સરકાર એક પરિવારની જેમ જ ગ્રામજનોની પડખે ઊભી છે : પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા
(જી.એન.એસ)તા.11
કચ્છ,
કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આજરોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લીધી હતી.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચશ્રી રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણીશ્રી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
બંને મંત્રી શ્રી એ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની પડખે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને હવે કોઈ જ નાગરિકે જીવ ગુમાવવા ના પડે એ રાજ્ય સરકારશ્રીની પ્રાથમિકતા છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું.
પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગ્રામજનોને સરકારની આરોગ્ય ટીમને સહકાર આપી શરદી, ઉધરસ, તાવ કે નબળાઈ જેવા કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો. સમયસર સારવાર લેવાથી જીવ બચી શકે છે એ બાબત ઉપર ભાર મૂકીને પ્રભારીમંત્રીશ્રીએ આરોગ્ય ટીમને સહયોગ આપવા અપીલ કરી હતી.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ ગામના યુવાનોને આગેવાની લઈને સામાન્ય બીમારીમાં પણ કોઈપણ બેદરકારી દાખવ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રીશ્રી સાથે ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ગ્રામજનોને રોગ અટકાયતી પગલાં વિશે સમજણ આપીને તકેદારી રાખવા જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.