ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું
(જી.એન.એસ) તા. 18
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું હોય તેવું લાગઈ રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલી આ લડાઈ, જેણે હજારો જીવનો ભોગ લીધો છે, તેનો અંત લાવવા માટે હમાસે શાંતિની ઇચ્છા વ્યક્ત કરી છે. હમાસના નેતાઓએ ઇઝરાયલને યુદ્ધ બંધ કરવા અને તમામ બંધકોની મુક્તિ માટે વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે શરણાગતિના મૂડનો સંકેત આપે છે. આ ઘટનાક્રમ ગાઝાના લોકો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે, જેઓ યુદ્ધના વિનાશથી કંટાળી ગયા છે અને શાંતિપૂર્ણ જીવનની ઝંખના કરે છે.
હમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટિની નાગરિકોના બદલામાં તમામ બંધકોને છોડવા રાજી છીએ. અમે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરી દઈશું. હમાસના નેતા ખલીલ અલ હાયાએ ટેલિવિઝન પર કહ્યું કે હવે અમે કોઈ વચગાળાની સમજૂતિ કરવા માગતા નથી. કાયમી ઉકેલ લાવવો પડશે. તાત્કાલિક અસરથી યુદ્ધ ખતમ કરો. અમે ગાઝામાં યુદ્ધ નથી ઇચ્છતા.
હાયાએ કહ્યું હતું કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમની સરકાર પોતાના પોલિટિકલ એજન્ડા માટે આંશિક સમજૂતીઓ કરી લે છે. જેના કારણે ગાઝામાં ભૂખમરાંની સ્થિતિ ઘેરાતી જઇ રહી છે. અમે હવે તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છીએ.
આ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબર, 2023ના રોજ થઈ હતી, જ્યારે હમાસે ઇઝરાયલના દક્ષિણ વિસ્તારો પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1200 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા, અને 251 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના જવાબમાં, ઇઝરાયલે ગાઝા પર વ્યાપક સૈન્ય કાર્યવાહી શરૂ કરી, જેના પરિણામે ગાઝાના હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 50,400થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ગાઝા પટ્ટીનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે, અને લોકો ભૂખમરો, વિસ્થાપન અને મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાઝાની જનતા આ યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ઇઝરાયલના હવાઈ હુમલાઓ અને જમીની કાર્યવાહીઓએ ગાઝાને વિનાશની કગાર પર લાવી દીધું છે. યુએનની એજન્સીઓએ ચેતવણી આપી છે કે ગાઝામાં માનવીય સહાય વ્યવસ્થા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થવાની આરે છે. લોકોને ખોરાક, પાણી અને દવાઓની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. હમાસ અને ઇઝરાયલ બંનેએ એકબીજા પર યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરવાના આરોપો લગાવ્યા છે, જેના કારણે શાંતિની વાતચીત વારંવાર નિષ્ફળ ગઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.