(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧
દેશભરના ખેડૂતોએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ મોટો મોરચો ખોલી નાખ્યો છે. મોદીરાજમાં આજથી સૌથી મોટું ખેડૂત આંદોલન શરૂ થઈ ગયું છે. પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત કેટલાંય રાજ્યમાં ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું છે. ખેડૂત સંઘે પોતાની વિવિધ માગણીઓને લઈ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ૧૦ દિવસીય ખેડૂત આંદોલનનું રણશિંગુ ફૂક્યું છે. તે સાથે જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધને શહેરની બહાર ન મોકલવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોનું આ આંદોલન સરકાર દ્વારા ટેકાના ભાવના વાયદાને જલદી પુરૂ કરવા માટે છે.
પુણેના ખેડશિવાપુર ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ૪૦ હજાર લીટર દૂધ રસ્તા પર ઢોળ્યું હતું. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ આંદોલન શરુ કરતાં પહેલાં મંદિરે જઈને દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો.
રાષ્ટ્રીય કિસાન મહાસંઘે ૧૩૦ સંગઠનો સાથે મળીને વિરોધ પ્રદર્શન અને હડતાળનું એલાન કર્યું છે. ઝબુઆમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. અને ખેડૂતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. આગરામાં ખેડૂતોએ તેમના વાહનોના ટોલ ફ્રી આવાગમન માટે ખેડૂતોએ ટોલ પ્લાઝા પર કબજો કર્યો અને તોડફોડ પણ કરી.
મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધનો પુરવઠો શહેરમાં મોકલવાનું બંધ કરી દીધું છે એટલું જ નહીં પંજાબમાં ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી દીધી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર, રતલામ, ઉજ્જૈન, ગ્વાલિયર જિલ્લામાં તકેદારીનાં પગલાં રૂપે કલમ-૧૪૪ કલમ લાગુ પાડવામાં આવી છે.
ફરીદકોટમાં ખેડૂતોના વિરોધ દેખાવો શરૂ થઈ ગયા છે. ખેડૂતો રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ કરી રહ્યા છે. મંદસૌરના ખેડૂતોએ વધેલા દૂધનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે ગામના લોકોને વહેંચવાનો નિર્ણય કર્યો છે. મંદસૌરમાં ખેડૂતોએ સ્થાનિક મંદિરને દૂધ આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ ખેડૂત આંદોલન દરમિયાન ડેરીને દૂધ વહેંચશે નહીં. મંદસૌરના એસપીએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ સામાન્ય છે. મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યાં છે.
મંદસૌરમાં ખેડૂતોએ દિલ્હી જતા દૂધનો પુરવઠો અટકાવ્યો હતો. ખેડૂત આંદોલન સાથે કામ લેવા માટે ૧૧ ઝોનના આઈજીને વધારાના દળો પૂરા પાડવામાં આવ્યા છે. રતલામમાં લાગુ પાડવામાં આવેલ કલમ-૧૪૪ ૩ ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ટોલ પ્લાઝા પર પોલીસદળ તહેનાત કરવામાં આવ્યા છે.
મંદસૌરના ખેડૂતોનું કહેવું છે કે અમે આ આંદોલનમાં ગઈ સાલ જેવી હિંસા ઈચ્છતા નથી. અમે ઈચ્છતા નથી કે કોઈને નુકસાન થાય એવી ઘટના બને, અમે બંધ એલાન આપ્યું છે અને ઘરમાં રહીને તેને સમર્થન આપીશું. કિસાન મહાસંઘે એવો દાવો કર્યો છે કે દેશનાં લગભગ ૨૨ રાજ્યના ૧૩૦ સંગઠનોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.
જો એવું થશે તો તેનાથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો ઠપ થઈ જશે અને આવી ચીજવસ્તુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. મહાસંઘનું કહેવું છે કે ૧ જૂનથી ૧૦ જૂન સુધી અનાજ, શાકભાજી અને દૂધ જેવી ચીજવસ્તુઓ ગામડામાંથી શહેરમાં મોકલવાનું બંધ કરવામાં આવશે.
અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબના ખેડૂત સંગઠનોએ આંદોલનને સમર્થન આપ્યું છે. છત્તીસગઢ પ્રગતિશીલ કિસાન સંગઠન પણ બંધમાં જોડાશે. આ સંગઠને આ દાવો કર્યો છે કે તેમની સાથે ૩૫,૦૦૦ ખેડૂતો જોડાયેલા છે. આ સાથે જ અન્ય ખેડૂત સંગઠનો પણ બંધના એલાનને સમર્થન આપી રહ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.