તેનો આત્મા ડંખે છે કે ન તો તેને યાદ રહે છે કે આ જ માતાએ તેને જન્મ આપ્યો હતો. વૃદ્ધા એ હદે લાચાર હતા કે ન તો તે પોતાનો બચાવ કરી શકે છે કે ન તો મદદ માટે પોકાર કરવા સમક્ષ છે..
સમગ્ર મામલો જણાવીએ, આ ઘટનામાં હેવાન ફક્ત એક નથી. બીજા બે પણ છે. દ્રશ્યોમાં નજરે પડતાં બીજા બે વ્યક્તિમાં એક વૃદ્ધાની પૂત્રવધુ છે, જ્યારે પલંગની નજીક ઉભેલો યુવક વૃદ્ધાનો પૌત્ર છે, બંને ક્રૂરતાનો આ તમાશો જોતાં રહ્યા, કોઈએ કંઈ ન કર્યું, દિકરી સમાન પુત્રવધૂ તો વૃદ્ધાની નજીક પણ ન આવી. દિકરાને શંકા હતી કે તેની 73 વર્ષની બિમાર માતાએ પથારીમાં પેશાબ કર્યો છે, જો કે સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે વૃદ્ધાનો પૌત્ર પથારીમાં પાણી રેડી રહ્યો છે અને પછી તેણે પોતાના પિતાને ફરિયાદ કરી હતી કે દાદીએ પથારી ભીની કરી છે. આ શબ્દો સાંભળીને એક પુત્ર માતા માટે હેવાન બની જાય છે..
જો કે તેની હેવાનિયત વૃદ્ધાના રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વૃદ્ધા આશા વર્માના પુત્રી દીપશિખાએ સીસીટીવી કેમેરાનું એક્સેસ મેળવેલું હતું, જેના આધારે તેમણે પોલીસ અને સામાજિક કાર્યકરોને ફરિયાદ કરતા મામલો સામે આવ્યો. પોલીસે માતા સાથે ક્રૂરતા આચરનાર અંકુર વર્માની ધરપકડ કરી છે, વ્યવસાયે વકીલ અંકુરની સામે આઈપીસીની કલમ 327, 342, 323 અને વરિષ્ઠ નાગરિક ભરણપોષણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેના સગીર પુત્ર અને પત્ની સામે ગુનો નથી નોંધાયો..
સામાજિક કાર્યકર જ્યારે આરોપીના ઘેર પહોંચ્યા, ત્યારે પહેલાં તો તેને પોતાની હરકતનો કોઈ પછતાવો નહતો, પણ પછીથી પોલીસ કેસથી બચવા માફી માગવાનું અને માતાનું ધ્યાન રાખવાનું કહીને કરગરવા લાગ્યો. સામાજિક સંસ્થાઓએ વૃદ્ધાની સારવારની જવાબદારી લઈને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીડિતા આશા વર્મા કોલેજમાં લેકચરર હતા, નિવૃત્તિ બાદ તેઓ પેન્શન પર ગુજરાન ચલાવતાં હતાં. તેમના પતિનું અવસાન થોડા સમય પહેલાં જ થયું હતું. આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા છે, લોકો અંકુર જેવા પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. જે સમાજની કાળી બાજુ દેખાડે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.