Home ગુજરાત ગાંધીનગર રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ...

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

25
0

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાની નેમ સાથે અધિકારીઓ આ અભિયાનને ‘મિશન મોડ’માં અપનાવે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

*ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી  : આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો : રૂપિયા 1,337.92 કરોડની બચત અને લાખો ટન ઝેર ધરતીમાં ઓછું ઠલવાયું

આ બેઠક સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી બની રહેશે

(જી.એન.એસ),તા.૧૫

ગાંધીનગર,

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને આપણા સૌનું ‘મિશન’ બનાવીએ. ગુજરાતની પાવન ધરાને ઝેરમુક્ત કરીએ. ગુજરાતના ખેડૂતને ઝડપથી સમૃદ્ધિ તરફ લઈ જઈએ અને હર એક ક્ષેત્રમાં આદર્શ આપણું ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પણ ભારતની આગેવાની કરે એ દિશામાં પરિવારભાવનાથી કામ કરીએ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુવારે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં તમામ જિલ્લા કલેક્ટર્સ અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધતાં કહ્યું હતું કે, આ બેઠક સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી બની રહેવી જોઈએ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલના નર્મદા હૉલમાં યોજાયેલી આ અત્યંત મહત્વની બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને સંલગ્ન વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં રૂપિયા 1,337.92 કરોડની બચત તો થશે જ પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ-2025 ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી પાંચ વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રમાણિકતા અને કર્તવ્યભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા હતા. રાસાયણિક ખેતીની ભયાવહ અસરોથી તેમણે સૌને વાકેફ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી લઈને માનવ સ્વાસ્થ્યને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી થઈ રહેલા ગંભીર નુકસાન વિશે તેમણે સૌને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, આ દેશની ધરતીની ફળદ્રુપતા બચાવવી હશે, ધરતી બચાવવી હશે, હવા-પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર-અસાધ્ય બીમારીઓથી બચાવવા હશે તો આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી. તેમણે કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને ‘મિશન મોડ’માં કામ કરવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં એવું પ્રેરક આહવાન કર્યું છે કે, આગામી પાંચ વર્ષમાં આપણે ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવું છે તેવી નેમ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને સૌ મિશન મોડમાં અપનાવે.

આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશમાં પાણી બચાવવાનું જે અભિયાન અમૃત સરોવરનાં નિર્માણથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તેમ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને પણ અપનાવવાની જરૂરીયાત સમજાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો આ કાર્યક્રમ કેન્‍દ્ર અને રાજ્ય સરકારનો એવો જનહિતલક્ષી કાર્યક્રમ છે કે, આ ખેતીને પરિણામે માસ ઇમ્પેક્ટ ઉભી થશે અને ભવિષ્યની પેઢીઓની સ્વાસ્થ્ય સુધારણા અને સુખાકારીનું આ કામ છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનાં વ્યાપ વિસ્તાર માટે એકધારો પ્રયત્ન કરી રહ્યા છે. તેના સારાં પરિણામો પણ આપણે મેળવ્યા છે. ૩ લાખ મેટ્રીક ટન યુરીયા ઓછું વપરાયું છે અને અંદાજે ૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીને આવશ્યક ગણાવતાં કહ્યું કે, જો જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો માટીમાંથી રેતી થતી અટકશે અનાજ પણ વધુ પાકશે.

શ્રી ભૂપેન્‍દ્ર પટેલે કહ્યું કે, આપણી દિશા સ્પષ્ટ છે હવે પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવાનાં નિર્ધાર સાથે લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. કલેક્ટર અને ડી.ડી.ઓ.ને તેમણે અનુરોધ કર્યો કે, પ્રાકૃતિક ખેતીનાં સંદર્ભમાં હજુ કંઈ વધુ સારૂ થઈ શકે તે દિશામાં તેમના સુઝાવો અને સુચનો પણ આવકાર્ય છે.

તેમણે વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતીનાં અભિયાન દ્વારા લીડ લઈ ગુજરાતને અગ્રેસર રાખવા જિલ્લા કલેક્ટરશ્રીઓ અને ડી.ડી.ઓ.ને પ્રેરણા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, તેમના પદનો જનહિતના આવા કામોમાં સદઉપયોગ કરીને જ આત્મ સંતોષ અને કાર્ય સંતોષ મેળવી શકાશે.

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ મહોત્સવની શ્રેષ્ઠ પરંપરા તત્કાલીન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે. આ વખતે પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ મહોત્સવ કરીએ. તેમણે તમામ કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને ‘સ્વાન્ત: સુખાય’ પ્રોજેક્ટમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને પસંદ કરવા અનુરોધ કર્યો હતો.

અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશે  સ્વાગત ઉદ્ભોધનમાં  કહ્યું હતું કે, આજથી ત્રણેક વર્ષ પહેલાં આપણે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના ત્રિભેટે ઊભા હતા. કયા માર્ગે જવું તે સ્પષ્ટ ન હતું. પરંતુ આજે પ્રાકૃતિક કૃષિનો રાજમાર્ગ નિશ્ચિત છે. આપણે નેચરલ ફાર્મિંગના નેશનલ હાઇવે પર ઉભા છીએ. આજથી આપણે આપણા કામને વિશેષ ગતિ આપવાની છે. તમામ અધિકારીઓ પ્રાકૃતિક કૃષિમાં પ્રશિક્ષણના મહત્વને સમજે. તમામ ગામોમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બને તેવા પ્રયત્નો કરે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ અને વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ થાય તેવા પ્રયત્નો કરે.

પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ વેચાણ કેન્દ્રો શરૂ કરવા અનુરોધ

રાજ્યના તમામ કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથેની પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કલેકટર્સ-ડીડીઓને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ફાર્મની નિયમીત મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. ખેડૂત પ્રોત્સાહિત થશે અને અન્ય ખેડૂતોને પ્રેરણા મળશે એમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અભિયાન આખા રાજ્યનું અભિયાન છે. આ કામને સૌએ વિશેષ ગંભીરતાથી લેવું પડશે.

પ્રાકૃતિક ખેત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાના આઠથી દસ વેચાણ કેન્દ્ર, દરેક તાલુકામાં ચાર વેચાણ કેન્દ્ર અને દરેક શહેર અને મોટા ગામોમાં એક-એક વેચાણ કેન્દ્ર શરૂ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો.

કૃષિ સખીને પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ આપીને સખી મંડળની કિસાન બહેનોને એક-એક ગામની જવાબદારી સોંપીને અન્ય કિસાન મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું કામ સોંપાશે. એક ગામ દીઠ બે બહેનોને જવાબદારી સોંપવાનું પણ વિચારાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત રાજયના ચેરીટી તંત્ર દ્વારા બોટાદ અને ગીર સોમનાથ ખાતે ચેરીટી કમિશ્નરની કચેરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાજેતરમાં લોકાર્પણ કરાયું  
Next articleઅમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન ૩૦ કેન્દ્રો પર ૮૨,૩૬૩ જેટલા લોકોએ ઈવીએમ-વીવીપેટના નિદર્શનનો લાભ લીધો