Home ગુજરાત રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા બજેટમાં વિશેષ ભાર મુકાઇ રહ્યો...

રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા બજેટમાં વિશેષ ભાર મુકાઇ રહ્યો છે: કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

44
0

દેશના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો અંદાજિત ૧૫.૮૬ ટકા : મત્સ્ય પેદાશોની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૧૬.૪૨ ટકા

•           ૬૫ નવા સ્થાયી પશુ દવાખાના અને  ૫૦ નવા ફરતાં પશુ દવાખાના શરૂ કરવા કુલ રૂ. ૧૦.૬૩ કરોડની જોગવાઈ

•           “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” સેવાઓ માટે અને “દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના” હેઠળ ૫૩૦૦થી વધુ ગામોને સેવા પુરી પાડતા મોબાઇલ પશુદવાખાના માટે કુલ રૂ. ૭૦.૩૮ કરોડની જોગવાઈ કરાઇ

•           પાટણ ખાતે કાર્યરત ફ્રોઝન સીમેન સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧.૨૭ કરોડથી વધુ થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યુ.

•           છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરીણામે રાજ્યના ૪૬૭ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા

•           હયાત મત્સ્ય કેન્દ્રો ઉપર સાર-સંભાળ, રખરખાવ અને મરામત તેમજ મૂળભૂત સુવિધાઓને સબળ બનાવવા માટે રૂ.૨૦૫.૪૧ કરોડની જોગવાઇ

•           માછીમારી માટેની યાંત્રિક હોડીઓમાં વપરાતા હાઇસ્‍પીડ ડીઝલ ઓઇલ પરની વેટ/વેરા માફી યોજના માટે રૂ.૪૬૩.૩૦ કરોડની જોગવાઇ

•           વિધાનસભા ગૃહ ખાતે આજે પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ મંજુર

(જી.એન.એસ),તા.૧૯

ગાંધીનગર,

કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્નરત છે અને તે માટે બજેટમાં વિશેષ ભાર મુકાઇ રહ્યો છે, ત્યારે રાજ્યની તમામ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ સારવારની સુવિધા માટે અમલી “મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુસારવાર યોજના” હેઠળ પશુ દવાખાના ખાતે દવાઓનો પૂરતો જથ્થો સુનિશ્ચિત થાય તે માટે વિવિધ પશુ સારવાર સંસ્થાદીઠ થતી જોગવાઈમાં વર્ષ ૨૦૨૪-૨૫માં નોંધપાત્ર વધારો કરી કુલ રૂ.૪૨.૮૪ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. એટલુ જ નહિ, હાલમાં શહેરી વિસ્તારમાં કાર્યરત ૩૭ “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” એકમોની સેવાઓ માટે રૂ. ૯.૧૩ કરોડ અને “દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના” હેઠળ ૫૩૦૦ થી વધુ ગામોને સેવા પુરી પાડતા કુલ ૪૬૦ મોબાઇલ પશુદવાખાના માટે રૂ. ૬૧.૨૫ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. 

ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ગુજરાત માટે મંજૂર કરવામાં આવેલી ૧૨૭ મોબાઈલ વેટરનરી યુનીટની સેવાઓ વર્ષ ૨૦૨૪-૨૫માં કાર્યરત રાખવા માટે કુલ રૂ. ૧૬.૯૬ કરોડ અને વધુ ૫૦ નવા ફરતાં પશુ દવાખાના શરૂ કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં કુલ રૂ. ૬.૨૮ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. આમ રાજ્યમાં પશુ સારવાર માટે પૂરતી સંખ્યામાં હરતા-ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે અને વધુ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે પણ આ બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.  તે ઉપરાંત વધુ ૬૫ નવા સ્થાયી પશુ દવાખાના શરૂ કરવા માટે આ અંદાજપત્રમાં કુલ રૂ.૪.૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૨-૦૩થી શરૂ કરાયેલ “રાજ્યવ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાન” અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં પણ ૪,૪૯૭ પશુ આરોગ્ય મેળાના આયોજન માટે કુલ રૂ.૨.૨૬ કરોડની  જોગવાઈ  ઉપરાંત પશુઓને થાયલેરીયાસીસ રોગ સામે સુરક્ષિત કરવા રસીકરણ માટે કુલ રૂ. ૭.૫૬ કરોડની જોગવાઈ પણ આ અંદાજપત્રમાં સૂચવી છે.

પશુ સંવર્ધન સેવાઓ સંદર્ભે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યુ કે, વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન માટેની કૃત્રિમ બીજદાન, લૈગિંક સીમેન ટેકનોલોજી અને આઈ.વી.એફ. ટેકનોલોજીનો રાજ્યના પશુપાલકો મહત્તમ લાભ લે અને પ્રતિ પશુ વધુ ઉત્પાદન મેળવી પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બને તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક કાર્યક્રમો અમલમાં છે. પશુપાલન પ્રભાગ હેઠળનાં ફ્રોઝન સીમેન સ્ટેશન, પાટણ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧.૨૭ કરોડથી વધુ થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યુ છે. ભારત સરકારના “રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ” અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર તબક્કાઓમાં કુલ ૪૪ લાખથી વધુ કૃત્રિમ બીજદાનની કામગીરી થઈ છે. આગામી વર્ષે રાજ્યમાં ૩,૪૬૨ જેટલા પશુ જાતીય આરોગ્ય કેમ્પના આયોજન માટે કુલ રૂ. ૨ કરોડ ૮ લાખની જોગવાઈ સૂચવી છે. કેન્દ્ર સરકારની સહાયથી પાટણ ખાતે કાર્યરત કરવામાં આવેલ “લૈગિંક સીમેન લેબોરેટરી”માં ઉત્પાદિત થયેલ લૈગિંક સીમેન ડોઝનાં ઉપયોગથી ૯૨ ટકાથી વધુ વાછરડી-પાડીનો જન્મ થઈ રહ્યો છે અને તેના પરિણામે પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે. તે ઉપરાંત પાટણ ખાતે કાર્યરત “લૈગિંક સીમેન લેબોરેટરી” માં વધુ લૈગિંક સીમેન ડોઝ ઉત્પાદન માટે તેમજ સુરત જીલ્લાના માંડવી ખાતે નવનિર્મિત ફ્રોઝન સીમેન સ્ટેશનની મશીનરી માટે કુલ રૂ. ૪.૫૦ કરોડની જોગવાઈ સૂચવી છે.

પશુપાલન અને ડેરી ક્ષેત્રે સહાયની માહિતી આપતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ઉમેર્યુ કે, પશુમૃત્યુના સંજોગોમાં વીમાની રકમમાંથી પશુપાલક નવું પશુ ખરીદી પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકે તેવા શુભ આશયથી કેન્દ્ર પુરસ્કૃત નેશનલ લાઈવસ્ટોક મિશન યોજના હેઠળની પશુધન વીમા યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની વધારાની સહાય માટે રૂ. ૨૩.૮૦ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. આકસ્મીક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ખેતીવાડી ખાતાની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં લાભથી વંચિત રહી જતા જમીનવિહોણા પશુપાલકો માટે પશુપાલક અકસ્માત વીમા યોજના માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ સૂચવી છે. તે ઉપરાંત પ્રોજેની ટેસ્ટીંગ પ્રોજેક્ટ અંતર્ગત કૃત્રિમ બીજદાનથી જન્મેલ ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં માદા પશુના વૈજ્ઞાનિક ઢબે બે વર્ષ સુધીના ઉછેર માટે રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો મારફતે પાડી-વાછરડી ઉછેર યોજના અમલમાં મૂકવા માટે રૂ.૧૦.૫૦ કરોડની જોગવાઈ સૂચવેલ છે. અંદાજે ૧.૩૦ લાખ પશુપાલકોનાં ગાભણ/વિયાણ થયેલ પશુઓ માટે સમતોલ ખાણદાણ પૂરા પાડવા કુલ રૂ.૫૪.૫૭ કરોડની જોગવાઈ સૂચવેલ છે. પશુપાલન વ્યવસાય થકી ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થાય તે માટે ૧ થી ૨૦ દૂધાળા પશુનાં એકમની સ્થાપના પર વ્યાજ સહાય, ૧૨ દુધાળા પશુના ફાર્મની સ્થાપના માટે સહાય અને ૫૦ દુધાળા પશુઓના એકમની સ્થાપના માટે સહાયની યોજનાઓમાં કુલ રૂ.૬૨.૪૫ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે.

પશુપાલન વિસ્તરણ સેવાઓ ક્ષેત્રે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યુ કે, પશુપાલનમાં ઉચ્ચ કોટિના અભિગમ અપનાવનાર “૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર” આપીને પ્રોત્સાહિત કરવાની યોજનામાં પુરસ્કારની રકમમાં વધારો કરી વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ રૂ.૧ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. પશુ પ્રદર્શન હરીફાઈ, જિલ્લા અને તાલુકા પશુપાલન શિબિર, પશુપાલકો માટે તાલીમ અને પ્રેરણા પ્રવાસનાં આયોજન વગેરે વિસ્તરણલક્ષી કાર્યક્રમો માટે આ અંદાજપત્રમાં રૂ.૩ કરોડ ૬૬ લાખની જોગવાઈ અને પશુપાલન ખાતાની સંસ્થાઓનાં નવીન બાંધકામ અને મરામત માટે કુલ રૂ.૬૪.૭ કરોડનાં કામો અંદાજપત્રમાં સૂચવવામાં આવ્યા છે.

ગૌસંવર્ધન વિષયક સહાય સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી “મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના”નો શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાયો હતો. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૨૧૧ ગૌશાળા-પાંજરાપોળના કુલ ૩.૨૨ લાખ પશુઓ માટે કુલ રૂ.૧૭૫.૮૮ કરોડની સહાય ચુકવવામાં આવી હતી. ચાલુ વર્ષે આ યોજનામાં પ્રથમ ૬ માસના સમયગાળા માટે ૧૨૨૫ ગૌશાળા-પાંજરાપોળના કુલ ૩.૬૭ લાખ પશુઓ માટે કુલ રૂ.૧૭૬.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તથા બાકીના સમયગાળા માટે સહાય ચૂકવવાનુ આયોજન છે. આ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ.૪૨૫ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ સૂચવવામાં આવી છે.

કામધેનુ યુનિવર્સિટી સંદર્ભે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ કે, કામધેનુ યુનિવર્સિટી હેઠળ પશુપાલન અને ડેરી વિકાસ સંબંધિત વિવિધ કાર્યક્રમો માટે અંદાજપત્રમાં કુલ રૂ. ૩૧૨.૧૫ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. કામધેનુ યુનિવર્સિટી હેઠળ “રામના મુવાડા” ખાતે “ડગરી ગાય” માટે ન્યૂક્લીયસ હર્ડની સ્થાપના માટે તથા વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્ષ, આણંદ ખાતે રોગ નિદાન માટે આધુનિક લેબોરેટરી અને સંશોધનની સુવિધા માટે કુલ રૂ. ૫.૨૧ કરોડની જોગવાઇ, આણંદ ખાતે રેબીસ (હડકવા) માટે નિદાન અને સંશોધન કેન્દ્ર, પશુ ચિકિત્સા અને પશુપાલન સંશોધન અને વિસ્તરણ એકમ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન વન હેલ્થ એન્ડ ફૂડ સેફ્ટીની સ્થાપના માટે અને કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત વિવિધ સંસ્થાઓ તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનાં બાંધકામ માટે ખાસ જોગવાઈ સૂચવવામાં આવી છે.

માછીમારોને અપાતા લાભો અને સુવિધાઓ અંગે માહિતી આપતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ઉમેર્યુ કે, રાજયના બંદરગાહ વિસ્તારોના માછીમારોને માળખાકીય પાયાની સુવિધાઓ પુરી પાડવામાં માટે રાજય સરકાર કટિબધ્ધ અને સતત પ્રયત્નશીલ છે. અંદાજિત રૂ.૮૫૫ કરોડના ખર્ચે ૩૩ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો અને રૂ.૧૩૦૭.૦૨ કરોડના ખર્ચે પાંચ મત્સ્ય બંદરો ખાતે બર્થીંગ, લેન્ડીગ, લાઇટ, આંતરીક રસ્તા, ટોઇલેટ બ્લોક અને પાણીની લગત પાયાની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા તેમજ હયાત માળખાકીય સુવિધાઓની નિભાવણી અને સુધારણાની કામગીરી સતત પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧થી ખાનગી એકમો અને ઉદ્યોગ સાહસિકો તથા અન્યોને આઇસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપનાના ઘટક તળે અંદાજીત કુલ ૧૪ જેવા આઇસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરવામાં આવી છે. તેમજ માછલીના જાળવણીપૂર્ણ ટ્રાન્સ્પોર્ટેશન માટે અંદાજીત ૩૦ જેટલા ઇન્સ્યુલેટેડ તેમજ રેફ્રીજરેટેડ વ્હીકલની સહાય આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરીણામે રાજ્યના ૪૬૭ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. માછીમારો આંતરરાષ્ટ્રિય જળ સીમા નજીક ન જાય તે માટે આધુનિક સાધનો જેવા કે, જી.પી.એસ.(ગ્લોબલ પોઝીશન સીસ્ટમ) ખરીદી પર સહાય તથા મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ઓનલાઈન બોટ ટોકન સોફ્ટવેર ધ્વારા સઘન મોનીટરીંગ કરવામા આવી રહ્યુ છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ગુજરાતનાં ૧૬૦૦ કી.મી. વિશાળ દરિયા કિનારાના ૧૪ જિલ્લાઓના ૨૬૦ ગામો દરિયાઈ મત્સ્યપાલન પર આધારિત છે અને આંતરદેશીયના ૭૯૮ ગામો મળીને કુલ ૧૦૫૮ ગામો  મત્સ્ય પાલન સાથે સંકળાયેલા છે. ભારતના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાંથી વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતનો ફાળો અંદાજિત ૧૫.૮૬ % જેટલો છે. ગુજરાત રાજ્યની મત્સ્યની પરદેશ નિકાસ વર્ષ ૨૦૦૧-૦૨ માં ૧.૩ર લાખ મેટ્રીક ટન હતી જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૮૫ લાખ મેટ્રીક ટન  થયેલ છે. દેશની કુલ મત્સ્ય પેદાશોની નિકાસમાં ગુજરાત ૧૬.૪૨% જેટલો હિસ્સો ધરાવે છે.

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, હાલના હયાત મત્સ્ય કેન્દ્રો ઉપર સાર-સંભાળ, રખરખાવ અને મરામત તેમજ મૂળભૂત સુવિધાઓને સબળ બનાવવા માટે રૂ.૨૦૫.૪૧ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. જેમાં મત્સ્યકેન્દ્રોના નિભાવ, વ્યવસ્થાપન, માળખાકીય સુવિધા ઉભી કરવાના કામો, ડ્રેજીંગ, ડ્રેનેજ માટે તથા ઉમરસાડી તેમજ ચોરવાડ ખાતે ફલોટીંગ જેટી બનાવવા અને કચેરીઓના રીનોવેશન જેવા કામો માટેની જોગવાઇનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત વલસાડ જીલ્લાના કોસંબા, તડગામ, કલાઇ, મગોદ-ડુંગરી, ઉમરગામ, મરોલી, ફણસા, નારગોલ, ખતલવાડા, દાંતી, નવસારી જીલ્લાના ભાટ/રાણા, કૃષ્ણપુરા, વાંસી-બોરસી, ઓંજલ,ગીર-સોમનાથ જીલ્લામાં કોટડા, મૂળ-દ્વારકા, સીમર, જામનગર જીલ્લાના સિક્કા, દેવ-ભૂમી દ્વારકા જીલ્લાના બેટ –દ્વારકા, ભાવનગર જીલ્લાના મહુવા, મોરબી જીલ્લાના નવલખી, કચ્છ જીલ્લાના કોટેશ્વર, લુણી, માંડવી અને જુનાગઢ જીલ્લાના માંગરોળ બારા ખાતે મત્સ્ય ઉતરણ કેન્દ્રોના આધુનિકરણની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલુ જ નહિ, રાજયમાં ચાર નવા બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ-૨, માઢવાડ અને સૂત્રાપાડા વિકસાવવા નાબાર્ડ લોન સહાય હેઠળ મત્સ્યોધોગ કેન્દ્રોનું નિર્માણ યોજના હેઠળ રુ.૩૩૮  કરોડ ની જોગવાઇ સૂચવવામાં આવી છે.

દરિયાઈ મત્સ્યોદ્યોગ અંગે મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ર૦ મીટરથી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓમાં વપરાતાં હાઇસ્‍પીડ ડીઝલ ઓઇલ પરની વેરા રાહતની યોજના તળે વર્ષ ર૦૨૩-૨૪ મા જાન્યુઆરી અંત સુધીમાં રૂ.૩૩૨.૫૪ કરોડનો ખર્ચ કરી બોટોને ડીઝલ વેટ રાહતનો લાભ આપવામાં આવ્યો છે. માછીમારી માટેની યાંત્રિક હોડીઓમાં વપરાતા હાઇસ્‍પીડ ડીઝલ ઓઇલ પરની વેટ/વેરા માફી યોજના માટે વર્ષ ર૦૨૪-૨૫ માં રૂ.૪૬૩.૩૦ કરોડ ની જોગવાઇ સૂચવવામાં આવી છે. નાની ઓ.બી.એમ. બોટ ધારકોને વાર્ષિક ૧પ૦૦ લીટરની મર્યાદામાં રૂ.૫૦/- પ્રતિ લિટર લેખે કેરોસીન/પેટ્રોલ  ઉપર સહાય ચુકવવા માટે રૂ.૮ કરોડની જોગવાઇ તથા દરીયાઇ મત્સ્યોદ્યોગના વિકાસ માટે લાભાર્થીઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા તેમજ આનુષાંગિક સાધનો તથા સવલતો પૂરી પાડવા માટે રૂ.૫૬.૬૬ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. તેવી જ રીતે આંતરદેશીય મત્સ્યોધોગના વિકાસ માટે રૂ.૮.૭૮ કરોડ ની જોગવાઈ સૂચવવામાં આવી છે.

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ડિઝીટલાઈઝેશન અને ગુડ ગવર્નન્‍સ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, ફિશીંગ બોટોને જે માછીમારી માટેના મેન્યુઅલી ટોકન આપવાની પધ્ધતી અમલમાં હતી તેના સ્થાને મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અન્વયે અગત્યતા ધરાવતુ ઓન-લાઈન ટોકન ઈસ્યુ કરવા ૧લી એપ્રિલ-૨૦૨૨થી સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યુ છે. માછીમારી બોટોના રજીસ્ટ્રેશન, ફિશીંગ લાઈસન્‍સ, માલિકી ફેરફાર જેવી સેવાઓ માટે અગાઉ માછીમાર બોટ માલીકોએ સંલગ્ન જિલ્લા કચેરીમાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેતી હતી. આ ખાતા દ્વારા સંપૂર્ણપણે પેપરલેસ ઓનલાઈન બોટ રજીસ્ટ્રેશન સેવા જુન-૨૦૨૨થી શરૂ કરવામા આવતા હવે માછીમારોએ કચેરીની મુલાકાત લેવાની જરૂર રહેતી નથી તેમજ ડીજીટલ પ્રમાણપત્ર પણ ઓનલાઈન પૂરૂ પાડવામાં આવે છે. સંપૂર્ણ પેપરલેસ કામગીરી દ્વારા ડીઝલ વેટ રાહત યોજનાનું ડીજીટલાઈઝેશન કરવાની ઝુંબેશના ભાગરુપે તા.૦૧.૦૪.૨૦૨૨થી ડીઝલ પુરાવ્યા બાદ તાત્કાલિક રાહત લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી મારફત જમા કરવામાં આવે છે. સંપૂર્ણપણે પેપરલેસ i Khedut મોડ્યુલ જુલાઈ ૨૦૨૨થી અમલમાં છે. તમામ અરજીઓ સંપૂર્ણપણે પેપરલેસ રીતે એટલે કે અરજદારની અરજીથી નાણાંકીય મંજુરી ઓનલાઇન કરવામાં આવે છે.

વિધાનસભા ગૃહ ખાતે આજે પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ મંજુર કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓના પરિણામે રાજ્યનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
Next articleસરકારે સીએન્ડડી વેસ્ટના અસરકારક નિકાલ માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી : હરદીપ એસ પુરી