રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે હનુમંત જન્મ મહોત્સવની ભાવભર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 5 વર્ષથી માંડી 95 વર્ષ સુધીના 70 હજારથી પણ વધુ લોકો ‘જયશ્રી રામ’ના ગીત પર ઝૂમ્યા હતા. એક તરફ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી ઠેર ઠેર 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ હજારો લોકોએ એકઠા થઈ 31મી ડિસેમ્બરની ઉજવણી હનુમંત જન્મોત્સવમાં ભાગ લઈ કરી હતી. અનેક લોકો પોતાનાં બાળકોમાં વીર હનુમાન જેવા ગુણો વિદ્યમાન થાય તે માટે પોતાનાં બાળકોને હનુમાનજી મહારાજ જેવા પોશાક પહેરાવી કથા સ્થળે લાવ્યા હતા.
આ તકે અનેક સંપ્રદાયના સંતો-મહંતોએ હાજરી આપી હતી. હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની ગદા આકારની કેક દાદાને ધરાવવામાં આવી હતી અને સાથે 108 કિલો પુષ્પની વર્ષા હનુમંત દાદા, તેમજ સંતો અને ભક્તો પર કરવામાં આવી હતી. દાદાને ભવ્યાતિભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ આજના દિવસે 51 કિલો ચોકલેટ પણ દાદાને ધરાવવામાં આવી હતી. દાદાનો જન્મોત્સવ હોય જેના કારણે સભા મંડપને ફૂલો તેમજ ફુગ્ગાથી પણ સજાવવામાં આવ્યો હતો. કથા વક્તા હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આ જગતમાં કહેવાય છે કે રંગીલું રાજકોટ, પણ આજે પ્રત્યેક્ષ જનતાએ રાજકોટ રંગીલું હોવાનું દેખાડ્યું છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આજનો આપણો યુવાન ખોટા રસ્તે ચડી થર્ટી ફર્સ્ટ ઊજવતો હોય છે. ત્યારે રંગીલા રાજકોટે સાબિત કરી બતાવ્યું છે કે, આપણા સંસ્કાર, આપણી પરંપરા આ છે. આજે રાજકોટમાં દાદાના નામથી થર્ટી ફર્સ્ટ ઊજવાય છે. 2023નું વર્ષ પણ દાદાના નામથી આધ્યાત્મિક રીતે શરૂ કર્યું છે. દાદાના જન્મોત્સવમાં રેસકોર્સ ગ્રાઉન્ડ નાનું પડી ગયું હતું. 5 વર્ષના બાળકથી લઈને 95 વર્ષના દાદા સુધીના લોકો હનુમાન જન્મોત્સવમાં ભાવથી નાચતા હતા. આ જે આનંદ હતો તે આધ્યાત્મિક હતો. આનો થાક ન લાગે, દિવસે ને દિવસે આ આનંદ વધતો જાય છે. હરિપ્રકાશદાસ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે હિન્દુ સંસ્કૃતિના યુવાનો છીએ.
આપણે કોઈનું ખરાબ પણ ઇચ્છતા નથી પણ આપણું એટલું બધું સારું છે કે બીજાનું સ્વીકાર કરવાની જરૂર પણ નથી. ભગવાન કૃષ્ણ પણ કહી ગયા છે કે, પોતાના ધર્મની અંદર જે કાંઈ હોય તેમાં જ રહેવું. આજના યુવાનોને એટલી જ અપીલ કરીશ કે આપણે જો આપણા મૂળને જ વળગી રહેશું તો કોઈની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. તમારે પ્રગતિ કરવી હોય તો હનુમાન ચરિત્ર વાંચજો. રાજકોટના યુવાન હાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે અલગ અલગ જગ્યા પર નવી નવી જગ્યાએ 1500થી 2000 રૂપિયા ખર્ચી પાસ ખરીદ કરી જતા હતા.
જો કે મારા જેવા મોટાભાગના બધા લોકો એ ભૂલી ગયા હતા કે આ આપણું નવું વર્ષ નથી. આજે રાજકોટમાં ચાલતી હનુમાન ચાલીસા કથામાં હનુમાન દાદાનો જન્મોત્સવ હતો, માટે અમે 31 ડિસેમ્બરની ઉજવણી રેસકોર્સ મેદાન ખાતે હનુમાન જન્મોત્સવમાં કરી હતી. ત્યાં અમે ગરબે ઘૂમી કેક કાપી હતી અને છેલ્લે સુધી ભગવાન શ્રી રામ અને હનુમાનજીનાં ભજન, ગીતો સાથે આજના દિવસની ઉજવણી કરી હતી. સંપૂર્ણ માહોલ અતિ ધાર્મિક બની ગયો હતો. જો કે મેં મારી લાઈફમાં આવી થર્ટી ફર્સ્ટની ઉજવણી ક્યારેય કરી નથી.
ઉજવણીમાં અતિ આનંદ આવ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત યુવાનો 31મી ડિસેમ્બરની ઉજવણી પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહેલા લોકોને એક સારો સંદેશો પાઠવી ભારતીય સંસ્કૃતિને વળગી રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવમાં એકસાથે 70 હજારથી પણ વધુ લોકો જોડાયા હતા. રેસકોસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આજે લોકો ઊમટી પડ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.