Home ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ૫૬,હરિયાણામાં ૬૨ ટકા મતદાન

વિધાનસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ૫૬,હરિયાણામાં ૬૨ ટકા મતદાન

320
0

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૧
મહારાષ્ટ્રમાં ૨૮૮ અને હરિયાણામાં ૯૦ બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે સમાપ્ત થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ ૫૬.૦૪ ટકા મતદાન થયું છે, તો હરિયાણામાં ૬૨.૯૮ ટકા મતદાન થયાનું નોંધાયું છે. હરિયાણા-મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ ૨૪ તારીખે જાહેર થશે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપ બંન્ને રાજ્યોમાં સત્તા ટકાવી રાખે છે કે પછી કોંગ્રેસનું કમબેક થાય છે.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. ફડણવીસે પરિવાર સાથે મતદાન કર્યું હતું, જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા આવ્યા હતા. હરિયાણાના મેવાત જિલ્લામાં ચાર બૂથ પર હિંસક અથડામણ થઇ. મહારાષ્ટ્રના પિંપર ચિંચવાડમાં શિવસેના અને એનસીપીની સમર્થકો બાખડ્યા હતા.
મુંબઈ શહેરમાં ૪૪.૪૦ ટકા મતદાન થયું છે, તો મુંબઈના ઉપનગરોમાં ૪૬.૯૨ ટકા લોકોએ મતાધિકાર પ્રાપ્ત કર્યો હતો. મુંબઈમાં સૌથી વધારે ભાંડુપ (વેસ્ટ) ઉપનગરમાં મતદાન થયું – ૫૩.૦૪ ટકા. તો સૌથી ઓછું મતદાન દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં થયું – ૩૭.૪૩ ટકા.
મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે મતદાન કોલ્હાપુરમાં થયું – ૬૯.૦૪ ટકા. રાજ્યના શિયાળુ પાટનગર નાગપુરમાં ૫૪.૨૪ ટકા અને પુણેમાં ૫૨.૮૦ ટકા મતદાન થયું.
હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. મહારાષ્ટ્રના પૂણાના શિવાજી નગરમાં અચાનક લાઈટો જતી રહી હતી. મતદાતાઓએ મીણબત્તીના અજવાળામાં મતદાન કર્યું. વીજ વિભાગે ટેકનિકલ ખામી હોવાનું કારણ જણાવ્યું હતું. પરંતુ વીજ પ્રવાહની મતદાન પર કોઈ અસર જોવા મળી નહીં.

Previous articleભાજપના ઉમેદવાર ધવલસિંહને આયતી કાર્યકારોથી પ્રચાર કરવાની નોબત આવી…!
Next articleઅમરાઈવાડીમાં સૌથી ઓછુ મતદાન કોને ફળશે, ભાજપ કે કોંગ્રેસ..!!