યોગના પ્રચારક, સિદ્ધયોગી રાજર્ષિ મુનિને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે તેમનું દેહાવસાન થયું છે. તેમના પાર્થિવદેહને બપોરે વડોદરા નજીક મલાવ ખાતે આશ્રમમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ તેમના નશ્વરદેહને લીંબડીના જાખણ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં સવારે અંતિમસંસ્કાર કરવામાં આવશે.
વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન બદલ સિદ્ઘયોગી સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી અવૉર્ડ એનાયત કર્યો હતો. રાજર્ષિ મુનિના માર્ગદર્શન હેઠળ એક લાખથી વધુ લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સામેલ છે. તેઓ લકુલીશ ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઇમેન્ટ મિશન (લાઇફ મિશન)ના પ્રણેતા છે. આ સંસ્થાનું વડું મથક રાજરાજેશ્વરધામ, લીંમડી ખાતે આવેલું છે.
આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પણ આવેલાં છે. રાજર્ષિ મુનીના લગભગ ૩૬ જેટલાં અંગ્રેજી ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને એમાંના કેટલાકનો રશિયન, ઇટાલિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ થયો છે, જ્યારે ગુજરાતીમાં ૧૧૬ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
રાજર્ષિ મુનિનું પૂર્વાશ્રમનું નામ યશવંતસિંહ જાડેજા હતું. તેમનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજપૂત બોર્ડિંગ લીંબડીમાં પૂર્ણ કરી ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી.
ત્યાર બાદ પૂણે વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્રમાં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ૯ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ કૃપાલવાનંદજી પાસેથી તેમણે દીક્ષા પ્રાપ્ત કરી યશવંતસિંહ જાડેજાથી રાજર્ષિ મુનિ બન્યા. રાજર્ષિ મુનિએ સુરેન્દ્રનગર-લીંમડી નજીક જાખણ ગામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવનું મંદિર સ્થાપ્યું છે.
યોગનાં પ્રચાર-પ્રસાર માટે મહત્ત્વનું યોગદાન આપનારા લાઇફ મિશન સંસ્થાના પ્રણેતા રાજર્ષિ મુનિનું ૯૨ વર્ષની વયે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દેહાવસાન થયું છે. તેમના પાર્થિવદેહને મલાવ ખાતે દર્શનાર્થે મૂકવામાં આવશે અને આવતીકાલે લીંમડી ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.