ગુજરાત રાજભવનમાં ભારતના સૌથી નાના અને રળિયામણાં રાજ્ય નાગાલેન્ડના સ્થાપના દિવસની હર્ષોલ્લાસપૂર્વકપૂર્વક ઉજવણી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નાગાલેન્ડની પરંપરાગત વાસ્કટ (કોટી) પહેરીને ઉજવણીમાં ભાગ લીધો
(જી.એન.એસ),તા.૦૧
ગુજરાતના રાજભવનમાં આજે ભારતના સૌથી નાના અને રળિયામણાં રાજ્ય નાગાલેન્ડના ૬૧ મા સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરાઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નાગાલેન્ડની પરંપરાગત વાસ્કટ (કોટી) પહેરીને ઉજવણીમાં ભાગ લીધો હતો. રાજભવનમાં પધારેલા નાગાલેન્ડ અને ગુજરાતના અગ્રણી નાગરિકોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, એક ભારત-શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્ય સાથે વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, તે દેશને જોડવાની અને જાણવાની પરંપરા છે. આપણે ભિન્ન-ભિન્ન રાજ્યના લોકો અલગ-અલગ નથી. ભલે આપણી ભાષા, બોલી, પહેરવેશ અને ખાન-પાન ભિન્ન છે; છતાં આપણા ગીત-સંગીત અને નર્તનમાં ઘણું સામ્ય છે. આપણે એક જ ધરતી માતાના સંતાન છીએ, આપણે એક જ છીએ.
નાગાલેન્ડના અદભુત નાગરિકોને તેમના રાજ્યત્વ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃ મંત્રી શ્રી અમિતભાઈ શાહે તમામ રાજ્યોના રાજભવનમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસ ઉજવવાની પરંપરા શરૂ કરી છે તે પ્રશંસનીય છે. આજે આખું ભારત નાગાલેન્ડમય હશે. તમામ રાજ્યમાં ‘નાગાલેન્ડ દિવસ’ની ઉજવણી થઈ રહી હશે. આ ઉજવણીથી બંને રાજ્યોના લોકો વચ્ચે ઘનિષ્ઠતા કેળવાશે. બંને રાજ્યોના લોકો એક-બીજાના સુખ-દુઃખના સાથી બનશે, અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બનશે.
રાજભવનમાં નાગાલેન્ડના કલાકાર ભાઈ-બહેનોએ નાગા વૉરિયર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું અને ગુજરાતના વસાવા આદિવાસીઓએ હોળી નૃત્યની રજૂઆત કરી હતી. બંને રાજ્યોની પ્રસ્તુતિઓમાં સંગીત, તાલ અને લયમાં અજબ પ્રકારની સામ્યતા હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પરસ્પરના ભાઈચારાને મજબૂત બનાવીએ એક-મેકના સુખ-દુઃખમાં સહભાગી બનીએ અને સૌ સાથે મળીને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરીએ. વીતેલા વર્ષોમાં નાગાલેન્ડનો આર્થિક વિકાસ નોંધપાત્ર રહ્યો છે. પૂર્વતર રાજ્યો, જેને આપણે ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખીએ છીએ તે રાજ્યોમાં પણ બાકીના રાજ્યની જેમ જ અનેક વિકાસકામો થયા છે. જેમ માણસના તમામ અંગો સ્વસ્થ હોય તો જ માણસ સ્વસ્થ હોઈ શકે. એમ ભારતના તમામ રાજ્યોના વિકાસથી જ આપણે ‘વિકસિત ભારત’ની કલ્પના સાકાર કરીશું.
ગાંધીનગરમાં સીમા સુરક્ષા દળ ની ૧૪ આસામ રેજીમેન્ટમાં સેવારત નાગાલેન્ડના જવાનો અને તેમના પરિવારજનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નાગાલેન્ડનું સુપ્રસિદ્ધ વૉરિયર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તો ગુજરાતના વસાવા આદિવાસીઓએ તેમનું હોળી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. બંને રાજ્યોના કલાકારોએ સાથે મળીને ‘વંદે માતરમ્’ ગ્રાન્ડ ફિનાલે ગાયું ત્યારે વાતાવરણમાં અભૂતપૂર્વ રોમાંચ હતો. ભારતીય સેનામાં સૌપ્રથમ નાગા મહિલા ઓફિસર તરીકે સેવાઓ આપનાર મેજર કૅથોલેબાયનુ ખોત્સૂ પણ આ પ્રસંગે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રીમતી ખોત્સુ તથા નાગાલેન્ડના કલાકાર શ્રી કાશીહો અને ગુજરાતના કલાકાર શ્રી અરવિંદસિંહ વસાવાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ તથા નાગાલેન્ડ અને ગુજરાતના આગેવાન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.