Home અન્ય રૂપાણી કેબિનેટમાં પાટીદારોનો દબદબો

રૂપાણી કેબિનેટમાં પાટીદારોનો દબદબો

1285
0

ગુજરાતમાં આખરે વિજય રૂપાણી સરકારની શપથવિધિ થઈ ગઈ ને ૧૯ પ્રધાનો સાથે વિજય રૂપાણી વાજતેગાજતે ગાદી પર બેસી ગયા. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઓકાશિયાં મારી મારીને જીત મેળવી પછી ભાજપ મુખ્ય મંત્રીપદ માટે કોના પર કળશ ઢોળશે તેની અટકળો તેજ બનેલી. વિજય રૂપાણી સાવ મોળા મુખ્ય મંત્રી સાબિત થયા છે તેમાં શક નથી ને તેના કારણે એ બદલાશે તેવું બધા માનતા હતા પણ ભાજપે રૂપાણીને કાઢીને નવું ડખાપંચક શરૂ થાય તેના કરતાં પાછા રૂપાણીને જ પસંદ કર્યા. ભાજપના મોવડીમંડળે પાછો વિજય રૂપાણી ને નીતિન પટેલ પર કળશ ઢોળ્યો એ સાથે જ એ અટકળો ખતમ થઈ ગઈ ને રૂપાણીના પ્રધાનમંડળમાં કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગયેલી. એ અટકળો પણ મંગળવારે પૂરી થઈ ગઈ ને સ્પષ્ટ થઈ ગયું કે મુખ્ય મંત્રીપદની પસંદગીમાં જેમ સેફ ગેઈમ ખેલી હતી તેમ મંત્રીમડંળની પસંદગીમાં પણ ભાજપે સેફ ગેઈમ ખેલી છે ને કોઈ નવો ડખો ઊભો ના થાય એટલા માટે નવી બોટલમાં જૂનો દારૂ ભરીને લોકો સામે મૂકી દીધો છે.
વિધાનસભાની ચૂંટણીમાં જે નેતાઓ હારી ગયેલા તેમનાં પત્તાં તો એ વખતે જ કપાઈ ગયેલાં તેથી તેમને લેવાનો સવાલ નહોતો પણ એ સિવાય જે જીતી ગયેલા એ પૈકી મોટા ભાગના કેબિનેટ પ્રધાનોને રૂપાણીએ રિપીટ કર્યા છે. મોટાં નામોમાં એક બાબુ બોખીરિયા કપાયા છે ને તેની પાછળનું કારણ એ છે કે બોખીરિયાને ભાજપ વિધાનસભાના સ્પીકરપદે બેસાડવા માગે છે. અત્યાર લગી વિધાનસભામાં ભાજપનો દબદબો રહેતો તેથી ભાજપ કૉંગ્રેસને દબાવી દેતો. કૉંગ્રેસના નેતાઓમાં એ વખતે શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ રહેતા ને એ લોકો કૉંગ્રેસ શું કરશે એ નક્કી કરતા. આ બધા નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરીને પોતાનો સ્વાર્થ સાધતા. તેના કારણે ભાજપને બહુ ચિંતા નહોતી રહેતી.
આ વખતે સ્થિતિ અલગ છે ને કૉંગ્રેસ જોરદાર બનીને બહાર આવી છે. વિધાનસભામાં કૉંગ્રેસના સભ્યોની સંખ્યા વધીને ૮૧ થઈ છે તેના કારણે તો કૉંગ્રેસને દબાવી શકાય એમ છે જ નહીં પણ કૉંગ્રેસના ધારાસભ્યોમાં પણ ભાજપ સાથે સેટિંગવાળી પાર્ટીઓ ઘરભેગી થઈ ગઈ છે ને જે નવો ફાલ આવ્યો છે એ ઉધમાતિયો છે. પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર ને કૉંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા જીજ્ઞેશ મેવાણી વગેરે ધારાસભામાં ચૂપચાપ બેસીને તમાશો જોયા કરે એમાના નથી. કે પછી પહેલાં કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધનું નાટક કરીને બહાર નીકળી જતા ને ભાજપને મોકળું મેદાન આપી દેતા એવું પણ હવે નહીં બને. આ માહોલમાં સ્પીકરપદે ભરાડી માણસ જોઈએ કે જે બધાંને નાથી શકે. અગાઉ વજુભાઈ વાળા કે અશોક ભટ્ટ જેવા સ્પીકર્સ હતા એ બધામાં એ તાકાત હતી પણ ભાજપ પાસે અત્યારે એવો કોઈ નેતા નથી કે જે એ કામ કરી શકે તેથી બોખીરિયા સિવાય ભાજપ પાસે વિકલ્પ નથી. બોખીરિયા બાહુબલી નેતા છે ને ઝટ દબાય એવા નથી તેથી તેમને સ્પીકરપદે બેસાડાય તેવી પૂરી શક્યતા છે. ભાજપ પાસે બીજો વિકલ્પ નિમાબેન આચાર્યનો છે પણ નિમાબેન મૂળ કૉંગ્રેસી છે તેથી તેમના પર ભાજપ ને પૂરો ભરોસો ના હોય એવું પણ બને.
રૂપાણીએ જે પ્રધાનમંડળ રચ્યું તેમાં બે વાતો ઉડીને આંખે વળગે એવી છે ને આ બંને વાતો ભાજપ કેટલો ફફડી ગયેલો છે એ બતાવે છે. પહેલી વાત એ કે આ પ્રધાનમંડળમાં પાટીદારોનો દબદબો છે ને બીજું એ કે ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છને બરાબર સાચવ્યા છે. સૌરાષ્ટ્રે ભાજપને બહુ ભાવ ના આપ્યો છતાં ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સાત ધારાસભ્યોને પ્રધાન બનાવ્યા છે. મતલબ કે ત્રીજા ભાગના પ્રધાનો સૌરાષ્ટ્રના છે.
રૂપાણી સરકારમાં કુલ મળીને ૬ પાટીદાર પ્રધાનો છે ને તેમાંથી ૫ તો કેબિનેટ કક્ષાના છે. રૂપાણી સિવાય કુલ ૯ કેબિનેટ કક્ષાના પ્રધાનોએ મંગળવારે શપથ લીધા ને તેમાંથી ૫ એટલે કે અડધોઅડધ પ્રધાનો પાટીદાર હોય એ શું બતાવે છે ? એ જ કે ભાજપે પાટીદારોને અછોવાનાં કરવા માંડ્યાં છે ને તેમને મનાવવાની કોશિશ પાછી શરૂ કરી છે. ગુજરાતમાં ભાજપ પાટીદાર અનામત આંદોલનના કારણે ઢીલોઢફ થઈ ગયો ને કૉંગ્રેસે થોડીક ભૂલો ના કરી હોત તો ભાજપનો વરઘોડો વાજતેગાજતે ઘરે આવે તેવી હાલત પાટીદાર અનામત આંદોલનના કારણે થઈ ગયેલી. હાર્દિક પટેલ આણિ મંડળીએ પાટીદાર અનામત આંદોલનની આગ એવી ભડકાવી કે પાટીદાર યુવાનો ને મહિલાઓ ભાજપના નામથી જ ભડકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ સામે લોકો ભડકેલા છે ને તેના કારણે ગામડાંમાં ભાજપનાં ડોઘલાં ડૂલ થઈ ગયાં.
ભાજપના ધુરંધર કહેવાતા પાટીદાર નેતાઓના વરઘોડા તેના કારણે ઘરે આવી ગયા છે ને જે બેઠકો પર ભાજપના નામે કાળા ચોર ચૂંટાઈ આવે એવી હાલત હતી એ બેઠકો ભ૧૧ાજપના હાથમાંથી ગઈ છે. આ કારણે ભાજપે પાટીદારોને મનાવવા પડે એમ જ છે ને તેણે એ ક્વાયતની શરૂઆત પ્રધાનમંડળની રચના સાથે કરી દીધી છે.
ભાજપને આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં ફરી વળેલો તેમાં ભાજપને મોટો ફટકો માર્યો ને કૉંગ્રેસને બહુ ફાયદો થઈ ગયો. ભાજપે ગુજરાતમાં પાછા બેઠા થવું હોય તો સૌરાષ્ટ્રનો ગઢ કબજે કરવો જ પડે. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ મળીને ૫૪ બેઠકો છે ને એ બેઠકો ના સચવાય તો ભાજપ પતી જાય તેથી ભાજપે ગમ ખાઈને પણ સૌરાષ્ટ્ર-કચ્છને વધારે પ્રધાનપદાં આપવાં પડ્યાં છે.
ભાજપે આ બધું કરવું પડે છે તેનું કારણ લોકસભાની ચૂંટણી પણ છે. દોઢ વરસ પછી લોકસભાની ચૂંટણી છે ને અત્યારે જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ જળવાય તો ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકોમાંથી દસેક બેઠકોથી તેણે હાથ ધોવા પડે. ભાજપને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ફટકો પડ્યો છે ને તેનો ખાર રાખીને ભાજપ પાટીદારોને અવગણે કે સૌરાષ્ટ્ર-કચ્છને મહત્ત્વ ના આપે તો લોકસભામાં તેની બુંદ બેસી જાય. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ને ગાંધીનગર એમ ૫ લોકસભા બેઠકો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી ને ભાવનગર એમ ૮ બેઠકો છે. બંને મળીને કુલ ૧૩ બેઠકો થાય ને એ રીતે રાજ્યની અડધોઅડધ બેઠકો થઈ. પાટીદારો તરફ ખાર કે સૌરાષ્ટ્ર-કચ્છની અવગણનાની કિંમત ભાજપે આ ૧૩ બેઠકો ગુમાવીને ચૂકવવી પડે ને એ ભાજપને પરવડે એમ નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી તેનું કારણ ભાજપ જ્યાં જોરાવર છે એ દસેક રાજ્યોમાં તેણે બોલાવેલો સપાટો હતો. આ રાજ્યોમાં ગુજરાત પણ આવી ગયું કે જ્યાં ભાજપે લોકસભાની બધી ૨૬ બેઠકો કબજે કરેલી. હવે ગુજરાતમાં તેના વળતાં પાણી શરૂ થાય ને એ જ હાલત બીજાં રાજ્યોમાં પણ થાય તો ભાજપે પચાસેક બેઠકોથી હાથ ધોવા પડે. આ ગણિત ભાજપને પરવડે એમ નથી તેથી ભાજપે બધાંને સાચવવા જ પડે એમ છે.
ભાજપે આ પ્રધાનમંડળની રચના દ્વારા ગુજરાતમાં પોતાનું ઘર સરખું કરીને લોકોનો વિશ્ર્વાસ પાછો કેળવવાની દિશામાં કદમ ઉઠાવવાની શરૂઆત કરી છે. ભાજપનો અભિગમ એ રીતે હકારાત્મક કહેવાય પણ ખરો ખેલ હવે શરૂ થવાનો છે. ભાજપ અત્યાર લગી ગુજરાતમાં કોઈ પણ પ્રકારના વિરોધ વિના રાજ કરતો હતો કેમ કે કૉંગ્રેસના નેતાઓ પાણી વિનાના હતા. હવે હાર્દિક પટેલથી માંડીને જીજ્ઞેશ મેવાણી સુધીના કૉંગ્રેસના સમર્થકો ને ભાજપના વિરોધીઓ મેદાનમાં છે. ભાજપ વિકાસની જે વાતો કરે છે તે સાવ ખોટી છે એવી વાતોનો મારો આ લોકો સતત ચલાવ્યા કરે છે. ભાજપે વિકાસની વાતોનો મારો ચલાવીને ગુજરાતીઓનાં દિલોદિમાગ પર કબજો કરેલો. હવે એ જ ફોર્મ્યુલા આ લોકો ભાજપ સામે અજમાવી રહ્યા છે તેથી ભાજપે જાગતા રહેવું પડશે ને હવે ખરેખર કામ કરવું પડશે. અત્યાર લગી કામ ઓછું ને પ્રચાર વધારે કર્યો તેમાં કામ ચાલી ગયું પણ હવે એ નહીં ચાલે. આ પ્રચારના કારણે ખેડૂતો, મધ્યમ વર્ગ, ફિક્સ પગારદારો, પાટીદારો એમ બધા વર્ગમાંથી થોડા થોડા લોકો પણ ખરે ને ભાજપની સામે પડે તો ભાજપનું રામ બોલો ભાઈ રામ થઈ જાય તેમાં શક નથી. આ સ્થિતિ ના થાય એટલે ભાજપે હવે સાચો વિકાસ કરવો પડશે, લોકોની સમસ્યાઓને ઉકેલવી પડશે. બાકી તેને ફાડી ખાવા બધા તૈયાર બેઠા જ છે. (S.yuLk.yuMk)  

Previous articleસર્જિકલ સ્ટ્રાઇકથી મળી ગયો પાક.ને મુહ તોડ જવાબ
Next articleમનો વિજ્ઞાન ભણવાની ખુબ ઇચ્છા છેઃ સ્મૃતિ