વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીનો રોડમેપ પ્લાન ગતિશક્તિથી પૂરૂં પાડવાનું વિઝન આપ્યું : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
—-
(જી.એન.એસ),તા.૧૦
ગાંધીનગર,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માટે માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીનો રોડમેપ પ્લાન ગતિશક્તિથી પૂરૂં પાડવાનું વિઝન આપ્યું છે. વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતમાં પણ ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉભી થઈ છે. વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ પોતાનું ગતિશક્તિ પોર્ટલ લોંચ કરવાની પહેલ કરી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું.
બાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નાં પ્રથમ દિવસે યોજાયેલા વિવિધ સેમિનાર અંતર્ગત મુખ્યમંત્રીશ્રી “પી.એમ.ગતિશક્તિ – ઇન્ફોર્મ્ડ ડિશીઝન મેકીંગ ફોર હોલિસ્ટીક ડેવલોપમેન્ટ” સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ આ સેમિનાર દ્વારા રાજ્ય અને દેશનાં ભવિષ્યનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે દિશા, સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે તે દેશની અર્થવ્યવસ્થા, એગ્રીકલ્ચર, સોશિયલ અને સર્વિસ ત્રણેય સેક્ટરમાં વિકાસનાં નવા સીમ ચિહ્નો અંકિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં દેશમાં સડક નિર્માણ, રેલવે અને રોડ બ્રીજ, એરપોર્ટ્સ અને હાઇસ્પીડ રેલ જેવાં ઇન્ફાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે અને બદલાતાં ઇન્ફાસ્ટ્રક્ચર સાથે લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધી રહ્યું છે. અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીએ લોકોને સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરૂં પાડવાનો નિર્ધાર કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત તેમનાં જ પદચિહ્નો પર ચાલીને નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધ્યું છે. પી.એમ. ગતિશક્તિને અનુરૂપ જે ગતિશક્તિ પોર્ટલ ગુજરાતે લોન્ચ કર્યું છે તે રાજ્યનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ્સમાં ડિશીઝન મેકીંગ, લેન્ડ એક્વીઝીશન અને સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરા કરવામાં મદદરૂપ બને છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત આયોજીત આ સેમિનારમાં વિચારોનું જે આદાન પ્રદાન થશે તે ગુજરાતનાં ગતિશકિત માસ્ટર પ્લાનને વધુ ઉપયુક્ત બનાવવામાં અને હોલિસ્ટીક ડેવલોપમેન્ટથી વિકસીત ગુજરાત @ 2047 સાકાર કરવામાં નવી દિશા આપશે તેમ પણ જણાવ્યું હતું.
વાઈબ્રન્ટ સમિટ એ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝના પ્લેયર માટે મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. આ સમિટમાં ઔદ્યોગિક રોકાણો ઉપરાંત યોજાતાં સેમિનાર્સ રાજ્ય તથા દેશનાં વિકાસ માટે દિશાસૂચક સાબિત થતાં હોય છે. આજે પી.એમ. ગતિશક્તિ યોજના પર યોજાયેલા સેમિનારમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના કારણે નાગરિકોનાં જીવનમાં આવતાં ગુણાત્મક પરિવર્તન બાબતે ઉપસ્થિત મહાનુભાવોએ રસપ્રદ માહિતી આપી હતી.
કેન્દ્રિય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં એક પછી એક વૈશ્વિક કક્ષાનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેજ ગતિથી ચાલી રહ્યાં છે. ગુજરાત આજે દેશનું જ નહીં, સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષી રહ્યું છે. ત્યારે ઈન્ફ્રાસ્ટકચર પ્રોજેક્ટમાં વિલંબ થાય તે આપણા માટે યોગ્ય બાબત નથી. વડાપ્રધાન શ્રી મોદીનાં વિઝન વિકસિત ભારત- ૨૦૪૭ને હાંસલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સમસયસર પૂર્ણ થાય તે સમયની માંગ છે.
રાજ્યનાં અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કે, એક પ્રોજેક્ટની શરૂઆતથી લઈ તેના કાર્યાન્વિત થવા સુધીમાં ઘણા બધા વિભાગોની મંજૂરી લેવી પડતી હોય છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતિત થતો હોય છે. તેવા સમયે પી.એમ. ગતિ શક્તિ પોર્ટલ આ પ્રોજેક્ટસના સરળ અમલીકરણની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જી.આઈ.ડી.બી.(ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલેપમેન્ટ બોર્ડ)નાં ચેરમેન શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિનો ઉદ્દેશ વિવિધ વિભાગો વચ્ચે પારસ્પરિક સંકલન અને સંચારનો છે. પી.એમ. ગતિશક્તિ માસ્ટર પ્લાન થકી હવે દરેક મંજૂરીઓ, પરવાનગીઓ ત્વરિત ગતિથી અને તાત્કાલિક આપવામાં આવે છે. હવે દરેક NoCs (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) માટે એક સિંગલ પ્લેટફોર્મ મળ્યું છે. પીએમ ગતિશક્તિ વિકસિત ભારત @2047ના લક્ષ્યને હાંસલ કરવામાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે.
સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ઈસરોની કામગીરી અવકાશ ક્ષેત્ર સુધી સીમિત નથી. આજે ઈસરો આપણા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પણ યોગદાન આપી રહ્યું છે. ઈસરો સેટેલાઈટના માધ્યમથી પી.એમ. ગતિશક્તિ થકી તેનો વ્યાપ સામાજિક-આર્થિક વિકાસ સુધી વિસ્તારી રહી છે. હવે સેટેલાઈટ અને ટેક્નોલોજીનાં માધ્યમથી એરિયા ડેવલપમેન્ટની સાથે, સામાજિક-આર્થિક વિકાસ વેગવાન બન્યો છે.
યુનિવર્સિટી ઓફ ટોક્યોના પ્રોફેસર મસાહિરો કવાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. ગુજરાતમાં પોર્ટ કનેક્ટિવિટી, એરપોર્ટ્સ, ગેસ કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્તમ ઉદાહરણો છે. એક સમયે 13મી વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી ભારત આજે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, અને વર્ષ 2027 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા જેવી પહેલો દ્વારા ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સેમિનારમાં ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, બાયસેગનાં ડી.જી. શ્રી ટી.પી. સિંઘ, કેન્દ્રિય દૂરસંચાર વિભાગનાં સચિવ ડૉ. નીરજ મિત્તલ, દાહોદ જિલ્લાં કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવી, કેન્દ્રીય મંત્રાલયનાં સચિવ શ્રી પંકજ જૈન અને શ્રીમતી સુમિતા ડાવરા સહિત મોટી સંખ્યામાં આ ક્ષેત્રનાં મહાનુભાવો-ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.