ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયત સમય પછી પ્રતિબંધ રહેશે
સક્ષમ અધિકારીની પરવાનગી લીધા સિવાય કોઇ સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહિ
(જી.એન.એસ),તા.૧૯
ગાંધીનગર,
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ ગુજરાતમાં તા.૦૭ મે,૨૦૨૪ના રોજ મતદાન અને ૦૪ જૂન,૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ પર નિયંત્રણો રાખવા આદેશ કરવામાં આવ્યો છે. લાઉડ સ્પીકરના ઉપયોગના કારણે અવાજનું પ્રદૂષણ તથા ઘોંઘાટના કારણે આમ જનતાની શાંતિમાં ખલેલ ન પહોંચે અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓને વિપરીત અસર ન થાય તે માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગર,શ્રી મેહુલ કે. દવેએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના તમામ વિસ્તારમાં લાઉડ સ્પીકરનાં ઉપયોગ કરવા પર કેટલાક પ્રતિબંધ ફરમાવેલ છે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬:૦૦ કલાક પહેલા અને રાત્રિના ૧૦.૦૦ કલાક પછી કરી શકાશે નહિ. વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સબંધિત વિસ્તારની સલામતી વ્યવસ્થાની સ્થિતિ ,સમયગાળો વગેરે જેવી અન્ય સુસંગત વિચારણાને આધિન રહેશે. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપર લગાડેલ ફરતા લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬:00 કલાક પહેલા અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાય કોઇ સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો નહિ. તદુપરાંત લાઉડસ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે,સક્ષમ અધિકારીએ લાઉડસ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તોપણ લાઉડસ્પીકરનો ઉપયોગ સવારના ૬:૦૦ કલાક પહેલાં અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૪થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ગાંધીનગર જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે, તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.