(જી.એન.એસ) અમદાવાદ,તા.૨૧
રાજ્યમાં કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં વસવાટ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં પણ કેટલાક કર્મચારીઓ લાંબી રજાઓ ભોગવતા હોવાના કિસ્સા ધ્યન પર આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે તમામ વિભાગોને લાંબી રજા ભોગવતા કર્મચારીઓની તપાસ કરવાના આદેશ અપાયા હતા દરમિયાન ડીજીપી કચેરી દ્વારા પણ કમિશનર અને એસપી કચેરી પાસે પણ પોલીસ કર્મચારીઓની લાંબી રજાઓની વિગતો માગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સરકારી સ્કુલોમાં નોકરી કરતા શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ગયા હોવાની ઘટનાથી સફાળી જાગેલી સરકારે તમામ વિભાગો પાસેથી લાંબી રજા ઉપર તેમજ વિદેશ ગયેલા સરકારી બાબુઓની માહિતી મંગાવી છે. જેના ભાગરૂપે હવે ડીજીપી કચેરી દ્વારા પણ લાંબા સમયથી બિમારી સહિતના કારણોથી રજા ઉપર ગયેલા પોલીસ કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે. ડીજીપી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ વિભાગના જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે, તેઓ કેટલા સમય થી રજા ઉપર છે, અને ક્યારે પાછા આવવાના છે તેની માહિતી મંગાવવામાં આવી છે. ડીજીપી કચેરી દ્વારા તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપી પાસે માહિતી મંગાવવામાં આવી છે. જેમાં લાંબા સમયથી રજા ઉપર ગયેલા પોલીસ અધિકારી – કર્મચારીઓની માહિતી મગાવવાનું શરૂ કર્યું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસ ખાતામાં મોટા ભાગના કર્મચારી – અધિકારી સીક લીવ (પોતાની અથવા તો પરિવારના સભ્યોની બીમારીના બહાને) લાંબી રજા ઉપર ઉતરી જાય છે. ત્યારબાદ તે ક્યાં જાય છે, ક્યાં ફરે છે, શું કરે છે, તે કોઈ જોતું જ નથી. જેથી લાંબા સમયથી સીક લીવ પર ગયેલા પોલીસ અધિકારી – કર્મચારીઓની માહિતી પણ મંગાવવામાં આવી છે. જ્યારે જે પોલીસ અધિકારી – કર્મચારી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે. તેઓ પણ કેટલા સમયમાં પાછા આવવાના હતા અને નથી આવ્યા તો શા માટે નથી આવ્યા તે માહિતી પણ મંગાવવામાં આવી છે. ઉપરાંત દારૂ-જુગારના ધંધાવાળા સાથે સાંઠગાંઠ ધરાવતા કે અન્ય કોઈ વિવાદમાં સપડાયેલા પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે બીજા જિલ્લામાં બદલી કરવામાં આવે છે. જો કે આવા પોલીસ કર્મચારીઓ પણ તેમના વતન કે કાર્યક્ષેત્ર વાળી જગ્યાએ પડ્યા પાથર્યા રહે છે અને નોકરી પર જતા જ નથી. જેથી આવા પોલીસ કર્મચારીઓ સૌથી વધારે રજા ઉપર રહેતા હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.