Home દેશ મોદી સરકારના છેલ્લા પૂર્ણકદના બજેટમાં આમ લોકોની શું છે આશા અપેક્ષા?

મોદી સરકારના છેલ્લા પૂર્ણકદના બજેટમાં આમ લોકોની શું છે આશા અપેક્ષા?

834
0

એનડીએ સરકારનું લોકસભા ચૂંટણી 2019 પહેલાનું પૂર્ણ કદનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. નાણાંમંત્રી અરૂણ જેટલી દ્વારા રજૂ થનાર આ બજેટ મોદી સરકારનું વાસ્તવમાં છેલ્લું બજેટ હશે. ફેબ્રુઆરી 2019માં બજેટ રજૂ થશે પરંતુ તે વોટ ઓન એકાઉન્ટ તરીકેનું હશે. જેમાં કોઇ કલ્યાણકારી કે ચૂંટણીલક્ષી યોજનાઓનો સમાવેશ થઇ શકશે નહીં. તેથી આગામી બજેટમાં જ મોદી સરકારે લોકસભા અને આ જ વર્ષે યોજાનાર આઠ રાજ્યોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક રીતે ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરે તેમ મનાય રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો માટે આ બજેટમાં વધુ ફાળવણી થવાની શક્યતા છે. રોજગાર માટે પણ બજેટમાં વધુ ફાળવણી કરવી પડે તેવી ફરજ સરકારને પડશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે હાલમાં નોટબંધી, જીએસટી, વૈશ્વિકમંદી અને ખનિજ તેલના વધતાં જતાં ભાવને ધ્યાનમાં રાખીને નાણામંત્રી અરૂણ જેટલીએ લોભામણું બજેટ રજૂ કરવું પડે તેમ હોવાથી નાણાંકીય વ્યવસ્થા માટે એમણે બજેટમાં ચોક્કસપણે ઉલ્લેખ કરવો પડે તેમ છે. જીએસટીના અમલથી હવે સરકાર માટે ટેક્સ વધારવાની જોગવાઈઓ ઘટી ગઈ છે. જીએસટીના દરમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી બજેટમાં તેમાં વધારો શક્ય નથી. નોટબંધીને કારણે અર્થતંત્ર ઉપર અસર થયેલી જ છે જેનો સ્વીકાર કેન્દ્ર સરકારે નાછૂટકે કર્યો છે. સામાન્ય રીતે બજેટમાં શું સસ્તું થશે અને શું મોંઘું થશે તેના પર સામાન્ય લોકોની નજર રહેતી હોય છે. પરિણામે નાણાંમંત્રીએ આ બજેટમાં વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકપ્રિય એટલે કે જેમાં પ્રજાને વધારે લાભ થતો હોય તેવી જોગવાઈ કરવી પડે તેમ છે.
સૂત્રોએ જણાવ્યું કે દેશમાં ખેડૂતોની હાલત ખૂબજ ખરાબ છે. ચોમાસું ધાર્યા કરતાં સારું રહ્યું તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ મળ્યાં નથી. પાકવીમાની રકમમાં પણ ખેડૂતોની સંખ્યાબંધ ફરિયાદો છે. યુપીમાં સત્તા મેળવવા ખેડૂતોના દેવા નાબૂદ કરવાની જાહેરાત કરી પરંતુ સત્તા મળ્યા બાદ કઇ રીતે અને કેટલા પ્રમાણમાં દેવાં માફ કર્યાં તે પણ જગજાહેર છે. તેનાથી ખેડૂતો નારાજ છે. બીજી તરફ રોજગાર ક્ષેત્રે નવું મૂડીરોકાણ લાવવા વડાપ્રધાન મોદીએ દાવોસમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપ્યું છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષી સિંગલ બ્રાન્ડ રીટેલમાં 100 ટકા મૂડીરોકાણને મંજૂરી આપી છે. તેનાથી કેટલું રોકાણ આવશે અને કેટલાને રોજગારી મળશે તેનો હિસાબ સરકારી અધિકારીઓ કાગળ પર ચિતરશે. વાસ્તવમાં રોજગાર બજારમાં કફોડી હાલત છે તે પણ સત્તાપક્ષ અને સરકાર બન્ને જાણે છે.
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા પણ બજેટમાં લાભની આશા રાખવામાં આવી રહી છે. સિમેન્ટ ઉદ્યોગ દ્વારા 28 ટકા જીએસટીમાં ઘટાડો કરવાની માંગણી છે. જો 28 ટકા જીએસટીમાં ઘટાડો થાય તો મકાન નિર્માણ ક્ષેત્રે લોકોને લાભ મળી શકે. એફએમસીજી કંપનીઓ કે જે ટૂથપેસ્ટ સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે તેઓ કેન્દ્રનું આગામી બજેટ ગ્રામીણ બજારો પર કેન્દ્રિત હોય એવી આશા રાખી રહ્યાં છે. જેથી ગ્રામીણ ક્ષેત્રે વેતન અને મજૂરીમાં જે ઘટાડો થઇ રહ્યો છે તેને પહોંચી શકાય અને વધારે રોજગારીનું નિર્માણ કરી શકે. એક અન્ય માગણી એવી છે કે કેન્દ્ર સરકાર જીએસટીના ઓછા દરોને કારણે આવકમાં ઘટાડો ભરપાઈ કરવા માટે કેટલીક આયાતી ચીજવસ્તુઓ પર વધારો કરી શકે છે. બજેટમાં તેનો ઉલ્લેખ થવાની શક્યતા છે જેમ કે ઊર્જા, કેમિકલ કેપિટલ ગૂડસ સેક્ટર સાથે જોડાયેલી ચીજવસ્તુઓ હાલમાં સસ્તાં દરે આયાત થાય છે. તેના પર વધારો કરવામાં આવે તો ભારતના આ સેક્ટરને લાભ થઇ શકે છે બીજા તરફ સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે.
કોર્પોરેટ અને આર્થિક બાબતો સાથે સંકળાયેલા લોકોની માંગણી છે કે ઇન્કમટેક્સની કલમ 80 સી હેઠળ જે છૂટછાટ આપવામાં આવે છે તે હાલમાં દોઢ લાખ છે તેમાં વધારો કરીને અઢી લાખ કરવાની જરૂર છે. નોટબંધીને કારણે લોકોના નાણાં બેન્કોમાં જમાં છે અને તેના પર ખુબજ ઓછું વ્યાજ મળી રહ્યું છે ત્યારે આ વ્યાજદરમાં વધારો કરવો જોઇએ. એક એવી પણ માંગણી થઈ રહી છે કે વ્યક્તિગતની મેડિકલેમ વીમાનું પ્રીમિયમ પણ વસૂલાતમાં જીએસટીનાં દરમાં ઘટાડો કરવો જોઇએ. હાલમાં 18 ટકા જીએસટી વસૂલ લેવાય છે તેનાથી સામાન્ય લોકો પર આર્થિક બોજ વધ્યું છે. આમ આદમી પણ વીમાક્ષેત્રમાં રોકાણ માટે પ્રોત્સાહિત થાય તે પ્રકારના બજેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે વધતી જતી મોંઘવારીમાં મોદી સરકારને આ ચૂંટણી પહેલાનું બજેટમાં સામાન્ય ગૃહિણીઓ અને ગરીબ તથા મધ્યમ વર્ગને વધુમાં વધુ લાભ મળે એવું લોકપ્રિય બજેટ રજૂ થાય એવી આશા રાખવામાં આવી રહી છે. સૂત્રોનું માનવું છે કે 2018-19નું બજેટ મોદી સરકારે રોજગારલક્ષી ખેડૂતલક્ષી અને જ્યાં ભારત વસે છે એ ગ્રામીણ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને બનાવવું પડશે. ભાજપ શહેરી વિસ્તારમાં લોકપ્રિય છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપને પહોંચાડવા માટે બજેટમાં આ સેક્ટરને વધુ નાણાકીય ફાળવણી કરીને ભાજપ છેક છેવાડાંના ગામડાં સુધી પહોંચી શકે તેમ છે. વ્યક્તિગત આવક મર્યાદા પણ આ બજેટમાં વધારવામાં આવે એમ પણ મનાઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજીએનએસ ન્યૂઝ સર્વિસ હવે પાંચ ભાષામાં, લખનૌથી કરાયો ઉર્દૂ સેવાનો પ્રારંભ
Next articleસંઘમાં પ્રચારકની ભરતી એ રોજગારી આપી કહી શકાય ?