Home જનક પુરોહિત રામ મંદિર મુદ્દે ભાજપનું આંદોલન-કેમ – કોની સામે અને કોના કહેવાથી

રામ મંદિર મુદ્દે ભાજપનું આંદોલન-કેમ – કોની સામે અને કોના કહેવાથી

670
0

ભાજપના નેતાઓ અને કાર્યકરોને ફોન કરો તો ‘ હેલ્લો ’ નાં બદલે ‘ વંદે માતરમ ’ કે ‘ જાય શ્રી રામ ’ સાંભળવા મળે . ક્યારે શું બોલવું તે હાઈકમાન્ડ નક્કી કરે છે . અત્યારે ‘ જાય શ્રી રામ ’ ચાલે છે . સોશિયલ મિડિયા માં સંઘ પરિવાર , સાધુ સંતો અને ભાજપના નેતાઓ , મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિતના અયોધ્યા રામ મંદિર મુદ્દે વિવાદો છેડી રહ્યા છે . હવે દેશભરમાં સંઘ – વી.એચ.પી. ધર્મસભાઓ યોજીને રામ મંદિર મુદ્દે આંદોલન કરશે . આ આંદોલન અંગે ઠેર ઠેર ચર્ચા સાંભળવા મળે છે . આંદોલન શા માટે ? કોની સામે ? અને કોના કહેવાથી ? આ પ્રશ્નો ના જવાબ ભાજપ – સંઘ પરિવારમાંથી જ મળી રહે છે .
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કિસાન સંઘના એક જુના મિત્ર મળી ગયા. એકબાજુ ઉભા રહી , અનેક જુના પ્રસંગો વાગોળ્યા . ફરી વાત તો ‘ જાય શ્રી રામ ’ ની જ નીકળી . મિત્રને પૂછ્યું કે દરેક ચુંટણી વખતે રામ મંદિરનો મુદ્દો ઉછાળવાથી હવે લાભ થાય છે ખરો ? તો જવાબ મળ્યો “ આ વખતે લાભ થવાનો છે . કારણ કે આ વખતે જે કાંઈ ચાલી રહ્યું છે તે સાહેબ ( P.M ) ની ઈચ્છા મુજબ નું છે . અને સાહેબની સ્ટ્રેટેજી પરિણામ લક્ષી જ હોય છે . એટલું જ નહિ , વિશ્વહિન્દુ પરિષદમાંથી ડો. પ્રવીણ તોગડિયા ની હકાલ પટ્ટી કર્યા પછી સંઘ પરિવાર ઉપર એક મોટો ખતરો ઉભો થયો હતો . તોગડીયાએ સાધુ – સંતોનો સાથ લઈને રામ મંદિર મુદ્દો હાથમાં લીધો હતો . જો આ મુદ્દો તેમના હાથમાં રહે તો ભાજપના હિન્દુત્વને મોટી હાની પહોચે તેમ છે . માટે જ આ મુદ્દાને જુટવી લઈને દેશભરમાં રામ મંદિર ને મુદ્દે વાદ વિવાદો શરુ કર્યા છે .”
શું થશે તે મુદ્દે આ મિત્રએ કોઈ ફોડ પાડ્યો નહિ .
જુના વી.એચ.પી ના નેતા અને અત્યારે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદના નેતા સાથે ફોન પર વાત થઇ . તેમણે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ડો. પ્રવીણ તોગડિયા પાસે થી મુદ્દો છીનવી લેવા આ બધું ચાલી રહ્યું છે . તેમણે કહ્યું કે “ ભાજપ અને ખાસ કરીને સાહેબ નકલી સાધુઓ દ્વારા હિન્દુત્વના મુદ્દે ચુંટણીમાં લાભ લેતા હોય છે . પરંતુ આ વખતે ગુજરાતમાં નકલી વી.એચ.પી. આંદોલન થશે . ગુજરાતમાં રામ મંદિર ની માંગણી સાથે ઠેર ઠેર ધર્મસભાઓ યોજાવાની છે . આ ધર્મસભા વી.એચ.પી. ના નામે યોજાશે . પરંતુ ગુજરાતમાં વી.એચ.પી તો છે જ નહિ. કારણ કે જે હતા તે તમામ ડો. પ્રવીણ તોગડીયા પાસે છે . માટે ભાજપનાં કાર્યકરોની વોર્ડ – શહેર ની મિટિંગો યોજી , સંઘના હોદ્દેદારો તેમને રામ મંદિર મુદ્દે પ્રશિક્ષણ આપે છે અને ધર્મસભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને ભાજપના નહિ , પણ ભગવા ખેસ પેરીને આવવા સૂચનાઓ આપવામાં આવે છે . એટલે આશ્ચર્ય તો એ છે કે ભાજપના નેતાઓ જ ભાજપ સરકાર સામે આંદોલન કરવા ભાજપના કાર્યકરોને ફરજ પાડે છે . અને તે પણ ભાજપના હાઈકમાન્ડ ના કહેવાથી . આટલું વિચિત્ર રાજકારણ ભાજપના નેતાઓ જ રમી શકે . સત્તા માટે શું શું કરી શકાય , તે કોંગ્રેસે ભાજપ પાસેથી શીખવું પડે .”
મિત્રને પૂછ્યું કે સાધુ સંતો ડો. તોગડિયા સાથે પણ આવે છે અને ભાજપ સાથે પણ આવે છે . તેનું શું ? તો જવાબ મળ્યો “ સાધુ સંતોને કોઈ પ્રવૃત્તિ જોઈએ , પ્રસિદ્ધિ જોઈએ અને મંચ – માઈક મળે તો ખુશ રહે . સત્તા ની સામે જવાથી કોઈને ફાયદો થતો નથી . પછી તે ઉદ્યોગપતિ હોય કે મઠાધીપતિ .”
દેશભરમાં હિન્દુત્વના હાકેમો અત્યારે પોતાની પ્રસિદ્ધિ માટે રોજે રોજ નવાનવા ગતકડા અને વાદ – વિવાદ દ્વારા છવાયેલા રહે છે . જોઈએ આપણા દેશમાં આવા ગતકડાં થી પ્રેરાઈ ને મતદારો કેટલી પેઢી સુધી મત આપત રહે છે .
ગાંધીનગર લોકસભા બેઠક પરના ઉમેદવાર કોણ હશે ? દિલ્હીમાં ચાલતી ચર્ચા
દિલ્હીખાતે એક હિન્દી ભાષી નેતાના ગુજરાતી પી.એ. સાથે ફોન પર વાતચીત ચાલતી હતી . દિલ્હીમાં આજ કાળ શું ચાલે છે ? એવા સવાલનો કંઇક આવો જવાબ મળ્યો . “ દિલ્હીમાં ગુજરાતીઓ અને ગુજરાત સિવાય કોઈ ચર્ચામાં રહેતું જ નથી . અત્યારે ભાજપના ટોચના નેતાઓમાં એક અટકળ અંગે ચર્ચા ચાલે છે કે હવે ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં ગુજરાતની ગાંધીનગર બેઠકના ઉમેદવાર કોણ હશે ! સુષ્માજીએ તો જાહેરમાં પોતાનો મત વ્યક્ત કરી દીધો છે કે હવે તેઓ ચુંટણી નહિ લડે . પરંતુ અડવાણીજી એ હજુ ફોડ પાડ્યો નથી કે તેઓ ચુંટણી લડવા માંગે છે કે નહિ . હા , શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીધી ત્યારે તેમણે સામાન્ય કાર્યકરની માફક કહ્યું હતું કે પાર્ટીએ નિર્ણય કરવાનો છે . આવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે . પરંતુ અટકળ એવી ચાલે છે કે અડવાણી પાર્લામેન્ટરિ બોર્ડના સભ્ય છે . તેઓ હજુ રમત છોડવા તૈયાર નથી . અને જો તેઓ એમ કહે કે મારે તો ગાંધીનગર બેઠક પરથી જ લડવું છે , તો પાર્ટી ના કહી શકે નહિ અને જો ના કહે તો મિડીયામાં આ વાત એવી ચગે કે પક્ષને થોડો ઘસરકો પહોંચે . જેથી ગાંધીનગર બેઠક ઉપર હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું નામ થોડા સમયમાં જ વહેતું કરી દેવામાં આવશે. જેથી અડવાણીજી જાતે જ પોતાની દાવેદારી પરત લઇ લે . ૨૦૧૪ માં આપણા નરેન્દ્રભાઈ એ ક્યાંથી લડવું તે અંગે ગુપ્તતા રાખી હતી . આ વખતે ગાંધીનગર બેઠક પર નામ જાહેર થવા દેશે અને છેલ્લી ઘડીએ કોઈ ચોથી બેઠક પરથી લડે એવું પણ બને . ગત ચુંટણીમાં તેઓ વડોદરા અને વારાણસી બેઠક પરથી લડ્યા હતા , હવે ત્રીજી ગાંધીનગર બેઠક અને ચોથી બેઠક કદાચ દક્ષીણ ના રાજ્યની હોઈ શકે .”
આશ્ચર્ય સાથે પુછાઈ ગયું કે શું ? દક્ષીણ માંથી ? ત્યાં ભાજપની કોઈ સલામત બેઠક ખરી ? તો મિત્રએ કહ્યું “ આ તો અટકળો છે . કદાચ એવી કોઈ બેઠક હી પણ શકે . અને આપણા નરેન્દ્રભાઈ ને તમે અને હું ઓળખીએ છીએ . ગમે ત્યારે ગમે તેવું આશ્ચર્ય સર્જી શકે છે . પરંતુ પાંચ રાજ્યોની ચુંટણી ના પરિણામો પછી લોકસભાની ચુંટણીને લઈને અનેક અટકળો – આશ્ચર્ય દ્વારા ભાજપ અને અપના નરેન્દ્રભાઈ સતત ચર્ચામાં અને વિવાદમાં રહી પ્રસિદ્ધિ મેળવશે . અત્યારથી જ એવી હવા મને જોવા મળે છે .”
મિત્રને કહ્યું કે જીતવા માટે ઘણા બધા નિર્ણયો કરવા જરૂરી છે . એ બધું કરશે તો જ ફરી સરકાર બને એવું લાગે છે . તો મિત્રએ કહ્યું “ ના ના ના , એવું કશું નહિ . સાહેબ અનેક અપેક્ષિત નિર્ણયો લેવાના બદલે એકાદો અનપેક્ષિત નિર્ણય લઈને પ્રજામત જીતી શકવાની આવડત ધરાવે છે . વિપક્ષના ગમે તેવા ધમપછાડા પછી પણ સાહેબનું એક પગલું એવું હશે કે વિરોધપક્ષના નેતાઓને હવે શું કરવું તેનો કોઈ માર્ગ નહિ જડે .”
જોઈએ દિલ્હીની ચર્ચામાં ભક્તિ જ છે કે કોઈ નક્કર વાત , સમય આવે ખબર પડશે.

Previous articleપાટણ-બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટારચારના ગાબડાં, સરકારના આંખ આડા કાન….!?
Next articleGNS Impact: અંતે માહિતી ખાતાએ “ગુજરાત”નું નવું ડેકલેરેશન કર્યું અને દંડ પણ ભર્યો….