ગાંધીનગરના ચીલોડા સર્કલથી 15 મોબાઇલ સાથે શંકાસ્પદ હાલતમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતા. આ ઈસમની પોલીસ દ્વારા કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આંતર રાજ્ય મોબાઇલ ચોરીનું ષડ્યંત્ર બહાર આવ્યું છે. રાજસ્થાનથી મોબાઇલ ચોરીને અમદાવાદમાં વેચી મારવાના ષડ્યંત્રમાં રાજસ્થાનનાં અન્ય એક ઈસમનું પણ નામ ખુલ્યું છે. આ અંગે ચીલોડા પોલીસે રૂ. 1.51 લાખના મોબાઇલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજકાલ મોબાઈલ ચોરીની ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. ચોર દ્વારા ફોન સસ્તા ભાવે વેચી નખાય છે. મોંઘા ફોન મોટાભાગે રાજ્યબહાર વેચવામાં આવે છે.
તો આઈફોન જેવા મોંઘા મોબાઈલના પાર્ટ ખોલીને વેચી નાખવામાં આવે છે. રાજ્યબહાર ફોન વેચ્યા પહેલા તેનો આઈએમઈઆઈ નંબર બદલી નાખવામાં આવે છે. ચોર માત્ર નજીવો ખર્ચ કરી આઈએમઈઆઈ નંબર બદલી નાખે છે. આઈએમઈઆઈ નંબર બદલાઈ જાય પછી તે ફોન પરત મળવાની કોઈ સંભાવના નથી. ત્યારે ચીલોડા પોલીસે આંતર રાજય મોબાઇલ ચોરીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારી સર્વેલન્સ સ્કવોર્ડની અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે મોટા ચીલોડા સર્કલથી અમદાવાદ તરફ જતાં હાઇવે રોડ ઉપરથી 19 વર્ષના ઈન્દરકુમાર પ્રવેશલાલા મંડલને (હાલ રહે.રૂમ નં.42, સિંધી કોલોની, જયપુર રાજસ્થાન મુળ. ઝારખંડ) અલગ અલગ કંપનીના રૂ. 1.51 લાખની કિંમતના સ્માર્ટ મોબાઇલ ફોન નંગ – 15 સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો.
આ મોબાઇલ ફોન અંગે તેની કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવતા તેણે કબુલાત કરી કરી હતી કે, સોનુકુમાર વિજય મહંતો (હાલ રહે.22 ગોદામ જયપુર રાજસ્થાન મુળ રહે, ઝારખંડ) સાથે મળી જયપુર સીટી રાજસ્થાનના અલગ અલગ સ્થળોથી તમામ મોબાઇલ ફોનની ચોરી કરી હતી અને આ મોબાઇલ અમદાવાદ ખાતે વેચવા માટે નિકળ્યો હતો.
જેનાં પગલે પોલીસે રાજસ્થાન જયપુર શહેર પોલીસનો સંપર્ક કરી ખાત્રી તપાસ કરતા મોબાઇલ ચોરી અંગે જયપુર એરપોર્ટ અને પ્રતાપનગર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થયેલી છે. આથી ચીલોડા પોલીસે ઈન્દરકુમાર મંડલની ધરપકડ કરી ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.