વાંકાનેરમાં રહેતી પરિણીતાના લગ્ન જામનગરના મુંગણી ગામે થયા હતા. જ્યાં પતિ તેમજ સાસરિયાઓ માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા અને પ્રસુતિ હોવા છતાં પણ દવાખાને ના લઇ જઈને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં નોંધાવી છે. મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન નજીક વિસીપરમાં રહેતા રીમાબા જાડેજાએ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન તારીખ 11/02/2018 ના રોજ જ્ઞાતિના રીવાજ મુજબ જામનગર ખાતે રહેતા કરણસિંહ મનુભા જાડેજા સાથે થયા હતા. સંતાનમાં એક દીકરી પણ છે.
લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં જામનગરના મુંગણી ગામે રહેતા હતા. લગ્ન બાદ પતિ તથા સાસરીયાઓએ થોડો સમય સારી રીતે સાચવી, ત્યારબાદ પતિ કરણસિંહ અને સાસરિયાઓ નાની-નાની બાબતમાં મેણાટોણા બોલી હેરાન પરેશાન કરતા હતા. પિયરમાંથી વધારે કરીયાવર લાવવા માટે અવાર નવાર દબાણ કરતા હતા. પરિણીતા ગર્ભવતી હોવા છતા સાસરીયાવાળા દવાખાને ન લઇ જતા અને સારવારને બદલે શારીરિક-માનસીક દુ:ખ ત્રાસ આપતા હતા. સાસરિયાવાળાઓ તેના પતિને પરિણીતા વિરુદ્ધ ચડામણી કરતાં, જેથી પતિ તેને માર મારતો હતો. સોમનાથ ખાતે રહેતો નણંદ-નણદોઈ તેના પતિને ફોન દ્વારા પણ ચડામણી ક૨તો હતો.
વાર તહેવારે નણંદ-નણદોઈ સાસરીયામાં આંટો મારવા માટે આવતા ત્યારે પણ તેના પતિને કહેતા કે, આ તારી ઘરવાળી બરાબર નથી, તેને તેના પિયરમા મુકી આવ, જેવા ખોટા બહાના કાઢી પરિણીતા તેને સાચવતી નથી, તેમ કહી તેમજ કરીયાવર ઓછો લાવી છે, તેમ કહીને પતિને ઉશ્કેરતા હતા. જેના કારણે મારો પતિ મને ઢોરમાર મારતો હતો. પરંતુ પરિણીતાને તેનો ઘર સંસાર સારીરીતે ચલાવવો હોય જેથી તેઓ આ દુ:ખ ત્રાસ મુંગામોઢે સહન કરતી હતી.
જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે પતિ તથા સાસરીયાઓએ તેને દબાણ કરીને છુટાછેડાના કાગળમાં સહી કરવા માટે હેરાન કરી મારપીટ કરી હતી. એ સમયે પરિણીતાએ તેના માતા-પિતાને ફોન કરી સમગ્ર બનાવની જાણ કરી એટલે તારીખ 31/05/2022 ના રોજ આવીને તેમને પિયરમાં તેડી આવ્યા હતા. તેના ચાર મહીના બાદ દીકરીનો જન્મ થયો હતો. જે મામલે રીમાબા એ પતિ-કરણસિંહ જાડેજા, સસરા-મનુભા જાડેજા, સાસુ-જનકબા, દિયર-અર્જુનસિંહ, તથા સોમનાથ ખાતે રહેતા નણદોઈ-જયેન્દ્રસિંહ મનુભા રાઠોડ, નણંદ-મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ, નણદોઈ-પ્રકાશસિંહ મનુભા રાઠોડ, નણંદ-શીતલબા પ્રકાશસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.