Home ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT), વડોદરાના પાંચમા...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT), વડોદરાના પાંચમા દીક્ષાંત સમારોહમાં ૪૧૦ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરી હતી.

23
0

યુવાનો પ્રમાણિકતા અને સમર્પણથી કામ કરીને વિકસિત-આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બને : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગર્ભની સાથે મા નું જેવું જોડાણ હોય છે એવું શિષ્ય સાથે ગુરુનું હોવું જોઈએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :-
હંમેશા ધર્મનું-કર્તવ્યનું પાલન કરો. આપણને જે નથી ગમતું, જે સારું નથી લાગતું એવું અન્ય સાથે ન કરીએ.

સદ્આચરણ એટલે જ ધર્મ.

જેમ વાદળ દરિયા પાસેથી ખારું પાણી લઈને તેને મીઠું કરીને જ્યાં જરૂર હોય ત્યાં વરસાવે છે એમ વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાન જ્યાં જરૂર છે એવી વ્યક્તિ અને સમાજ સુધી પહોંચાડવું જ જોઈએ.

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વડોદરાના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ ની બેચના ૪૧૦ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય માનવીનું જીવન વધુ સુખમય અને સરળ બને એ દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો. પ્રમાણિકતા અને સમર્પણથી જવાબદાર નાગરિક તરીકે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કરીને વિકસિત-આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવા યુવાનોને આહ્વાન આપ્યું હતું.

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, (ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન) આઈઆઈટી, ગાંધીનગરના પરિસરમાં આયોજિત સમારોહમાં દીક્ષાંત પ્રવચન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, તમે એ મેધાવી વિદ્યાર્થીઓ છો જેની આ સમાજને પ્રતીક્ષા છે, જેની પાસેથી અપેક્ષાઓ છે. પ્રતિભા અને કૌશલ્યથી પોતાનું કર્તવ્ય નિભાવતાં, માતા-પિતા-ગુરુનું સન્માન કરતાં-કરતાં લોકોના કલ્યાણ માટે તમારી વિદ્યા વાપરજો અને પરિવાર તથા સમાજની અપેક્ષાઓ પૂર્ણ કરજો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ દેશના યુવાનો પાસેથી અપેક્ષા રાખીને
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ છે ત્યારે ઉત્સાહપૂર્વક જીવન જીવતાં-જીવતાં રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપજો.

શિક્ષક અને શિષ્યના સંબંધો વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગર્ભની સાથે મા નું જેવું જોડાણ હોય છે એવું શિષ્ય સાથે ગુરુનું હોવું જોઈએ. ગુરુની અંદર વસે તે અંતેવાસી. માતા-પિતા ગુરુજી પર વિશ્વાસ મૂકીને પોતાનું સંતાન સોંપે છે, શિક્ષક એક બાળકમાંથી મહામાનવનું નિર્માણ કરે છે. શિક્ષક અને શિષ્ય ધર્મના પિતા-પુત્ર છે. આવા આત્મીય સંબંધો સાથે શિક્ષાનું આદાન-પ્રદાન થાય એ જરૂરી છે.

ચંદ્રકો અને પદવીઓ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરવાની શીખ આપી હતી. જૂઠ થોડો સમય ચાલે છે, અસત્યનો ખોટો સિક્કો ક્યારેક ચાલી જાય છે પણ અંતિમ ટકાઉ સિદ્ધાંત તો સત્ય જ છે. હંમેશા ધર્મનું-કર્તવ્યનું પાલન કરો. આપણને જે નથી ગમતું, જે સારું નથી લાગતું એવું અન્ય સાથે ન કરીએ. કોઈ જૂઠું બોલે તો આપણને નથી ગમતું, ચોરી કરી જાય તે નથી ગમતું, ક્યાંક લાંચ આપવી પડે તે નથી ગમતું. તો આપણે પણ આવું અન્ય કોઈપણ સાથે ન કરીએ. સદ્આચરણ એટલે જ ધર્મ. વિદ્યાર્થીઓએ આજીવન વિદ્યાર્થી લઈને પોતાના જ્ઞાનમાં સતત અભિવૃદ્ધિ કરતાં રહેવું જોઈએ. જેમ વાદળ દરિયા પાસેથી ખારું પાણી લઈને તેને મીઠું કરીને જ્યાં જરૂર હોય ત્યાં વરસાવે છે એમ વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાન જ્યાં જરૂર છે એવી વ્યક્તિ અને સમાજ સુધી પહોંચાડવું જ જોઈએ.

પબ્લિક લાઈફ અને પ્રાઈવેટ લાઈફના નામે લોકો કૃત્રિમ જીવન જીવતા હોય છે, જે ડિપ્રેશન તરફ દોરી જાય છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મનમાં હોય એ જ વાણીમાં હોય અને વાણીમાં હોય એ વર્તનમાં પણ હોય એવું પ્રમાણિક જીવન જીવવા અનુરોધ કર્યો હતો. મન-વચન અને કર્મની એકસૂત્રતા હશે અને વિચાર-વાણી-વર્તનમાં શુદ્ધતા હશે તો જીવનમાં ઉત્સાહ અને આનંદ સતત રહેશે. ક્યારેય ડિપ્રેશન નહીં આવે. તેમણે અન્નનો એક દાણો માટીમાં ભળી જઈને અનેક દાણા ઉત્પન્ન કરે છે એમ સંપૂર્ણ સમર્પણ અને પરિશ્રમથી રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપવા, નવભારતનું નિર્માણ કરવા તેમણે યુવાનોને આહ્વાન આપ્યું હતું.

વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વડોદરામાં અભ્યાસ કરતા કુલ ૪૧૦ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૩૭૬ વિદ્યાર્થીઓને બેચલર ઑફ ટેક્નોલોજી (બી.ટેક) ડિગ્રી, ૨૭ વિદ્યાર્થીઓને માસ્ટર ઑફ ટેક્નોલોજી (એમ.ટેક) ડિગ્રી અને ૭ વિદ્યાર્થીઓને ડોક્ટર ઑફ ફિલોસોફી (પી.એચ.ડી) ડિગ્રીનો એનાયત કરવામાં આવી હતી. એમ.ટેક.માં છ વિદ્યાર્થીઓને અને બી.ટેક.માં ૧૦ વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત કરાયા હતા.
આઈ.આઈ.આઈ.ટી.ના નિયામકશ્રી પ્રોફેસર રજત મૂનાએ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાની આજીવન પ્રતિબદ્ધતા પર ભાર મુક્યો હતો. તેમણે ઈન્સ્ટિટ્યૂટની શ્રેષ્ઠતા, નવીનતા અને યોગદાન વિષે જણાવ્યું હતું. તેમણે વર્કશોપ્સ, સ્ટાર્ટ-અપ્સ, સાંસ્કૃતિક, ટેકનિકલ અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓની અને સંસ્થાની સિદ્ધિઓની જાણકારી આપી હતી. સાથે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વડોદરા ખાતે આઈ.આઈ.આઈ.ટી., વડોદરાના કાયમી કેમ્પસના નિર્માણની શરૂઆત અંગેની જાહેરાત કરતાં નિયામકશ્રીએ આનંદ પ્રગટ કર્યો હતો.

દીક્ષાંત સમારોહમાં સંસ્થાના ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ  સહિત સ્નાતક વિદ્યાર્થીઓના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field