આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે: પીએમ મોદી
(જી.એન.એસ) તા. 5
કોલમ્બો,
શ્રીલંકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે પીએમ મોદીને ‘મિત્ર વિભૂષણ પુરસ્કાર’થી સન્માનિત કર્યા છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. શ્રીલંકા પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. અમે મુશ્કેલ સમયમાં શ્રીલંકાની સાથે હતા. ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’ પુરસ્કાર મેળવવો એ ગર્વની વાત છે. શ્રીલંકા ફક્ત આપણો પાડોશી જ નહીં પણ આપણો મિત્ર પણ છે.’ પીએમ મોદીએ શ્રીલંકાના પ્રમુખ, સરકાર અને ત્યાંની જનતાનો આભાર માન્યો હતો.
વર્ષ 2019 બાદ આ પહેલી વખત વડાપ્રધાન મોદી ત્રણ દિવસના પ્રવાસ પર શ્રીલંકા ગયા છે.
શ્રીલંકાના પ્રમુખ દિસાનાયકેએ વડાપ્રધાન મોદીનું સ્વતંત્રતા ચોક પર ઐતિહાસિક ઔપચારિક સ્વાગત કર્યું. આ પહેલી વાર છે જ્યારે શ્રીલંકાએ આ રીતે કોઈ મહેમાનનું સન્માન કર્યું હોય. આ ચોક શ્રીલંકાના રાષ્ટ્રીય દિવસની ઉજવણીનું સ્થળ છે. તેનું નામ સ્વતંત્રતા સ્મારક હોલ પરથી લેવામાં આવ્યું છે.
શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે અને પીએમ મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. બંને દેશો વચ્ચે સાત કરારો પર હસ્તાક્ષર થયા. ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ ભાગીદારી કરાર થયો. બંને નેતાઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને દેશો વચ્ચે ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પણ એક કરાર થયો હતો. આ વચ્ચે વડાપ્રધાન મોદી અને પ્રમુખ દિસાનાયકે સમપૂર સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું. ભારત અને શ્રીલંકાએ શ્રીલંકાને બહુ-ક્ષેત્રીય ગ્રાન્ટ સહાય પર પણ સહમતિ વ્યક્ત કરી.
પીએમ મોદી ને આપવામાં આવેલ ‘મિત્ર વિભૂષણ પુરસ્કાર’ એટલે કે, શ્રીલંકાનો સર્વોચ્ચ બિન-નાગરિક એવોર્ડ છે. આ સન્માન વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે. શ્રીલંકાની સરકાર આ પુરસ્કારો એવા રાષ્ટ્ર અધ્યક્ષોને આપે છે જેમના શ્રીલંકા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોય છે. આ પુરસ્કારમાં રજત પદક અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
આ એવોર્ડ શ્રીલંકાના નવ રત્નોથી શણગારવામાં આવે છે. તેમાં ચંદ્ર, સૂર્ય, પૃથ્વી અને કમળની પાંખડીઓ બનેલી હોય છે. મેડલ પર “પુન કલાસ” કોતરેલું હોય છે. તે ચોખાથી ભરેલું વાસણ છે. તેને સમૃદ્ધિ અને નવીકરણનું પ્રતીક માનવામાં આવે છે. મેડલ પર સૂર્ય અને ચંદ્ર ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોના શાશ્વત પ્રકૃતિને દર્શાવે છે. આ પુરસ્કારની શરૂઆત 2008માં શ્રીલંકાના તત્કાલીન પ્રમુખ મહિન્દા રાજપક્ષે દ્વારા કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.