ગાંધીનગરના દંતાલી ગામે સાંસદશ્રી હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
ગ્રામજનોએ ઢોલ નગારાના નાદ અને પુષ્પવર્ષા થકી વિકસિત ભારત રથના વધામણા કર્યા
(જી.એન.એસ),તા.૦૫
ગાંધીનગર,
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના જુદા- જુદા જિલ્લાઓમાં છેલ્લા ૧૫ દિવસથી પરિભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૩૦ નવેમ્બરથી શરુ થયેલી વિકાસ યાત્રા ગાંધીનગર તાલુકાના દંતાલી ગામે પહોંચતા ગ્રામજનોએ ઢોલ નગારાના નાદ અને પુષ્પ વર્ષા થકી વિકસિત ભારત રથનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ તથા પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ મોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી પર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીને સુંદર પ્રકૃતિ અને સારા સ્વાસ્થ્યની ભેટ આપવી હોય તો પ્રાકૃતિક ખેતી એકમાત્ર માર્ગ છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે વિકસિત ભારતનું સ્વપ્ન તો જ સાકાર થશે જ્યારે છેવાડાનો માનવી દરેક યોજનાનો લાભ લેતો થશે.

આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિકાસલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ અને યોજનાકીય બેનરો, પ્લેમ્ફેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકોને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ સાથે શપથ પણ લીધા હતા.
આ કાર્યક્રમમાં ગામના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી, શૌચાલય યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. ગામમાં હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેમજ હર ઘર શૌચાલય માટે સાંસદ સભ્યશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા સરપંચશ્રીને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દિકરીઓ દ્રારા ‘ધરતી કરે પુકાર’ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
ગામમાં યાત્રાના આગમન પ્રસંગે કાર્યક્રમ સ્થળે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા નિદર્શન સ્ટોલ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સનું ઉપસ્થિત મહાનુભાવોએ પણ નિરિક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે ગુણવત્તા યુક્ત પાક લેવા અંગે ટેકનોલોજીકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ મોડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મલઈકુમાર ભુવા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જયાબેન ઠાકોર, ગામના સરપંચશ્રી નીરૂબેન પટેલ તથા દંતાલી પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.