શહેરની ભાગોળે આજી ડેમ નજીકના યુવરાજનગરમાં રહેતા યુવકની સવારે ગઢકામાં ગળું કાપેલી લાશ મળી હતી, પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર મૃતકના ત્રણ સાળાને ઝડપી લીધા હતા, યુવકે એકાદ વર્ષ પૂર્વે તેની કૌટુંબિક ભત્રીજી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખી તેના સાળાઓએ કાસળ કાઢી નાખ્યું હતું.
યુવરાજનગરમાં રહેતો અને ફાઇનાન્સનું કામ કરતો કરમશી રૂખડભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) તેના વતન ગઢકા ગામમાં આવેલા મંદિરે શ્રીફળ વધેરવા અને પૂજા કરવા સાંજે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને સવારે ગઢકામાં મંદિર નજીકથી તેની ગળું કપાયેલી લાશ મળી હતી.
બનાવ અંગે આજી ડેમ પોલીસે કરમશીની પત્ની હીનાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કરમશીએ તેની કૌટુંબિક ભત્રીજી હીના સાથે પ્રેમ થતાં એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરી લીધા હતા અને ૧૧ દિવસ પૂર્વે જ હીનાએ પુત્રીને જન્મ આપ્યો હતો.
કૌટુંબિક ભત્રીજી સાથે પ્રેમલગ્ન કરવાને કારણે યુવતીના પરિવારજનોએ કરમશી સાથે કોઇ સંબંધ રાખ્યા નહોતા અને આ મામલે અગાઉ માથાકૂટ થઇ હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. પોલીસે શંકાના આધારે હીનાના ભાઇ અમિત અમરશી રાઠોડને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી,
શરૂઆતમાં તો અમિતે પોતે ઘટના અંગે અજાણ હોવાનું રટણ રટ્યું હતું પરંતુ પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા અમિતે હત્યાની કબૂલાત આપી હતી અને હત્યામાં તેનો મોટોભાઇ અમિત તથા સગીરવયનો કૌટુંબિકભાઇ પણ સામેલ હતા, પોલીસે અમિત સહિત ત્રણેયની ધરપકડ કરી હતી.
કરમશી તેનો કૌટુંબિક કાકા થતો હતો, કરમશીએ કૌટુંબિક ભત્રીજી હીનાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા, કાકા ભત્રીજીના લગ્નને કારણે સમાજમાં બદનામી થતાં કરમશી અને હીના સાથે સંબંધ તોડી નાખ્યા હતા, અને કરમશીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
સાંજે અમિત ગઢકામાં મંદિરે પૂજાપાઠ કરવા ગયો હતો ત્યારે કરમશીનો ભેટો મંદિરે થઇ જતાં અમિતે તેના બે ભાઇને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્રણેયે મળી છરીના ચાર ઘા ઝીંકી ગળું કાપી નાખ્યું હતું. અને લાશને મંદિર નજીક ચેકડેમના પાણીના પ્રવાહમાં નાખી દીધી હતી.
પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી કબજે કરવા તેમજ અન્ય મુદ્દે તપાસ કરવા આરોપીને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.