રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રેમલિને દાવો કર્યો છે કે યુક્રેને (Ukraine) પુતિનને મારવા માટે બે ડ્રોન મોકલ્યા હતા, જેને ઠાર કરવામાં આવ્યા હતા. રશિયાએ કહ્યું છે કે તેને જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે. હવે એવું માનવામાં આવે છે કે મોસ્કો આ કથિત ઘટનાનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં કરી શકે છે. રશિયાએ કહ્યું છે કે આ હુમલામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘાયલ થયા નથી. ક્રેમલિન બિલ્ડિંગને કોઈ ભૌતિક નુકસાન થયું ન હતું. રશિયાએ આ કથિત હુમલાને ‘સુયોજિત આતંકવાદી કૃત્ય (a well-planned terrorist act) અને રશિયન ફેડરેશનના પ્રમુખના જીવને જોખમમાં નાખવાનો પ્રયાસ ગણાવ્યો છે. ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું, ‘બે માનવરહિત ડિવાઇસ ક્રેમલિન તરફ મોકલવામાં આવ્યા હતા. બંને ઉપકરણો નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ક્રેમલિને કહ્યું કે ડ્રોન હુમલાના પ્રયાસ સમયે રશિયન રાષ્ટ્રપતિ કમ્પાઉન્ડમાં ન હતા.
રશિયાની ઓફિશિયલ ટીવી ચેનલ રશિયા ટુડે સહિત સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ક્રેમલિન પર થયેલા હુમલાનો છે. જોકે, અમે કે અમારી સંસ્થા આ વીડિયો અંગે કોઈ દાવો કરતું નથી.. પરંતુ આ વાયરલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, હુમલા બાદ ક્રેમલિન પેલેસની પાછળ હળવો ધુમાડો જોવા મળ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રેસિડેન્ટ પેલેસના ગુંબજની ઉપરથી રશિયા દ્વારા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા પુતિનને નિશાન બનાવ્યાના સમાચાર બહાર આવતાની સાથે જ મોસ્કોના મેયરે રશિયાની રાજધાની ઉપર ડ્રોન ઉડાન પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. એક નિવેદનમાં, મેયર સેર્ગેઈ સોબ્યાનિને કહ્યું કે જ્યાં સુધી સરકારી અધિકારીઓ પાસેથી વિશેષ પરવાનગી ન મળે ત્યાં સુધી ડ્રોન પર પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ અનધિકૃત ડ્રોન ફ્લાઈટ્સને રોકવા માટે છે, જે કાયદાકીય કાર્યમાં અવરોધ લાવી શકે છે. TASS ન્યૂઝ એજન્સી અનુસાર, ક્રેમલિને કહ્યું છે કે 9 મેના રોજ મોસ્કોમાં વિક્ટ્રી ડે (Victory Day) પરેડ યોજાશે. તેને અટકાવવામાં આવશે નહીં.