ગુજરાતનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એ માટે મિશન મોડ પર કામ કરવા, ખેડૂતોને તાલીમ આપવા વિશેષ કાર્યયોજના તૈયાર કરવા અને તાલુકા તથા જિલ્લા મથકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે બજાર વ્યવસ્થા ઊભી કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો છે. આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ; તા.૧લી મેથી પ્રાકૃતિક કૃષિ મિશન યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી છે.
કૃષિ વિભાગ, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, આત્મા-સમેતિના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ અભિયાન સાથે સંકળાયેલા આગેવાનો સાથેની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની 14,455 ગ્રામ પંચાયતોના 10-10 ગામોના ક્લસ્ટર બનાવાશે. આ 1,472 ક્લસ્ટર્સમાં પ્રત્યેક ખેડૂતને આવરી લેવાય એ રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ અપાશે. જે તે ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જ અન્ય ખેડૂતોને તેમના ગામોમાં જઈને તાલીમ આપશે. પોતાનું ખેતર મોડેલ તરીકે દેખાડશે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપશે. આ કામગીરીમાં આત્મા અને કૃષિ વિભાગના કર્મચારીઓ પણ સતત સાથે રહેશે. આખી કામગીરીની તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે નિયમિત સમીક્ષા થશે. આખી કામગીરી ફળદાયી, અસરકારક અને ઓછી ખર્ચાળ હશે. આ પ્રાકૃતિક ખેતી મિશન ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં એકીસાથે આરંભાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાકૃતિક કૃષિ માટે પ્રતિબદ્ધ છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો થાય એ માટે તેઓ સતત ચિંતિત છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાસાયણિક ખાતરોની ખપત ઓછી થાય તો જ આ અભિયાન સફળ કહેવાય. તેમણે એ વાતે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો કે, રાજ્યના કૃષિ વિભાગે આ વખતે રાસાયણિક ખાતરની માંગણીમાં પણ 10% જેટલો કાપ મૂક્યો છે. તેમણે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે, આગામી ખરીફ સીઝનમાં જ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવો. તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રાકૃતિક ખેતી અભિયાન માટે જરૂર પડે એટલું બજેટ ફાળવવા હંમેશા તત્પર છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહે અને નાગરિકોને પણ શુદ્ધ પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી મળી રહે એ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ અઠવાડિયામાં બે દિવસ રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ બજાર ભરાશે. આ માટે તમામ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ યોગ્ય વ્યવસ્થા કરશે. માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જ આ બજારમાં પોતાના ઉત્પાદન વેચી શકશે એની ચુસ્ત કાળજી રખાશે.
અનેક અસાધ્ય અને જીવલેણ રોગોમાંથી મુક્ત થવું હોય, ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવી હોય, ગ્લોબલ વોર્મિંગથી બચવું હોય અને ખેડૂતોએ પોતાની આવક ખરેખર બમણી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી; એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે ઈમાનદારીપૂર્વક, યુદ્ધના ધોરણે કામ કરવા સૌને સૂચના આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.