Home ગુજરાત રાજેન્દ્ર ત્રિવેદી આટલી મોટી સજા માટે તૈયાર નહોતા, ભાજપે હોળીનું નાળિયેર બનાવી...

રાજેન્દ્ર ત્રિવેદી આટલી મોટી સજા માટે તૈયાર નહોતા, ભાજપે હોળીનું નાળિયેર બનાવી દીધા…!?

3117
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.16
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના બે ધારાસભ્યોને મારામારી અને ગેરવર્તન બદલ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિર્ણયની હવે સમીક્ષા થઇ રહી હોય તેમ તેમણે વિધાનસભાના નિયનની ઉપરવટ જઇને સજા ફટકારી હોવાનું કોંગ્રેસના નેતાઓ માની રહ્યાં છે. તો આટલી મોટી સજા માટે અધ્યક્ષ તૈયાર ન હોવાથી કહેવાય છે કે અધ્યક્ષ રાજીનામુ આપવા માંગે છે એવી અટકળો માધ્યમોમાં વહેતી કરીને અધ્યક્ષને પરોક્ષ રીતે નિર્દેશો અપાયા કે જો કોંગ્રેસના બે ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ નહીં કરો તો અધ્યક્ષપદેથી દૂર કરવામાં આવશે. અટકળો એવી શરૂ થઇ છે કે ભાજપના કેટલાક પરિબળોએ આ રીતે અધ્યક્ષ પર દબાણ લાવીને નિર્ણય લેવડાવીને તેમને હોળીનું નાળિયેર બનાવ્યું હોવાનું મનાઇ રહ્યું છે.
ગાંધીનગર અને વિધાનસભામાં રાજકીય વર્તુળોમાં થઇ રહેલો ગણગણાટ દર્શાવે છે કે વિધાનસભાના નિયમ-52(2)માં જોગવાઇ છે કે સભ્યને ગેરવર્તન માટે વધુમાં વધુ સત્ર સમાપ્તિ સુધી જ કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી શકાય. જ્યારે અધ્યક્ષ ત્રિવેદીએ 3 વર્ષ એટલે કે 6 સત્ર સુધી તેમને કાર્યવાહીમાંથી બાકાત રાખવાની મોટી સજા ફટકારી છે. કોંગ્રેસના લીગલ સેલ દ્વારા અધ્યક્ષના આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની વિચારણા ચાલે છે. જે અટકળો વહેતી થઇ છે તે મુજબ કોંગ્રેસના જે બે ધારાસભ્ય અને ખાસ કરીને પ્રતાપ દૂધાતે જગદીશ પંચાલ પર માઇકની સાથે જોડાયેલ પટ્ટાથી હુમલો કર્યો તેનાથી અધ્યક્ષ પોતે ચોંક્યા હતા. વિધાનસભાના નિષ્ણાતો દ્વારા કહેવાય છે કે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું કે નિયમ મુજબ સત્ર પૂરુ થાય ત્યાં સુધી જ બરતરફ કરી શકાય. પરંતુ શાસક પક્ષ દ્વારા દરમ્યાનમાં અધ્યક્ષને ચેમ્બરમાં મળીને 3 વર્ષ માટે બરતરફ કરવાની રજૂઆત થઇ. અટકળો મુજબ અધ્યક્ષ ભલે નવા છે પરંતુ તેઓ નિયમોથી બંધાયેલા છે એમ તેમને નિયમોના જાણકારોએ કહ્યું જ હશે તેમ છતાં ભાજપના એક જુથ દ્વારા કોંગ્રેસને બરાબર પાઠ ભણાવવા માટે બે ધારાસભ્યોને 3 વર્ષ માટે બરતરફ કરવા અધ્યક્ષને કહેવામાં આવ્યું.
વર્તુળોએ કહ્યું કે અધ્યક્ષ એક અનુભવી વકીલ છે. તેથી તેઓ નિયમની વિરૂધ્ધ જઇને રૂલીંગ આપવાના મતના નહોતા. તેઓ જાણે છે કે અધ્યક્ષ દ્વારા અપાયેના નિર્ણયો કાયમી અને આગામી અધ્યક્ષો માટે માર્ગદર્શક સમાન હોતા હોય છે. તેથી જો તેઓ આટલી મોટી સજા આપશે તો કાલે કોંગ્રેસ સત્તામાં આવશે તો વિપક્ષ ભાજપને પણ આ જ રૂલીંગ ટાંકીને 3 વર્ષ માટે બરતરફ કરી શકે. અને તે વખતે તેમનું નામ વગોવાય. આ બધી મથામણ વચ્ચે મિડિયામાં મેસેજ શરૂ થયા કે અધ્યક્ષ ખૂબ જ દુખી થયા છે અને રાજીનામુ આપવા માંગે છે. વર્તુળોનું માનવુ છે કે વાસ્તવામાં સ્થિતિ તેનાથી અલગ હતી. આમ આવા મેસેજ દ્વારા અધ્યક્ષ પર દબાણ લાવીને બે ધારાસભ્યોને 3 વર્ષ માટે બરતરફ કરવાના નિર્ણયમાં કહેવાય છે કે ભાજપે અધ્યક્ષને હોળીનું નાળિયેર બનાવીને ઓછી બેઠકો છતાં કોંગ્રેસને બરાબરનો ફટકો માર્યો છે. જો કોંગ્રેસ તેને કાયદાના અદાલતમાં પડકારશે તો સમગ્ર બાબત લોકાયુક્તની નિમણૂંક માટેના કાયદાકીય લડતની જેમ રસપ્રદ બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆપણે જ રોડ છાપ નેતાઓને વિધાનસભા-લોકસભામાં મોકલીએ છીએ એમાં માઠુ ન લગાડાય……
Next articleગુજરાતના ખેડૂતો પાણીચોર..!?, કેનાલો પર પોલીસ પહેરો…!!!