Home જનક પુરોહિત રાજકારણ નો નવો અભ્યાસક્રમ, કોંગ્રેસ પક્ષને સમજાતો જ નથી

રાજકારણ નો નવો અભ્યાસક્રમ, કોંગ્રેસ પક્ષને સમજાતો જ નથી

1004
0

ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ૨૦૦૧ માં નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી ૨૦૧૪ સુધીમાં કોંગ્રેસ પાસે ની નાની મોટી તમામ સંસ્થાઓ સહિતની સત્તા છીનવાઈ ગઈ છે. ૨૦૧૪ માં આપણા નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પછી દેશભરના ભાજપ વિરોધી રાષ્ટ્રીય – પ્રાદેશિક પક્ષો અસ્તિત્વની લડાઈ જીતવા જજુમી રહ્યા છે. આ સ્થિતિ અંગે કોંગ્રેસના એક અગ્રણી નેતા સાથે હળવાશની પળોમાં ચર્ચા કરી. સવાર સવારમાં કોફીના કપ સાથે રાજકીય તાસીરની મજેદાર ચર્ચા ચાલી. આ નેતાજીએ રમુજ સાથે શરુ કર્યું “ તમે જૂની S.S.C ભણ્યા હશો , બરાબર ! અત્યારના ધોરણ ૧૨ નો એક દાખલો તમે શકશો નહિ. હા , તમે શિક્ષણ સાથે જોડાયેલા હોત તો આવડે. બાકી ભણીને ગયા પછી અત્યારના અભ્યાસ ક્રમને જુના લોકો સમજી શકતા નથી. આવી જ સ્થિતિ અમારા કોંગ્રેસ પક્ષની થઇ છે. નરેન્દ્ર મોદીએ પ્રથમ ગુજરાતમાં અને હવે દેશમાં રાજનીતિનો આખો અભ્યાસક્રમ જડમુળમાંથી બદલી નાખ્યો છે. તમને ખબર હશે કે પહેલા સહકારી ક્ષેત્ર સંપૂર્ણ સ્વાયત હતું. તેમાં રાજકારણ કે સરકારી હસ્તક્ષેપ ખુબ માર્યાદિત હતો. આજે પાર્ટી થી વિશેષ સહકારી ક્ષેત્રની ચુંટણીમાં રસાકસી થાય છે. શાસક પક્ષ વિપક્ષને સહકારી ક્ષેત્રમાંથી સાફ કરવા અત્યારે જે હથકંડા અજમાવે છે , એવું જુના અભ્યાસક્રમ માં કશું હતું જ નહિ. અત્યારે ભાજપના અને જુના કોંગ્રેસી નરહરિ અમીને કેટલી મહેનત કરીને મોટેરા સ્ટેડીયમ અને ગુજરાત ક્રિકેટ ક્લબ ઉભી કરી હતી. પરંતુ અમિતભાઈ શાહે તેમાં પણ નવો અભ્યાસક્રમ દાખલ કરીને સ્કુલબોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ , શાળા સંચાલકો વગેરેનો ઉપયોગ કરીને નરહરિ ભાઈ પાસે થી જી.સી.એ છીનવી લીધું. સરકાર , પંચાયતો , નગરપાલિકા અરે ગ્રામ પંચાયત ને પણ નવા અભ્યાસક્રમ હેઠળ સરકારી અંકુશમાં મૂકી દીધાં છે. કેન્દ્રની ગ્રાન્ટ કોંગ્રેસની યુ.પી.એ સરકારે વધારી જે સીધી જ પંચાયતો ને મળતી હતી. પરંતુ સરકારે તેનો વહીવટ આડકતરી રીતે કલેકટર નાં હવાલે મુકીને પોતાની પાસે રાખ્યો. આતો બધી સામાન્ય અભ્યાસક્રમ ની વાત થઇ પરંતુ વિધાનસભા સત્ર ચુંટણી , અને રાજ્યસભા આ બધામાં જે નવો જટિલ અને કુટનીતિક અભ્યાસક્રમ દાખલ થયો છે , જે માત્ર કોંગ્રેસને જ નહિ પણ ગુજરાતના મીડીયાને પણ સમજાયો નથી. તમે આટલા વર્ષોથી વિધાનસભામાં કવરેજ કરો છો , ભૂતકાળમાં ક્યારેય એવું જોયું હતું કે પ્રશ્ન પણ મંત્રી નો અને જવાબ પણ એજ મંત્રી નો. વિધાનસભા અંગે વધુ કશું બોલી શકાય નહિ , પરંતુ તમે જુનો અભ્યાસક્રમ પણ જોયો છે , અને વર્તમાન પણ જોવો જ છો. આમાં કોંગ્રેસ પાસ કેવી રીતે થઇ શકે ? ”
નેતાજી ને કહ્યું કે જો તમે નવા અભ્યાસક્રમ ને અપનાવી નહિ શકો , કે તેમાં માહેર નહિ થાવ તો તમારું ભવિષ્ય શું ? તમારે ભાજપના કોઈ ખુણામાં બેઠેલા નેતાનું ટ્યુશન રાખીને પણ નવા અભ્યાસક્રમ મુજબ રાજનીતિ કરતા શીખવું જ પડશે. નહિ તો રાજ્યસભાની એક બેઠક ગઈ એ રીતે બાકીની બેઠકો પણ જતી જ રહેવાની.
નેતાજી એ કહ્યું “ સાચી વાત છે. કોંગ્રેસ ભલે ૧૩૦ વર્ષ જૂની હોય , પરંતુ જુના રાજકારણની તાસીર આજે ચાલે તેમ નથી. ગાંધી વિચારણા નામે જેમ ભાજપ રાજનીતિ કરે છે , પરંતુ તેમાં ગાંધી વિચાર ક્યાંય જોવા મળતો નથી. એવું અત્યારે કોંગ્રેસ વિચારધારા નું છે. આ વિચારધારા ને પકડી રાખીને આજની નવી રાજનીતિમાં ચાલી શકાય નહિ.”
નેતાજી ને કહ્યું કે માત્ર નવી રાજનીતિના પાઠ સાથે ભાજપની માફક વાયબ્રન્સીની પણ જરૂર છે. મહેનત કર્યા વિના પરિણામ લાવી શકો નહિ. ભાજપના કાર્યકરો પાસે થી જે પ્રકારે નેતાગીરી કામ લે છે એવું તમે ક્યારેય કામ લેતા નથી. સંગઠન કાગળ ઉપર છે. દરેક નેતાનું આગવું જૂથ અને જૂથ ના કાર્યકરની લાયકાત હોય કે ન હોય પરંતુ તેને જ હોદ્દો મળવો જોઈએ. આ માનસિકતા હોય તો ભાજપને મહેનત ઓછી કરીને વધુ પરિણામ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.”
નેતાજી એ વાતનો સ્વીકાર કરતા કહ્યું “ જૂથબંધી કદાચ ભાજપમાં પણ હશે જ , પરંતુ પ્રદેશના અને પાર્ટીના શિસ્તના કોરડા થી કાર્યકરો હોય કે નેતા સહુને ડર હોય છે. અમારા કાર્યકર કે નેતા કોઈને કોઈનો ડર હોતો નથી. અનિર્ણાયકતા એ અમારી સહુથી મોટી કમજોરી છે. ખોટા નિર્ણયથી જે નુકસાન થાય તેનાથી વધુ નુકસાન અનિર્ણાયકતા થી થાય છે. રાઘવજી ભાઈ પટેલે એક વર્ષ સુધી વિક્રમ માડમ ની કનડગત અંગે પક્ષમાં રજુઆતો કરી , હાઈકમાન્ડ ને ચાર વાર મળી આવ્યા , છતાં કોઈ જ નિર્ણય ન લેવાયો જેથી રાઘવજી ભાઈ પટેલે જાતે નિર્ણય લેવો પડ્યો અને પક્ષ છોડી ભાજપમાં જતા રહ્યા. રાઘવજી ભાઈ નો ફાયદો ભાજપને જે થશે તેના કરતા કોંગ્રેસને નુકસાન વધુ છે. આ વાત અમારા હાઈકમાન્ડ નાં નેતાઓની ટીમ સમજાતી નથી. નરહરિ ભાઈ અમીન ને એક ટિકિટ ન આપીએ જે નુકસાન પાર્ટીએ વેઠયું છે તેની તો વાત જ થઇ શકે તેમ નથી. યુવાનોની એક ફોજ લઈને નરહરિભાઈ ગયા. સાથે મહત્વના આગેવાન કાર્યકરો પણ ગયા. ભલે અમે સંતોષ લઈએ કે નરહરીભાઈ ને જીરો કરી નાખ્યા. પરંતુ કોંગ્રેસ ને જે નુકસાન થયું છે અને દરેક ચુંટણીમાં થઇ રહ્યું છે એ ખુબ જ મોટું છે. જે કોઈ આગેવાનો , ચૂંટાયેલા સભ્યો , ધારાસભ્યો પક્ષ છોડે છે , તેમાં ક્યાંય ને ક્યાય નરહરિ અમીનનો દોરી સંચાર હોય છે. પક્ષને ખોખલો કરી નાખ્યો. છતાં અમારા નેતાઓ આ ભુલ હતી એ સ્વીકારવા તૈયાર નથી. જોઈએ હવે આ નવા અભ્યાસક્રમ માટે પાર્ટી કશું શીખવા માંગે છે કે પછી નાપાસ થઇ થઈને જીરો કરી નાખવા માંગે છે. ભાજપ સામે ભાજપની રાજનીતિ થી લડવું પડે એવી સામાન્ય સમજ એ ન હોય તો અમારે હવે કોને કહેવાનું ? હશે અત્યારે તો શાંતિથી જીવીએ છીએ , પક્ષની કોઈ જવાબદારી નથી. પરંતુ રાજકારણ મા છું અને રહેવાનો છું એટલે મારા કાર્યકરો – મતદારો વગેરેની કાળજી લેવી પડે એ લઉં છું.”
નેતાએ હૈયા વરાળ ઠાલવીને વાત પૂરી કરી.

Previous articleસ્વર્ણિમ લાયન્સ કલ્બમાં નવા ચેરમને તરીકે શપથ ગ્રહણ કરશે આશાબેન પંડ્યા
Next articleનવલખી બંદર સહિત ગુજરાતના 22 બંદરોનો વિકાસ કરવામાં આવશે: કે.મંત્રી મનસુખ માંડવીયા