વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના એનઆરઆઈ પતિ તેમજ વડોદરા ખાતે રહેતા સાસરિયાઓએ દહેજમાં 10 તોલા સોનું તેમજ 72 હજાર કેનેડિયન ડોલર લઇ માનસિક-શારીરીક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2015માં સુરતના ઉઘના-મગદલ્લા રોડ પર આવેલ ભટાર ચાર રસ્તા પાસે આવેલ વિશાલનગર સોસાયટીમાં રહેતા ચિરાગ પટેલ સાથે થયા હતા. લગ્નમાં દહેજ રૂપે 10 તોલા સોનું અને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ પતિ ચિરાગ કેનેડા નોકરી કરવા માટે ગયો હતો અને વર્ષમાં એકાદ વખત પરત આવતો હતો. આ દરમિયાન સાસરીના ઘરમાં એક રૂમ બનાવવા માટે સાસરીયાઓએ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
જેથી ટુકડે-ટુકડે પરિણીતાએ 25 લાખ રૂપિયા આપ્યા હતા. છતાં સાસુ-સસરા પરિણીતાને ત્રાસ આપતા હતા. ઓગસ્ટ 2016માં પરિણીતા પતિ સાથે કેનેડા ગઇ હતી અને ત્યાં પાંચ વર્ષ સુધી રહી હતી. જ્યાં તેણે એક દીકરીને પણ જન્મ આપ્યો હતો. તેમજ કેનેડામાં નોકરી પણ કરી હતી. ત્યાં પણ પતિ દ્વારા હેરાનગતિ જારી રહેતા પરિણીતા સુરત ખાતે સાસરીમાં આવી હતી. જ્યાં સાસુ, સસરા, જેઠ અને કાકા સસરા દ્વારા દહેજની માંગ કરતા હતા. સાસરીયાઓએ લગ્ન વખતે આપેલ 10 તોલાના સોનાના દાગીના અને 72 હજાર કેનેડિયન ડોલર પણ લઇ લીધા હતા.
તેમ છતાં ત્રાસ જારી રહેતા આખરે પરિણીતા પિયર વડોદરા ખાતે આવી ગઇ હતી અને તેણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે દહેજ તેમજ શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. અન્ય એક બનાવમાં વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ફેબ્રુઆરી 2021માં સંત જોસેફ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના રીતરિવાજ મુજબ ધવલ જીતેન્દ્રભાઇ પરમાર સાથે થયા હતા. લગ્નના થોડા મહિના બાદ તારા પિતાએ દહેજમાં સોના-ચાંદીના દાગીના કે રોકડ આપી નથી કહી પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
તેમજ તને ઘરનું કશું કામ આવડતું નથી કહી મ્હેણા ટોણા મારતા હતા. દરમિયાન પતિ અન્ય યુવતી સાથે મોબાઇલમાં ચેટ કરતો હોવાથી પરિણીતાએ આ અંગે પૂછતા પતિએ તેને માર માર્યો હતો અને ત્રાસ ગુજારવાનું જારી રાખ્યું હતું. જેથી પરિણીતા પિયર આવી ગઇ હતી અને પતિ સહિત સાસરીયાઓ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.