Home ગુજરાત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે...

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે “ઝેરમુક્ત ખેતીની” તાલીમ શિબિર યોજાઇ

16
0

જંગલમાં વૃક્ષોનો પ્રાકૃતિક રીતે વૃદ્ધિ-વિકાસ થાય છે; એ જ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એટલે પ્રાકૃતિક કૃષિ- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રી એ કહ્યું હતું કે,

•           રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો મજબૂત વિકલ્પ એટલે પ્રાકૃતિક કૃષિ

•           પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પર્યાવરણ તેમજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ

(જી.એન.એસ),તા.૧૯

મહેસાણા,

દેશી ગાય પરમાત્માનું વરદાન છે તેમ જણાવી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી. પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે. પ્રાકૃતિક કૃષિને સરળ શબ્દોમાં સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જંગલમાં જેમ વૃક્ષ-વનસ્પતિઓનો રાસાયણિક ખાતર કે જંતુનાશક વિના પ્રાકૃતિક રીતે વૃધ્ધિ-વિકાસ થાય છે; એ જ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એટલે પ્રાકૃતિક કૃષિ.

પ્રાકૃતિક ખેતીને પર્યાવરણ તેમજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો એક મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં ખેતી થઇ શકે છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, કૃષિ ઉત્પાદન ઘટતું નથી. દેશી ગાયનું જતન અને સંવર્ધન થાય છે. પાણીની બચત થાય છે. કૃષિ ખર્ચ નહિવત્ આવવાથી અને સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડુતોને ફાયદો થાય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ, ગૌ-મુત્રથી બનતા જીવામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે. ગાયના છાણ-ગૌ મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે કલ્ચર સ્વરૂપે કાર્ય કરે છે. આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવામાં આવે છે જેને મલ્ચીંગ કહેવાય છે. મલ્ચીંગને કારણે જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે, જેથી પાણીની જરૂરિયાત ઓછી થાય છે. મલ્ચીંગથી નિંદામણથી સમસ્યાનો હલ થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને  દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતુ કે , પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે, પ્રાકૃતિક કૃષિ થકી લોકો સ્વસ્થ બને અને ખેડૂતો સમૃદ્ધ બને તેમ જણાવી તેમણે ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે વિદેશથી રૂ. ૨.૫૦ લાખ કરોડની કિંમતનું રાસાયણિક ખાતર આપણા દેશમાં આયાત કરવું પડ્યું, તેવી ચિંતાજનક વાસ્તવિકતાને જણાવીને તેમણે ઉપસ્થિત ખેડૂતોને ધરતીમાતાનું ઋણ ચૂકવવા અને રાસાયણિક ખાતર થકી ઝેર ન પીરસવા ખેડૂતોને અપીલ કરી હતી.

પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિધ્ધાંતોને સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે અળસિયાં જમીનમાં અસંખ્યા છીદ્રો બનાવી જમીનને નરમ બનાવે છે. માટીમાં રહેલાં જટીલ ખનીજ તત્વોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જેનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે અને છોડને પોષણ મળે છે. અળસિયાંએ બનાવેલાં અસંખ્ય છીદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનનાં ઉતરે છે અને કુદરતી રીતે જળસંચય થાય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આઝાદી સમયે ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવી તે સમયની જરૂરિયાત હતી. આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ-જમીન અને પર્યાવરણ દુષિત થયા છે. ગ્લોબલ વાર્મિગની વૈશ્વિક સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24 ટકા જેટલો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગને કારણે જમીનનો આર્ગેનિક કાર્બન સતત ઘટતો રહ્યો છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી દુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં દિનપ્રતિદિન ખર્ચ વધી રહ્યો છે જ્યારે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

પ્રાકૃતિક કૃષિ અને જૈવિક ખેતીને સાવ અલગ ગણાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વર્મી કમ્પોસ્ટના નિર્માણનો ખર્ચ વધુ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતો માટે ઓર્ગેનિક કૃષિ વિશેષ લાભદાયી નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌ મુત્રની મદદથી બનતા જીવામૃત -ઘન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવોની અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન વધે છે. કૃષિ ખર્ચ ઘટે છે. કૃષિ ખર્ચ નહિવત અને ઉત્પાદન પૂરતુ મળવાને કારણે આ પધ્ધતિ ખેડૂતો માટે લાભદાયી છે. 

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, ગુજરાત રાજ્ય કિસાન સંઘના અધ્યક્ષ જગમલભાઇ આર્ય, જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી, ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન શ્રી વિનોદભાઇ પટેલ, કડી માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી રાજેન્દ્ર પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઇ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પરમાર, કિસાન સંઘના અગ્રણીઓ, કિસાન સંઘ સાથે જોડાયેલ ખેડૂતો મિત્રો સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪નો આરંભ કરાવ્યો
Next article‘શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની’ ૧૩૬મી જન્મજયંતી