(જી.એન.એસ),તા.૨૨
ગાંધીનગર,
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.
રાજ્યની ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.
આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.