Home ગુજરાત વડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવશે, ધ્વજા ચડાવશે

વડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવશે, ધ્વજા ચડાવશે

29
0

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ તમામ રાજકીય પક્ષના ટોચના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સતત આવી રહ્યાં છે ત્યારે પાટીદારોના આસ્થાના સ્થાન ખોડલધામ મંદિરે વડાપ્રધાનને લઇ આવવા માટેના અને તેમના હસ્તે ધ્વજા ચડાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન ખોડલધામ આવે તો પાટીદાર પ્રભુત્વવાળી 20 જેટલી બેઠક પર તેની અસર થવાના ગણિત પણ મંડાઇ રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ખોડલધામ આવવા માટેનું આમંત્રણ આપવા માટે આગામી સપ્તાહે ખોડલધામનું ટ્રસ્ટી મંડળ દિલ્હી જશે અને રૂબરૂ જઇ વડાપ્રધાનને કાગવડ આવવા માટેનું આમંત્રણ અપાશે, એટલું જ નહીં તેઓ મંજૂરી આપશે તો તેમના હસ્તે ખોડલધામ મંદિરે ધ્વજા પણ ચડાવવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનની ભાજપને અવળી અસર થઇ હતી અને સૌરાષ્ટ્રમાં તેને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો, આગામી ચૂંટણીમાં જંગી બહુમતી માટે ભાજપ કમરકસી રહી છે

અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તેને પડકાર ફેંકી રહી છે, સૌરાષ્ટ્રમાં કોળી અને પાટીદારોનું પ્રભુત્વ હોવાથી આ બંને સમાજને પોતાના તરફ વાળવા માટે તમામ રાજકીય પક્ષો તમામ પ્રયાસ કરી રહ્યાં છે, ખોડલધામ ખાતે અગાઉ તમામ પક્ષના ટોચના નેતાઓ પહોંચ્યા હતા અને મંદિરમાં માથું ટેકવી પાટીદારોને રિઝવવાના પ્રયાસો થયા હતા, ખોડલધામ આયોજિત દાંડિયારાસમાં પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હાજરી આપી હતી.

પાટીદાર સમાજે ભાજપ પાસે 50 જેટલી ટિકિટની માંગ કરી છે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સક્રિય રાજકારણથી છેડો ફાડી નાખ્યો છે પરંતુ પડદા પાછળની તેમની ભૂમિકા તમામ રાજકીય પક્ષો માટે મહત્ત્વની છે, ત્યારે નરેશ પટેલનો સાથ મેળવવા માટે ખોડલધામને તમામ પક્ષો માધ્યમ બનાવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપી પાટીદારોનું મહત્ત્વ આગામી ચૂંટણીમાં બતાવવાના પણ પ્રયાસ થશે તો વડાપ્રધાન પણ સૌરાષ્ટ્રના સતત પ્રવાસ કરી રહ્યાં છે

ત્યારે ખોડલધામે જઇને તેઓ પાટીદારો સાથે સીધો સંવાદ કરવાનો મોકો ચૂકશે નહીં તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. ખોડલધામ આસ્થાનું સ્થાનક તો છે જ. પરંતુ પાટીદારોની એકતાનું પણ પ્રતીક છે અને આ વાતથી તમામ રાજકીય પક્ષો વાકેફ છે.

નગરપાલિકાથી લઇ સંસદ સુધીની ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ ખોડલધામના શરણે પહોંચીને પાટીદારોને પોતાના તરફ વાળવાના પ્રયાસ કરે છે. વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન જો આવશે તો તેમાં પણ અનેક ગણિત પાર પડશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકસ્ટમમાં નાણાં ફસાયાના બહાને મહિલા સાથે 6.47 લાખની ઠગાઇ થઇ
Next articleમોબાઈલમાં ખોટી એપ્લીકેશનથી બે શખ્સો રૂ.8 લાખથી વધુ ઓળવી ગયા