Home ગુજરાત રાજકોટ જિલ્લામાં સદી વટાવી ચૂકેલા શતાયુ મતદારો અને લાકડીના ટેકે મતદાન કરવા...

રાજકોટ જિલ્લામાં સદી વટાવી ચૂકેલા શતાયુ મતદારો અને લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા

43
0

સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને વૃધ્ધો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જોમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જોવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી રહ્યા છે. રાજકોટમાં લાખાજીરાજ રોડ ઉપર રહેતા મેહુબેન જોગરાણાએ 100 વર્ષની ઉંમરે મતદાન કરીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી અને પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો હતો. મેહુબેનને આંખે ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે અને તેઓ બરાબર રીતે ચાલી પણ શકતા નથી છતાં પણ મેહુબેન મતદાન કરવાનું ચૂક્યા ન હતાં.

જ્યારે 80 વર્ષીય નટવરલાલ ભોજાણી તો સીધા હોસ્પિટલમાંથી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા ઘરે જવાને બદલે તેઓ સીધા મતદાન મથકે પહોંચ્યા હતા. પ્રથમ તબક્કામાં અનેક બૂથ પર બુઝુર્ગ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો મતદાન માટે આવી રહ્યા છે ત્યારે એનએસએસના 877 વોલેન્ટિયર્સ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એનએસએસના વોલેન્ટિયર્સ વિવિધ મતદાન બૂથ પરની કામગીરી અંગે શિક્ષણ વિભાગ, સમાજ સુરક્ષા તેમજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના 93 વર્ષીય વિરજીભાઈ 18 વર્ષના યુવાનની જેમ મતદાન માટે ઉમટ્યા હતા.

મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્ય પ્રેરિત કર્યા હતા. આ તકે વીરજીભાઈએ જણાવ્યું કે, બાપલિયા મતદાન તો કરવું જોઈએ ને.. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. રક્તદાન, આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જોઈએ. આ સાથે 75 જેટલા કર્મચારીઓ પણ વોલિયન્ટર્સની મદદમાં મુકવામાં આવ્યા છે. આ સ્વયંસેવકો વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદાતાઓને જરૂર પડ્યે, વ્હીલચેર સાથે મતદાન રૂમ સુધી લઈ જવામાં, પાણી પીવડાવવા સહીત આનુસંગિક મદદરૂપ બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મતદાન બૂથ પર વ્હીલચેર સહિતની સુવિધા રાખવામાં આવી છે, તો વડીલો મતદાન કરવા આવે ત્યારે સુરક્ષા જવાનો પણ તેમને ટેકો આપીને મતદાન મથક સુધી દોરી જતા હોય છે. યુવાઓના ઉત્સાહને ઝાંખો પાડે તેવા ઉત્સાહ સાથે સિનિયર સીટીઝન એવા પ્રમોદરાય દોશી તેમનાં ધર્મપત્ની મનોરમાબેન દોશી સાથે સ્ટીકના ટેકે મતદાન માટે પહોંચ્યા હતા અને સપરિવાર મતદાન કર્યું હતું. તેઓને પોલીસ સ્ટાફના નેહલબેન મકવાણાએ મતદાન રૂમ સુધી પહોંચવામાં સહાયતા કરી માનવતા મહેકાવી હતી. આ બુથ ઉપર મતદાનના પ્રારંભથી જ મતદાન કરવા માટે યુવાનો, ગૃહિણીઓ, વડીલો સહિતના મતદાતાઓ મતદાન માટે ઉમટી પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ બુથ ઉપર 418 પુરુષ મતદારો અને 320 મહિલા મતદારો સહિત કુલ 738 મતદારો નોંધાયેલા છે. જેમાં 1 શતાયુ મતદાર એવા 115 વર્ષનાં કમુબેન ડેરૈયાનો પણ સમાવેશ થાય છે. જેઓએ ચૂંટણી પંચની આગવી પહેલસમી ઘરે બેઠા ટપાલ મતપત્ર સેવાના ઉપયોગથી મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 10,357 મતદાતાઓ નોંધાયેલા છે. જે પૈકી સૌરાષ્ટ્ર અને કચ્છ એમ 12 જિલ્લાઓમાં 3866 મતદારો છે.

આ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે. સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં 628 શતાયુ મતદારો, રાજકોટ-527, કચ્છ 444, જુનાગઢ-395,અમરેલી-372,જામનગર-298,ગીર સોમનાથ-297 ,સુરેન્દ્રનગર-297,મોરબી-175, દેવભૂમિ દ્વારકા-174,બોટાદ-168 અને પોરબંદર જિલ્લામાં 109 મતદારો સો વર્ષની આયુ ધરાવે છે. આમ જોઇએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 628 અને સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 109 મતદારો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણ પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈને સમર્થન જાહેર કરી વિજયના આશીર્વાદ પાઠવ્યાં
Next articleડોલવણમાં શાળામાં બાખડતાં બે પોલીસ કર્મીઓ સામે પોલીસ કર્મીએ જ ફરિયાદ નોંધાવી