રખડતા ઢોર મામલે સરકાર દ્વારા કડક પગલાં ભરી અને ઢોર પકડવાની કામગીરીને લઈ માલધારી સમાજ નારાજ છે. માલધારી સમાજના અનેક પ્રશ્નો જેવા કે રખડતા ઢોર નિયંત્રણ કાયદો, ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા તેમજ ઢોરવાડામાં રહેલા ઢોરને દૂર કરવા જેવા પ્રશ્નો છે. રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો જે લાવવામાં આવ્યો છે તેને રદ કરાવવા માટે થઈ અને હવે માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળી શકે છે. આ વિધાનસભા સત્ર દરમિયાન અથવા એક દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ જેટલા માલધારીઓ ગાંધીનગરમાં ઉમટી પડશે. માલધારીઓ દ્વારા વિધાનસભા તરફ કૂચ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ અંગે રણનીતિ ઘડવા માટે ગાંધીનગર નજીક આવેલા ટીંટોળા વડવાળા મંદિરમાં માલધારી સમાજના સંતો અને આગેવાનોની એક બેઠક યોજાશે. સરકાર ગુજરાત હાઇકોર્ટમાં ખોટા એફિડેવિટ કરે છે. રાજ્ય સરકારની બેધારી નીતિ છે. એક તરફ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ સમાજના આગેવાનો સાથે ફોટા પડાવે અને બીજી તરફ પોલીસ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા માલધારી સમાજના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત સરકાર માલધારી સમાજની વિરુદ્ધ છે તેવા મેસેજો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે અને આગામી ત્રણ મહિના એટલે કે જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી હોંશિયારીપૂર્વક રહેવા અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં માલધારી સમાજના સાધુ-સંતો અને આગેવાનોની અમદાવાદમાં બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષોથી માલધારી સમાજના અનેક પ્રશ્નો અને સરકાર દ્વારા જે રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે, તેને હવે જે પણ ચોમાસુ સત્ર કે વિશેષ સત્ર મળે તેમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાને રદ કરવામાં આવે તેવી માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી હતી. સાધુ સંતો અને આગેવાનો ભેગા મળી અને આ માટે સરકારને રજૂઆત કરશે. માલધારી સમાજનો વર્ષોથી અનેક પ્રશ્નો છે જેનો કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવેથી માલધારી સમાજ એક થઈ અને જે પણ પક્ષ માલધારી સમાજની સાથે ઉભો રહેશે તેને માલધારી સમાજ રહેશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટી આવી છે તેને પણ કહીશું કે જે માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે અમે લેખિતમાં આપશે તેની સાથે સમાજ ઊભો રહેશે. કોઈપણ પાર્ટી હોય તેની પાસેથી લેખિતમાં વચન લેવામાં આવે કે તેઓ માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે. તેની સાથે માલધારી સમાજના પાંચ વ્યક્તિઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. રાજકારણમાં માલધારી સમાજનો આજદિન સુધી માત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. માલધારી સમાજનો આગેવાન કોઈપણ પક્ષમાં હોય તેનાથી સમાજને કોઈ લેવાદેવા નથી પરંતુ જ્યારે માલધારી સમાજનો કોઈ પ્રશ્ન આવે ત્યારે પક્ષાપક્ષી છોડી અને સમાજ એક બનો. અમદાવાદની બેઠકમાં માલધારી સમાજના સાધુ સંતો અને આગેવાનોની જે બેઠક મળી હતી તેમાં સુરેન્દ્રનગર દુધરેજના વડવાળા મંદિરના મહંત પ.પૂ 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુ, ભરવાડ સમાજના મહંત ઘનશ્યામપુરી બાપુ, વાળીનાથ મંદિરના જયરામગીરી બાપુ, દેવુભગત તેમજ માલધારી આગેવાનો નાગજીભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ, લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ, વિક્રમભાઈ ભુવાજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.