વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે સવારે એક કાર પાર્ક થતાંની સાથે જ એમાં આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં તો એ આગની લપેટમાં આવી ગઈ હતી, જેમાં કારચાલકનો સહેજમાં બચાવ થયો હતો. વડોદરાના સરદાર એસ્ટેટ પાસે એક કારચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને એને ઊભી રાખી નીચે ઊતર્યો હતો. જેવો કારચાલક કારમાંથી નીચે ઊતર્યો કે કારમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર કાર ભડકે બળી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.
ઘટના અંગે કારચાલક લોકેશ શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે આ કાર મારા મિત્રની છે અને હું એને સર્વિસ માટે શોરૂમમાં લઈ જઈ રહ્યો હતો. ઓડિશા પાસેની hyundai i10 કારને અકસ્માત થયો હતો, જેથી એનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરીને એને સર્વિસ માટે શો-રૂમમાં મૂકવાની હતી. શો-રૂમના કર્મચારી કાર લેવા આવવાના હતા. પરંતુ તેઓ મોડે સુધી આવ્યા ન હતા, તેથી હું મારા મિત્રની કારને લઈને શો-રૂમમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે સરદાર એસ્ટેટ પાસે આવતાં મને પાણીની તરસ લાગતાં હું કાર થોભાવીને પાણી લેવા માટે કારમાંથી નીચે ઊતર્યો હતો.
હું જેવો કારમાંથી નીચે ઊતરીને પાણી લેવા ગયો કે કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી અને એણે સમગ્ર કારને લપેટામાં લઈ લીધી. કારમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી તેનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતાંમાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. મીટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આગના બનાવને પગલે આસપાસના રહીશોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
શરૂઆતમાં આગ મીટરમાં લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગ બિલ્ડિંગના પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે ફાયરસેફ્ટીની સુવિધા અંગે પણ તપાસ શરૂ કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.