(જી.એન.એસ) તા.૩૦
રાજકોટ,
રાજકોટના ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-૨ વિસ્તારમાં છેલ્લા બે માસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવી દેનાર રાજસ્થાનના પાલી જિલ્લાના રાની તાલુકાના રાહુલ ઉર્ફે પંડિત અને તેના પુત્ર બાદલ ને રાજકોટ એલસીબી ઝોન-૨ના સ્ટાફે ઝડપી લેતાં ચાર ઘરફોડી, એક બાઇક ચોરી અને પાંચ મકાનમાં ચોરીની કોશિષ કર્યા સહિતના બનાવોના ભેદ ઉકેલાયા છે. આરોપી રાહુલ ઘરફોડીમાં પાસા તળે રાજકોટ જેલમાં હતો. જ્યારે તેનો પુત્ર બાદલ ઘરફોડીમાં જામનગર જેલમાં હતો. બંને બે મહિના પહેલા છૂટયા હતા. અગાઉ પણ રાજકોટમાં ચોરી કરી ચૂક્યા હોવાથી રાજકોટને ધમરોળવાનું શરૃ કર્યું હતું. બંને રાજસ્થાનથી ખેડા આવ્યા હતા. જ્યાંથી એક બાઇક ચોરી કરી રાજકોટ પહોંચ્યા હતાં. નિર્મલા રોડ પરથી વધુ એક બાઇક ચોરી કરી તેમાં બેસી ચોરીઓ કરવાનું શરૃ કર્યું હતું. બંને આરોપીઓ બાઇક લઇ બંધ મકાનની રાત્રે કે દિવસે રેકી કરતાં, સાથે છરી, કાતર, ગણેશિયો, પકડ, બુકાની અને ટોર્ચ વગેરે પણ રાખતા હતા. રાહુલ માથામાં વિગ અને મોઢે બૂકાની બાંધતો હતો. જ્યારે બાદલ પણ મોઢે બુકાની બાંધી લેતો હતો. રાહુલ ચોરી કરવા જતો જ્યારે બાદલ બહાર વોચ રાખતો હતો. રાહુલ મકાનના દરવાજાનું તાળુ પકડથી તોડી, અંદર ઘૂસી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતો હતો. બંને આરોપીઓએ છેલ્લા બે માસ દરમિયાન છોટુનગર, ગુણાતીતનગર, પૂજા પાર્ક અને છેલ્લે બજરંગવાડીમાં ઘરફોડી કરી હતી. બજરંગવાડીમાં એક સાથે પાંચ મકાનમાં ત્રાટક્યા હતાં. જેમાંથી એક મકાનમાંથી મત્તા મળી હતી. બાકીના ચાર મકાનમાં ફોગટ ફેરો થયો હતો. આ ચાર ઘરફોડી સિવાય બાઇક ચોરી મળી કુલ પાંચ ગુનાના ભેદ ઉકેલાયા છે. આ ઉપરાંત બંને આરોપીએ રૈયા રોડ પરની સૌરભ સોસાયટી, યુનિવર્સિટી રોડ પરની નિલકંઠનગર સોસાયટી, બજરંગવાડી નજીકની પુનિતનગર સોસાયટી, શ્યામનગર સોસાયટીમાં આવેલા બંધ મકાનોમાં ચોરીની કોશિષ કર્યાની પણ કબૂલાત આપી છે. બંને આરોપી પાસેથી એલસીબી ઝોન-૨ના સ્ટાફે રૃા. ૨૦ હજારની કિંમતના ચાંદીના સાંકળા, રૃા. ૧૫૦૦ રોકડા, બે ચોરાઉ બાઇક અને ચોરી કરવાના સાધનો વગેરે મળી કુલ રૃા. ૭૯,૮૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.