(જી.એન.એસ),તા.૧૩
રાજસ્થાન
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાત ફેરા લીધા બાદ દહેજની માંગણી પૂરી ન થતા નવવધૂઓને લીધા વગર જ જાન પાછી જતી થઈ હતી. આથી ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આ બાબતે કોઈ નિરાકરણ ન આવતા તકલીફમાં મુકાયેલા દૂલ્હનના પરિવારજનો પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ત્યાં વરરાજાના પરિવાર સામે દહેજનો કેસ નોંધાવ્યો હતો. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. બયાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિકંદરા ગામની છે. સિકંદરાના રહેવાસી શિવશંકર અને તેના ભાઈ હરિશંકરની પુત્રીઓના લગ્ન ૧૦ મેના રોજ થયા હતા. આ લગ્નમાં જાન ગઢી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુરાથી આવી હતી. જાનૈયા અને વરરાજા ગૌરવ તથા પવનનું દૂલ્હનના પરિવારજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. લગ્નની તમામ વિધિઓ આનંદથી હસતાં હસતાં વિધિ વિધાન સાથે થઈ હતી. રાત્રે બંને દીકરીઓના સાત ફેરા થયા હતા. બંને દૂલ્હનના પિતાએ મળીને દહેજમાં બાઇક, સોનાના દાગીના, ઘરવખરીનો સામાન અને ફર્નિચર આપ્યું હતું. બીજા દિવસે સવારે ૧૧ મેના રોજ જાન વિદાય થવાનો સમય થયો, ત્યારે વરરાજાના પિતા જલસિંહ અને ઉદયસિંહે તેમના ભાઈ અને અન્ય સંબંધીઓ સાથે મળીને કન્યાના પિતા પાસે દહેજની માંગણી કરી હતી. તેમણે દહેજમાં બે બાઇક અને સોનાના દાગીના સહિત ૫ લાખ રૂપિયા માંગ્યા હતા. આટલું અપાશે તો જ બંને દૂલ્હનોને લઈ જશે તેવી ચીમકી આપી હતી. આનાથી દૂલ્હનના પરિવારના સભ્યો આઘાતમાં આવી ગયા હતા. તેમણે વરરાજાના પરિવારોને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જીદે ચડ્યા હતા. દૂલ્હનના પિતાએ દહેજની માંગ પૂરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી તો વરરાજા અને તેનો પરિવાર દૂલ્હનોને લીધા વિના જાન લઈને પરત ફર્યા હતા. હવે બયાણા પોલીસ સ્ટેશન સમગ્ર કેસની તપાસ કરી રહ્યું છે. આ ઘટનાને કારણે દૂલ્હનના લગ્નમાં આવેલા સંબંધીઓ પણ ખૂબ ભાવુક થઇ ગયા હતા, પરંતુ તેઓ કંઇ કરી શક્યા ન હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.