Home ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક ‘પ્રાકૃતિક ખેતી’ ના મરાઠી સંસ્કરણ –...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક ‘પ્રાકૃતિક ખેતી’ ના મરાઠી સંસ્કરણ – ‘નૈસર્ગિક શેતી’ નું કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ

14
0

સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે બજાર સ્થાપિત કરીશું :  શ્રી નીતિન ગડકરી

નાગપુરમાં એગ્રોવિઝન ફાઉન્ડેશનના કિસાન તાલીમ કેન્દ્રનું ભૂમિપૂજન

(જી.એન.એસ)નાગપુર,તા.૨૫

મહારાષ્ટ્રના નાગપુરમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે એગ્રોવિઝન ફાઉન્ડેશનના એગ્રોવિઝન કિસાન તાલીમ કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નીતિન ગડકરીજીની ઉપસ્થિતિમાં આયોજિત ભવ્ય સમારોહમાં શ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત હિન્દી પુસ્તક ‘પ્રાકૃતિક ખેતી’ના મરાઠી સંસ્કરણ ‘નૈસર્ગિક શેતી’નું લોકાર્પણ થયું હતું. શ્રી નીતિન ગડકરીજીની પ્રેરણાથી પ્રકાશિત આ મરાઠી સંસ્કરણ મહારાષ્ટ્રના ખેડૂતો માટે વધુ ઉપયોગી સાબિત થશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદર્ભના ખેડૂતોને સંબોધતાં કહ્યું કે, આજે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ફરવાનો સમય આવી ગયો છે. પ્રાકૃતિક ખેતી આપણને માત્ર રાસાયણિક ખેતીથી થતાં નુકસાનોથી તો બચાવશે જ, પણ આપણી ધરતીને ફરીથી ઉપજાઉ બનાવશે. મારી અપીલ છે કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો અને  ધરતીને બચાવો. આ માત્ર આપણી પેઢીઓ માટે જરૂરી નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પણ અનિવાર્ય છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતીમાં દેશમાં એક ક્રાંતિ આવી રહી છે. ઘણી રાજ્ય સરકારો આ દિશામાં અગ્રેસર છે. આજે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિષયના પ્રશિક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી પણ સ્થાપિત કરવામાં આવી છે, રાજસ્થાનમાં આવતા સપ્તાહે એક યુનિવર્સિટી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં પરિવર્તિત થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ એક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં બદલાઈ રહી છે. ગુજરાતમાં 10 લાખ ખેડુતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે. આવતા એક વર્ષમાં નવા 10 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનું લક્ષ્ય છે. સમગ્ર દેશમાં આ દિશામાં એક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના ઉદ્બોધનમાં એગ્રોવિઝન ફાઉન્ડેશન અને નીતિન ગડકરીજીનો આભાર માન્યો હતો. તેમણે શ્રી નીતિન ગડકરીજીને એક વિઝનરી નેતા તરીકે વર્ણવતાં કહ્યું કે, તેઓ સતત ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતા રહે છે. સમાજ, ક્ષેત્ર અને રાષ્ટ્રનું એ સદ્ભાગ્ય છે જ્યારે તેની પાસે કેટલાક મનિષી, ચિંતક અને સકારાત્મક વિચારધારાવાળા લોકો હોય છે, જેઓ દિવસ-રાત સમાજની સેવા માટે પ્રયત્નશીલ રહે છે. તેવા જ એક વ્યક્તિ છે શ્રી નીતિન ગડકરીજી, જેઓ હંમેશા નવા વિચારો અને યોજનાઓ સાથે આગળ વધી રહ્યા છે.

એગ્રોવિઝન ફાઉન્ડેશન દ્વારા આચાર્ય દેવવ્રત દ્વારા લિખિત હિન્દી પુસ્તક ‘પ્રાકૃતિક ખેતી’ના મરાઠી સંસ્કરણના વિમોચન સમારંભનું ડો. વસંતરાવ દેશપાંડે હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ કરી હતી જ્યારે ડો. પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. શરદ ગડાખ, મહારાષ્ટ્ર પશુ અને મત્સ્ય ઉછેર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પાટીલ, ડો. સી. કે. ટિંબડિયા, એગ્રોવિઝન ફાઉન્ડેશનના અધ્યક્ષ રવિ બોરટકર, ખજાનચી રમેશ માંકર, સુધીર દિવે, શિરિષ ભગત, આનંદ રાઉત ઉપસ્થિત હતા. આ પ્રસંગે  ‘પ્રાકૃતિક ખેતી’ પુસ્તકના મરાઠી અનુવાદક નીતિન નાયગાવકર અને સંપાદક માર્ગદર્શક શૈલેશ પાંડેનું સન્માન કરવામાં આવ્યું હતું.

આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેની પદ્ધતિઓ વિશે સમજાવતાં અને તેમને આ બાબતે જાગૃત કરતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતીની ઉર્વરતા તો વધશે જ, પરંતુ ખેડૂતોનો ખર્ચ પણ ઓછો થશે અને ઉત્પાદન વધશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ એ વાત પર ભાર મુક્યો કે, રાસાયણિક ખેતીના કારણે આજકાલ કેન્સર, હાર્ટ એટેક અને અન્ય જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. તેમણે જણાવ્યું કે, યુરિયા, ડીએપી અને કીટનાશકોનો બેફામ ઉપયોગ કરવાથી ધરતીની ફળદ્રુપતા (ઓર્ગેનિક કાર્બન) ઘટી રહી છે, જેનાથી પાક ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. તેમણે ઉદાહરણ આપી સમજાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં માત્ર એક દેશી ગાયના ગોબરથી બનાવવામાં આવેલ જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ દ્વારા ધરતીની ફળદ્રુપતાને વધારી શકાય છે અને રાસાયણિક ખેતીની તુલનામાં વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં મૂળભૂત તફાવત છે. જૈવિક ખેતીમાં જે અળસિયાનો ઉપયોગ થાય છે, તે વિદેશથી આયાત કરવામાં આવે છે અને તે ભારતીય ધરતી માટે યોગ્ય નથી. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને ખેતીને ફરીથી જીવંત બનાવી શકાય છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જો આપણે ભવિષ્યમાં ધરતીને ઉપજાઉ બનાવવી છે અને ખેડૂતોની આવક વધારવી છે, તો પ્રાકૃતિક ખેતી તરફ પાછા ફરવું જરૂરી છે. તેમણે ખેડૂતોને આહ્વાન કર્યું કે તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તો જ તેમનો ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે બજાર સ્થાપિત કરીશું – નીતિન ગડકરી

એગ્રોવિઝન દ્વારા નિર્માણ પામનારા ખેડુતોના તાલીમ કેન્દ્રમાં તાલીમ સાથે સાથે જમીન અને પાણીના પરીક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલા પાક, ફળોને સીધા વપરાશકારોને વેચવા માટે એક મોટું બજાર સ્થાપિત કરવામાં આવશે અને તેનો સીધો લાભ ખેડુતોને મળશે. ઉપરાંત, તેમણે એ પણ જાહેરાત કરી કે, દેશનું પ્રથમ એગ્રો કન્વેન્શન સેન્ટર ડો. પંજાબરાવ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવશે.

સારા બીજ અને છોડની નર્સરી, ખેડુતોને નવી ટેક્નોલોજીમાં તાલીમ આપવી, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું, નદીઓ અને કેનાલોને ઊંડા અને પહોળા કરવાથી ખેતીનો ખર્ચ ઘટશે, ઉત્પાદન વધશે, કૃષિ કરજમુક્ત બનશે અને આત્મહત્યાઓ અટકશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો. શ્રી આચાર્ય દેવવ્રત જી દ્વારા લિખિત ‘પ્રાકૃતિક ખેતી’ પુસ્તકને તમામ નાના-મોટા ખેડુતો સુધી પહોંચાડવાની પણ તેમણે અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભૂજ નજીક ચીનાઈ માટીની ફેક્ટરીમાં મશીનમાં ફસાઈ જતાં બાળક સહીત ૩ નાં મોત
Next articleરક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે યુએસમાં નેવલ સરફેસ વોરફેર સેન્ટરની મુલાકાત લીધી