ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પુર્ણ થતાની સાથે જ નવી સરકારે કાર્યભાર સંભાળી લીધા બાદ રાજકીય માહોલ ઠંડો પડી ગયો છે. જો કે બીજી તરફ નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ રાજકોટ જીલ્લા સહકારી બેંકના હોદેદારોની નિમણુંકમાં સતત ત્રીજી વખત ચેરમેન પદે જયેશ રાદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો છે. જયારે વાઇસ ચેરમેન પદે મગનભાઈ વડાવીયાની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્ર પર મોટાભાગે જયેશ રાદડીયાનો જ કબ્જો છે તેમના વડપણ અને માર્ગદર્શન હેઠળ જ ચૂંટણી થાય છે અને તેનુ જ વર્ચસ્વ છે પરંતુ ગત વખતની ચૂંટણીમાં ખેંચતાણ તથા પાર્ટી નેતાગીરીની દરમ્યાનગીરી જેવા ઘટનાક્રમો થયા હોવાથી હોદેદારોની ચૂંટણી પર પણ સહકારી આગેવાનો નજર તાકવા લાગ્યા છે.
અઢી વર્ષ પુર્વે યોજાયેલી ચૂંટણીમાં પણ જયેશ રાદડીયાએ બીનહરીફ થયા હતા અને નવી ટર્મમાં પણ તેઓ જ સુકાની બન્યા છે. તેમને જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં પણ ખેડૂતો માટે ફરી મોટી જાહેરાતો થશે, જિલ્લા બેન્ક ખેડૂતોની સાથે છે અને અમે ખેડૂતો માટે કામ કરીશું. પાંચ વર્ષની મુદત ધરાવતી સરકારી સંસ્થાઓમાં હોદેદારોની ટર્મ અઢી વર્ષની છે. દર અઢી વર્ષે ચૂંટણી થાય છે. મોટાભાગે હોદેદારો રીપીટ જ થતા હોય છે પરંતુ છેલ્લા કેટલાંક વખતથી ભાજપે પક્ષીય ધોરણે સહકારીમાં પ્રવેશ કર્યો હોવાથી અને તમામ મુખ્ય નિર્ણયો નેતાગીરી કરતી હોવાથી ઉતેજના વચ્ચે પ્રદેશ ભાજપ તરફથી જે મેન્ડેટ આપી સહકારી બેન્કમાં ફરી ચેરમેન પદે જયેશ રાદડિયા અને વાઇસ ચેરમેન પદે મગનભાઈ વડાવીયાની નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાંકેચા અને પુરુષોત્તમ સાવલિયા જૂથે મોરચો માંડ્યો છે. આ જૂથે ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડને લઇ જયેશ રાદડિયા વિરુદ્ધ રજૂઆત કરી હતી. ભાજપના જ પુરુષોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયાએ ગાંધીનગરમાં સહકાર રજિસ્ટ્રારને જણાવ્યુ હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયું છે. વધુમાં જણાવ્યું હતું કે, આ નિયમથી વિરુદ્ધ ભરતી કરવામાં આવી હતી.
એ પછી કોઈ જાહેરખબર આપ્યા વગર રોજગાર કચેરીમાંથી નામ મગાવ્યા વગર કે કોઈ પ્રકારના ઇન્ટરવ્યુ યોજ્યા વગર દરેક ઉમેદવારની 3 માસના રોજમદાર તરીકે પટ્ટાવાળા તરીકે ભરતી કરાઈ છે. એક વર્ષ બાદ તેને કાયમી કરાતા હતા અને પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવાતા હતા. બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60થી 70 કર્મચારીની ભરતી કરી ઉમેદવાર દીઠ 45 લાખ વસૂલતા હોવાનો ભાજપના આ જૂથે આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા કર્મચારી ભરતીમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરતા હોવાના મુદ્દે હરિફ જુથે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ પ્રકરણમાં અગાઉ હાઈકોર્ટે સંબંધિત પક્ષોને નોટીસ પાઠવીને જવાબ માંગ્યા હતા. આ મામલામાં વધુ સુનાવણી આગામી 10મી જાન્યુઆરીએ થવાની છે.
આગામી બે માસની અંદર રાજકોટ ડેરી તથા લોધિકા સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થશે. જો કે, હજુ તેમાં સમય હોવાથી દરખાસ્ત જેવી પ્રક્રિયા પણ બાકી છે. સહકારી ક્ષેત્રમાં મોટા ભાગે સમજુતીનું જ રાજકારણ થતુ હોય છે. અઢી વર્ષની ટર્મ પછી પણ જે-તે હોદેદાર રીપીટ થતા હોય છે.
પરંતુ હવે સહકારી રાજકારણ પણ ભાજપ નેતાગીરીએ પોતાના હાથમાં લઈ લીધુ હોવાના કારણોસર ઉતેજના-અટકળો શરૂ થઈ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.