જી.એન.એસ, તા.૧૨ નવી દિલ્હી
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું છે કે, આગામી દોઢ વર્ષમાં ‘તીન તલાક’ની પ્રથા નાબુદ કરવામાં આવશે. બોર્ડના ઉપાધ્યક્ષ ડૉક્ટર સઈદ સાદીકે એક ખાનગી અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વિગતો જણાવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, સરકારે આ મામલે દખલ કરવાની જરુર નથી.
સાદીકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશભરમાંથી 3.5 કરોડથી પણ વધુ મુસ્લિમ મહિલાઓએ શરીયત અને તીન તલાક પ્રથાનું સમર્થન કર્યું છે.
મુસ્લિમ બોર્ડે આ અંગે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલાને પડકારતી અરજી પર સુનાવણી કરવાની યોગ્ય નથી કારણકે, એ કુરાન પર આધારિત છે અને ન્યાય પાલિકાની હદની બહાર છે. કુરાન પર આધારિત કાયદાની યોગ્યતાને સંવિધાનના નિયમોને આધારે પરખવી યોગ્ય નથી.
આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, ‘તીન તલાક’, ‘નિકાહ હલાલા’ અને બહુ વિવાહ પ્રથા મુસ્લિમ મહિલાઓના સામાજિક સ્તર અને ગરિમાને પ્રભાવિત કરે છે અને તેમને સંવિધાનમાં યોગ્ય અધિકારોથી વંચિત રાખે છે.
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કરેલી વર્તમાન અરજીમાં પણ તેના જુના અભિગમનું પુનરાવર્તન કર્યું છે અને જણાવ્યું છે કે, આ પ્રકારની પ્રથાઓ મહિલાઓને પુરુષ સમોવડી થતી અટકાવે છે. તેમજ તેમને પુરુષોની તુલનામાં અસમાન અને કમજોર બનાવે છે.
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ દેશના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના પત્ની સલમા અંસારીએ પણ તીન તલાકની પ્રથાના વિરોધમાં પોતાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, માત્ર ત્રણ વાર તલાક બોલી દેવાથી કોઈનો તલાક થઈ જતો નથી. તેમણે કહ્યું કે મુસ્લિમ મહિલાઓએ મૌલવીઓની વાત માનવાને બદલે કુરાન વાંચી અને તેને સમજવાની જરુર છે. સલમા અંસારીએ કહ્યું કે, જો તમે કુરાનને અનુસરશો તો ખબર પડશે કે, દરેક સમસ્યાનું સમાધાન તેમાં રહેલું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.