………………….
• સંભવિત હીટવેવ સામે લડવા મહત્વપૂર્ણ એવા આઠ વિભાગોને સાંકળીને રાજ્ય સરકારનો એક્શન પ્લાન તૈયાર
• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા
………………….
(જી.એન.એસ),તા.૧૫
ગાંધીનગર,
રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનરશ્રી આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવ સામેની લડતમાં મહત્વપૂર્ણ એવા આઠ વિભાગોને સાંકળીને આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગનો સાંકળીને વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
હીટ વેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું (Dos and Don’ts) ની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી મારફતે તમામ 33 જિલ્લાઓના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે હીટવેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા.
આ સંદર્ભે રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ કહ્યું કે, મલ્ટીપરપઝ સાયકલોન
સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિત ના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવા માં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હિટવેવ આવતા નથી. છતાં જો હીટવેવ આવે તો રાજ્ય સરકાર ઇફેક્ટીવ એક્શન પ્લાન સાથે તૈયાર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હરિત શુક્લા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય વિભાગના કમિશનર શ્રી હર્ષદ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.