Home ગુજરાત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ...

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

78
0

(G.N.S) dt. 9

પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને  રાજ્યપાલના હસ્તે ડિગ્રી – સર્ટિફિકેટ એનાયત કરાયા

જીવનમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની અપીલ

કાર્યક્ષેત્રમાં ટીમવર્કથી કામ કરી સમાજમાં ખુશીનું વાવેતર કરજો : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની  ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે.અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં- જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવી વિદ્યાનો પરમાર્થ, સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે માતા-પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓ શુભકામનાઓ પાઠવી હતી.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતાં ધન્યતા અનુભવી હતી. આજનો દિવસ આપણા સૌના માટે સદભાગ્યનો દિવસ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સાંન્નિધ્ય વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહેશે એમ જણાવી તેમના આશીર્વાદ અને આશીર્વચનને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, જેમ મધમાખી ફુલોમાંથી રસ કાઢી મધ બનાવે છે એમ  પશુપાલકોના પરિશ્રમથી બનાસ મેડિકલ કોલેજ બની છે. આ લાખો પશુપાલકોના આશીર્વાદ સદાય તમારા પર રહેશે એમ જણાવી જ્યાં કામ કરો ત્યાં ટીમવર્કથી કામ કરવા અને ખુશીઓનું વાવેતર કરવા જણાવી અધ્યક્ષશ્રીએ લોકોના જીવનમાં સેવા રૂપી દીપ પ્રજ્વલિત કરવાના અનુરોધ સાથે શુભાશિષ પાઠવ્યા હતા.

આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોર પોરિયા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના કુલપતિશ્રી આર.એમ ચૌહાણ સહિત ડીરેક્ટર્સ, ફેકલ્ટીઝ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડીકલ કોલેજની ૨૦૧૮ની પ્રથમ બૅચનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીની અક્બાની નગમા રફીકભાઈએ ૯૦૦ ગુણમાંથી ૬૫૭ ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશકલગીમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચેટીચંડ પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleગાંધીનગર શહેર સહિત જિલ્લાના મોટા શોપીંગ મોલ ખાતે અવશ્ય મતદાન કરવા ગ્રાહકોને શપથ લેવડાવવામાં આવ્યા:- વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટણી પર્વમાં સહભાગી થવા નાગરિકોને પ્રેરિત કરાયા