Home રમત-ગમત વિરાટ કોહલી સામે 2018માં આ હશે મોટા પડકારો..

વિરાટ કોહલી સામે 2018માં આ હશે મોટા પડકારો..

1733
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી .તાં.૧
૨૦૧૭નું વર્ષ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે સોનામાં સુગંધ જેવું બની રહ્યું. આખા વર્ષ દરમિયાન વિરાટ કોહલીનો જલવો ક્રિકેટના મેદાનની અંદર જ નહીં, મેદાનની બહાર પણ રહ્યો. આ વર્ષે વિરાટના પ્રોફેશનલ જીવનમાં તેને ભારતીય વન ડે અને ટી-૨૦ ટીમની કેપ્ટનશિપ મળી. વિરાટે રેકોર્ડ બુકમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે નોંધાવી દીધા.
વિરાટ આ વર્ષે વન ડે ક્રિકેટમાં સદીઓના મામલામાં બીજા નંબર પર પહોંચી ગયો, કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં છ બેવડી સદી ફટાકારનારો પહેલો ખેલાડી બન્યો, ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ૫૦થી વધુની સરેરાશ સાથે ૨૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય રન પણ બનાવ્યા.
વિરાટે કેપ્ટન તરીકે જબરદસ્ત પ્રદર્શન કરતા ત્રણેય ફોર્મેટમાં જીતનો સિલસિલો જાળવી રાખ્યો. ભારતે આ વર્ષે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને બાદ કરતાં બધી જ વન ડે શ્રેણી પણ જીતી લીધી, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં ચારેય શ્રેણી જીતવામાં વિરાટની ટીમ સફળ રહી. કોઈ ક્રિકેટર પાસે આનાથી વધુ સારા પ્રદર્શનની આશા રાખી શકાય નહીં.
જોકે વિરાટ માટે મેદાનની બહાર ચીજો પણ એટલી જ શાનદાર રહી. વિરાટે તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરવાની સાથે-સાથે વિરાટ ભારતની સૌથી મોટી બ્રાંડ બનીને પણ ઊભર્યો. એવું કહી શકાય કે આ આખું વર્ષ વિરાટ માટે કોઈ સુવર્ણકાળ જેવું બની રહ્યું, જોકે વર્ષ ૨૦૧૮ની શરૂઆત જ વિરાટ માટે મોટા પડકારો સાથે થઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયા હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પહોંચી ગઈ છે.
આ પ્રવાસ દરમિયાનની ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ તા. ૫ જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. ટેસ્ટ ઉપરાંત છ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી પણ દક્ષિણ આફ્રિકામાં જ રમાવાની છે. ભારતીય ટીમ આજ સુધી દક્ષિણ આફ્રિકાને તેઓની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં હરાવી શકી નથી. ભારતીય ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૧૦-૧૧માં રહ્યું હતું, જ્યારે ધોનીના નેતૃત્વમાં ભારત ત્રણ મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.
ભારતે આફ્રિકામાં રમાયેલી ૧૭ ટેસ્ટ મેચમાંથી ફક્ત બે મેચમાં જીત હાંસલ કરી છે, જ્યારે આઠ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે અને સાત ટેસ્ટ ડ્રો રહી છે. આ સ્થિતિમાં વર્તમાન પ્રવાસ પર વિરાટ પાસેથી ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે દક્ષિણ આફ્રિકામાં ભારતના જીતનો દુષ્કાળ સમાપ્ત કરે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ૨૦૧૮માં ભારતીય ટીમની પરીક્ષા ઈંગ્લેન્ડની ફાસ્ટ વિકેટ પર પણ થવાની છે. ભારતીય ટીમ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. એ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા પાંચ ટેસ્ટ અને ત્રણ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. ભારતીય ટીમનો રેકોર્ડ ઈંગ્લેન્ડમાં પણ ઘણો ખરાબ રહ્યો છે.
ભારતીય બેટ્સમેનો મોટા ભાગે ઈંગ્લેન્ડની પીચો પર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. વર્ષ ૨૦૧૧ના ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારત ચાર ટેસ્ટ, ચાર વન ડે અને એક ટી-૨૦ મેચમાંથી એક પણ મેચ જીતી શક્યું નહોતું, જ્યારે ૨૦૧૨-૧૩માં ટેસ્ટ શ્રેણી હારીને વન ડે શ્રેણી જીતવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી હતી. ઈંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ જોઈએ તો ભારતે ૫૭ ટેસ્ટ મેચોમાંથી ફક્ત છ ટેસ્ટમાં જ જીત મેળવી છે, જ્યારે ૩૦ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે.
૨૦૧૮ના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ ભારતીય ટીમ હજુ સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ સ્થિતિમાં એવું કહી શકાય કે આવનારું વર્ષ વિરાટ માટે અનેક નવા પડકારોથી ભરેલું છે, જેમાં તેણે ફક્ત એક બેટ્સમેન તરીકે જ નહીં, એક કેપ્ટનના રૂપમાં પણ પોતાની જાતને સાબિત કરવી પડશે, જોકે આ પડકારોમાં ‘વિરાટ’ સંભાવનાઓ પણ છે, જો વિરાટ આ પ્રવાસ દરમિયાન સારું પ્રદર્શન કરી શકે તો એ પોતાના કદને એક બેટ્સમેન અને કેપ્ટનના રૂપમાં વધુ નવી ટોચે લઈ જઈ શકશે.

Previous article૧૦૦ ટકા ફિટનેસ મેળવ્યા પછી જ ટોચની ખેલાડીઓ સામે રમવું છે: સાઇના
Next articleસા.આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાંથી ઈજાગ્રસ્ત શિખર ધવન બહાર