Home મધ્ય ગુજરાત અમદાવાદ વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓએ અમદાવાદ જિલ્લાના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા...

વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓએ અમદાવાદ જિલ્લાના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા નિહાળી

19
0

રશિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મડાગાસ્કર, ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિક દેશોના ચૂંટણી સબંધિત અધિકારીઓએ અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ મતદાનની તૈયારીઓ અને પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 : અમદાવાદ જિલ્લો

(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલા વ્યવસ્થાપન અને કામગીરીને વિદેશી અધિકારીઓએ બિરદાવી

લોકસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડિસ્પેચિંગ સેન્ટરથી ઈવીએમ સહિતની સામગ્રી લઈને ચૂંટણી કર્મીઓ પોતપોતાના બુથ પર પહોંચી ગયા છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની ચૂંટણી પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં વખણાય છે.

ભારતની ચૂંટણી પ્રક્રિયાને સમજવા અને નિહાળવા માટે છ જેટલા દેશોના ચૂંટણી અધિકારીઓ અમદાવાદ પધાર્યા છે. રશિયા, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિકના પ્રતિનિધિઓએ ચૂંટણીના આગલા દિવસે અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલી ચૂંટણીની કામગીરીને જુદા જુદા ડિસ્પેચિંગ સેન્ટર પર જઈને નિહાળી હતી. ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલા વ્યવસ્થાપન અને કામગીરીને વિદેશી અધિકારીઓએ રસપૂર્વક નિહાળ્યા ઉપરાંત બિરદાવી પણ હતી.

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના ડેલિગેશને ઘાટલોડિયા મતવિસ્તારના ભાડજ વિસ્તારમાં આવેલ સાલ શૈક્ષણિક સંકુલ ખાતે તૈયાર કરેલ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યારે ફિજીના ડેલિગેશને વેજલપુર મતવિસ્તારમાં આવેલ ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે તૈયાર કરેલ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કિર્ગિઝ રિપબ્લિકના મહેમાનોએ એલિસબ્રીજ મતવિસ્તારમાં આવેલ શેઠ સી.એન. વિદ્યાલય ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. રશિયા તથા મડાગાસ્કરના મહેમાનોએ ધોળકા મતવિસ્તાર ખાતે આવેલ સી.વી.મિસ્ત્રી સ્કૂલના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના ચૂંટણી અધિકારી કેમરોન સ્ટોક્સ અને ન્યે કોફીઇ, ફિજીના ચૂંટણી અધિકારી બાર્બરા માલમાલી અને ડો. અતુ બૈન એમ્બર્સન, કિર્ગિઝ રિપબ્લિક દેશના ચૂંટણી તંત્રના નુર્લન કોઈચકીવ અને અબ્દીઝહાપર બેકમાતોવ, મડાગાસ્કરના ચૂંટણી અધિકારી રેન્દ્રીયાનારિવોનાન્ટોનીના અને લેમ્બો એન્દ્રેયિન્જકા લુડગર તથા રશિયાના ચૂંટણી અધિકારી એન્ટન ચિચિલીમોવ સહિતના અધિકારીઓએ અમદાવાદમાં ચાલી રહેલી ચૂંટણી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

તમામ વિદેશી ડેલિગેટ્સે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ મતદાન મથક પર સ્ટાફની કામગીરી અને મતદાન પ્રક્રિયા વિશે બારીકાઈથી જાણ્યું હતું. આ ઉપરાંત EVM વિશે પણ વિગતવાર માહિતી મેળવી હતી તથા મતદાનથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાથી વાકેફ થયા હતા.

વધુમાં, વિદેશી ડેલિગેટ્સે ડિસ્પેચિંગ સેન્ટરના વ્યવસ્થાપન અને કામગીરી વિશે પણ જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાની ફરજમાં રોકાયેલ કર્મીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ જાણ્યું હતું. વિદેશી ડેલિગેટ્સે આ તમામ પ્રક્રિયા બાબતે ઉપસ્થિત જે-તે લાયઝન અધિકારીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરના ધ્રોલમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતા 1 બાળકનું મોત
Next articleમુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત