ત્રણ કોચમાં રાખવામાં આવેલ મુસાફરોનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો
(જી.એન.એસ),તા.૦૫
વિશાખાપટ્ટનમ,
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે રવિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. તિરુમાલા જઈ રહેલ કોરબા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસના ત્રણ એસી કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ એટલી ઝડપે ફેલાઈ ગઈ હતી કે, આગની જ્વાળાઓ પ્લેટફોર્મની છતને સ્પર્શવા લાગી. માહિતી મળતાં જ રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મુશ્કેલીથી તમામ મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી, પરંતુ ત્રણ કોચમાં રાખવામાં આવેલ મુસાફરોનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર ટ્રેન વિશાખાપટ્ટનમના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી. આ દરમિયાન B7 કોચમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને આ કોચમાં સવાર મુસાફરો દેકારો મચાવતા, કોચમાં બેઠેલા અન્ય મુસાફરો એકાએક બહાર દોડી ગયા હતા. આ દરમિયાન કોચમાંથી આગની જ્વાળાઓ ફેલાવા લાગી હતી. થોડી જ વારમાં આગ ચોમેર ફેલાઈ ગઈ અને B6 કોચને પણ લપેટમાં લઈ લીધી.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેન સવારે સાડા છ વાગ્યે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પહોંચી હતી. આ ટ્રેન યાર્ડ જવા રવાના થવાની હતી. આ દરમિયાન ટ્રેનના B7 કોચમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આગ નજીકના બીજા કોચ B6 સુધી પહોંચી ગઈ. આગ લાગવાની ઘટના બાદ સક્રિય થયેલી રાહત ટુકડીએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. જો કે, આગ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગઈ ત્યાં સુધીમાં B7, B6, M1 કોચ અને તેમાં રહેલા મુસાફરોનો સામાન બળીને રાખ થઈ ગયા હતા. રાહત ટીમના જણાવ્યા અનુસાર ફાયર કર્મીઓની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર કર્મીઓ અહી પહોંચતાની સાથે જ સૌ પ્રથમ આગને વધુ પ્રસરતી અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ આગ પર ધીમે-ધીમે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને લગભગ બે કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. કોરબા વિશાખાપટ્ટનમ એક્સપ્રેસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ, રેલવેએ ઘટનાના કારણની તપાસના આદેશ આપ્યા છે. રેલવેએ સ્વીકાર્યું છે કે આ દુર્ઘટના વધુ મોટી થઈ શકતી હતી. દુર્ઘટના સમયે ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી. રેલવેએ અકસ્માતનું પ્રાથમિક કારણ ટેકનિકલ ખામીને ટાંક્યું છે, જો કે, આ બાબતની યોગ્ય તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.