વડોદરા શહેરના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા-પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પિતાએ પોતાના પુત્રને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે પ્રાથમિક તબક્કે પોલીસે તપાસ હાથ ધરી છે, જોકે મોડી રાતે બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પરેશના ભાઈ સંજય સીકલીગરે જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈ અને તેમના છોકરાના અલગ-અલગ રૂમમાંથી મૃતદેહો મળ્યા છે. પરેશભાઈના ખિસ્સામાં અંતિમ ચિઠ્ઠી મળી છે, જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે.
હૃદય કંપાવી ઊઠે તેવી આ ઘટનાની વિગત એવી છે કે, બાપોદ ગામ વુડાના મકાનમાં ચોથા માળે રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય પરેશ કનુભાઈ સીકલીગરની પત્ની આશાબેન ઘરકામ કરીને પોતાના એકના એક પુત્ર ચાર્મિસની સાથે પરિવારનો નિર્વાહ કરતાં હતાં. દરમિયાન આશાબેન ઘરકામ કરવા માટે બહાર ગયાં હતાં, જ્યાંથી દોઢ વાગે પરત ફર્યાં બાદ તેઓ ઘરે આવતા તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેમનો 11 વર્ષનો પુત્ર ચાર્મિસ અને પતિ પરેશના અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતા હતા. ઘટના અંગે જાણ થતાં આજુબાજુના રહીશો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
આ બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃતક પરેશના પેન્ટના કિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં પત્નીના ત્રાસને કારણે જીવાદોરી ટૂંકાવી નાખી હોવાનું અને તેની સાથે પોતાના પુત્રને પણ લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યારે બીજી તરફ મૃતકની બહેન મીનાક્ષી પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક પરેશ સીકલીગરે આપઘાત કરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠીમાં પોતાની બહેન મીનાક્ષીને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભરું છું.
પોતે કરેલા અંતિમવાદી નિર્ણયને પગલે તેણે તેની પાછળ પોતાના પુત્રનું કોઈ ધ્યાન નહીં રાખે તેથી તેને પણ સાથે લઈ જઈ રહ્યાનો જણાવી બેનની માફી માગી હતી તેમજ બેન પાસેથી લીધેલા પૈસા પોતે પરત આપી શકે તેમ નથી તેવું જણાવી ફરી એક વખત માફી માગી હતી. પોલીસે બે પાનાની અંતિમ ચિઠ્ઠી કબજે કરી છે. આ સાથે પોતાના બે મિત્ર પાસેથી પણ 30000 રૂપિયા લીધા હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે, જેમને રિક્ષા વેચી પૈસા પાછા આપી દેવાનું જણાવવામા આવ્યું છે.
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાએ આત્મહત્યાની સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, પરેશે પોતે તેના 11 વર્ષના પુત્રને ઓઢણી વડે પંખા સાથે લટકાવી ગળાફાંસો આપ્યા બાદ બીજા રૂમમાં જઈ પોતે પણ ઓઢણી વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી જેમાં બન્નેનાં મોત નીપજ્યાં હતાં.
બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ કરતા મૃતદેહ સાંજ પછી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.