આ વર્ટિકલ બ્રિજની લંબાઈ 72.5 મીટર છે. જેને 17 મીટર સુધી ઉંચો કરી શકાય છે
(જી.એન.એસ) તા. 6
રામેશ્વરમ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ ભારત અને રામેશ્વરમ ટાપુને જોડે છે. આ બ્રિજની મદદથી રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ બ્રિજ ટ્રેક પર પસાર થતી રેલવે અને બ્રિજ નીચેથી પસાર થતા જહાજોને યોગ્ય પરિવહન મળી રહે તે હેતુથી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવા પંબન રેલ્વે બ્રિજનું બાંધકામ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થયું હતું. રામેશ્વરમને દક્ષિણ ભારત સાથે જોડતો પંબન બ્રિજ સૌપ્રથમ 1914માં બનાવવામાં આવ્યો હતો. તે સમુદ્ર પર બનેલો ભારતનો પહેલો રેલ્વે બ્રિજ હતો. 111 વર્ષ પછી, આ બ્રિજ હવે નવા દેખાવ સાથે તૈયાર છે.
દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું બહુમાન જેને મળ્યું છે તેવા પંબન બ્રિજને સમુદ્રમાંથી પસાર થતા 2,070 મીટર લાંબા રેલ્વે ટ્રેક પર બનાવવામાં આવ્યો છે. આ વર્ટિકલ બ્રિજની લંબાઈ 72.5 મીટર છે. જેને 17 મીટર સુધી ઉંચો કરી શકાય છે. આમ કરવાથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકે છે. પંબન સી બ્રિજના ખર્ચની વાત કરીએ તો આ બ્રિજ 550 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
તમિલનાડુના મંડપમને રામેશ્વરમ ટાપુ સાથે જોડતો આ બ્રિજ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજે 100 વર્ષથી વધુ સમય સુધી દેશની સેવા કરી છે. જ્યારે સમયના થપેડા અને દરિયાઈ મોજાઓએ તેને જર્જરિત બનાવી દીધો, ત્યારે તેને 2022 માં બંધ કરી દેવામાં આવ્યો. આ નવો પંબન બ્રિજ બ્રિટિશ શાસન દરમિયાન બનેલા પંબન બ્રિજની સમાંતર બનાવવામાં આવ્યો છે. બ્રિટિશ શાસન દરમિયાન પંબન બ્રિજ લગભગ 111 વર્ષ જૂનો છે.
વડાપ્રધાન મોદી બપોરે રામનાથસ્વામી મંદિરે દર્શન અને પૂજા કઋ હતી. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચારધામ યાત્રાઓમાં સામેલ છે. તેમજ આ મંદિર રામાયણ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે રાવણનો વધ કર્યા પછી ભગવાન રામે બ્રાહ્મણના વધના પાપથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ અગાઉ 20 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ મંદિરમાં પૂજા કરી હતી.
પીએમ મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે રામસેતુના દર્શનનો વીડિયો શેર કર્યો છે. PM મોદીએ લખ્યું છે કે, ‘આજે રામનવમીના પાવન પ્રસંગે શ્રીલંકાથી પરત ફરતા સમયે આકાશમાંથી રામસેતુના દિવ્ય દર્શન થયા. ઇશ્વરીય સંયોગથી હું જે સમયે રામસેતુના દર્શન કરી રહ્યો હતો તે સમયે મને અયોધ્યામાં રામલલાના સૂર્યતિલકના દર્શનનું પણ સૌભાગ્ય મળ્યું. મારી પ્રાર્થના છે કે આપણા બધા પર પ્રભુ શ્રીરામની કૃપા બની રહે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.