(GNS),27
વર્લ્ડકપ 2023ની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે એ પહેલા ભારતે એશિયા કપ પછી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પણ જીત મેળવી લીધી છે. ત્રણ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની અંતિમ મેચ રાજકોટમાં યોજાઈ છે. આ મેચ દરમિયાન મેદાન પર કંઈક નવું જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમનો બેટ્સમેન પીચની પાસે ખુરશીમાં બેઠેલો જોવા મળ્યો હતો. આ જોઈને ઘણાંને આશ્ચર્ય થયું હતું. સામાન્ય રીતે ડગઆઉટમાં ખેલાડીઓ ટેન્ટ નીચે ખુરશી નાખીને બેઠેલા જોવા મળતા હોય છે પરંતુ મેદાનની વચ્ચે જ્યારે સ્ટીવ સ્મિથ બેઠેલો જોવા મળ્યો તેની પાછળ એક રસપ્રદ કારણ છે. રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝની અંતિમ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન પડેલા ડ્રીંક્સ બ્રેકમાં 61 રન પર બેટિંગ કરી રહેલો સ્ટીવ સ્મિથ મેદાનમાં ખુરશી મગાવીને બેસી ગયો હતો. ખેલાડી ગરમીના કારણે એટલો બધો થાકી ગયો હતો કે તે નીચે બેસી શકે તેમ નહોતો અને થોડા આરામની જરુર હતી માટે તેના માટે મેદાન પર ખુરશી લાવવામાં આવી હતી. આ દરમિયાન ગરમીના કારણે તેનું શરીરનું ટેમ્પ્રેચર પણ વધી ગયું હતું..
મેદાન પર ખુરશી સાથે ફિઝિયો પણ પહોંચ્યા હતા અને તેના શરીરને ઠંડું પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ફિઝિયોના હાથમાં રહેલી બેગથી સ્મિથને ચઢેલી ગરમી ઉતારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં તેના માથા પર બેગ મૂકવામાં આવી રહી હતી. જ્યારે સ્મિથને ફિઝિયો દ્વારા મેદાન પર ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી ત્યારે ભારતીય ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. મળતાવળા સ્વભાવના ગણાતા વિરાટ કોહલી આ દરમિયાન માર્નેશ લાબુશેન સાથે વાત કરતો જોવા મળ્યો હતો. કોહલીએ માર્નેશ સાથે મજાક-મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. ભારતે સિરીઝની પહેલી મેચ મોહાલી અને બીજી ઈન્દોરમાં રમાયેલી મેચમાં વિજય મેળવ્યો હતો. આ દરમિયાન કેપ્ટનશીપની કમાન કેએલ રાહુલના હાથમાં હતી. જ્યારે અંતિમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહે કમબેક કર્યું છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોની સાથે આજે રાજકોટમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જોકે, અહીં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે એટલે વરસાદના કારણે મેચ અટકાવવી પડી શકે છે પરંતુ સંભાવનાઓ મુજબ થોડા બ્રેક બાદ ફરી મેચ શરુ થઈ શકે છે, જોકે, પહેલી ઈનિંગ્સ દરમિયાન વરસાદે વિઘ્ન ઉભું કર્યું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.