વિક્રમ સંવત ૨૦૮૦ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે નવતર અભિગમ, વૃદ્ધ – વડીલોને સ્નેહપૂર્વક ભોજન પીરસીને સાથે બેસી વાત્સલ્ય ભાવે ભોજન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
૧૪ જેટલા વિવિધ વૃદ્ધાશ્રમોમાં સાડા સાતસોથી વધુ વરિષ્ઠ વડીલોને મુખ્યમંત્રી શ્રી તરફથી ભોજન અપાયું
(જી.એન.એસ),તા.૧૭
અમદાવાદ,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભૂપેન્દ્ર પટેલ બની રહ્યા છે, અને જન – જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વિક્રમ સંવત ૨૦૮૦ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં તેમના તરફથી ભોજન પીરસવાનો સંવેદના સ્પર્શી નવતર અભિગમ અપનાવ્યો હતો. નૂતન વર્ષે મુખ્યમંત્રીશ્રીએ વાત્સલ્ય વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામ વડીલોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા અને તેમણે સ્નેહભાવે ભોજન પીરસ્યું હતું. એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ આ વયોવૃદ્ધ વડીલો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમના ખબર-અંતર પૂછવા સાથે હળવાશની પળો પણ તેમની સાથે વિતાવી હતી.
અમદાવાદ ઉપરાંત ધોળકા, માંડલ, વડનગર, પેથાપૂર, ગાંધીનગર અને કલોલ તથા વિરમગામનાં ૧૪ જેટલા જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ અને દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત્ત ભાવથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી આ વૃદ્ધાશ્રમોમાં ૭૬૬ જેટલા વડીલોને નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું/સાંજનું ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર વૃદ્ધ- વડીલો પણ ઉમંગ પૂર્વક ઉજવી શકે અને તેમના સંતાનો સહિત સૌને તેમના આશિર્વાદ પ્રાપ્ત થાય તેવા આશયથી આ સ્નેહ- ભોજનનું આયોજન કર્યું છે, તેનો એક અનેરો આનંદ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. વરિષ્ઠ વડીલોએ આ નૂતન વર્ષનો દિવસ તેમના જીવનનો યાદગાર દિવસ બની રહેશે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજય પટેલ, રેડ ક્રોસ સોસાયટી મેનેજિંગ કમિટીના સભ્ય ડો. અજય પટેલ, કોર્પોરેટર શ્રી પ્રિતેશ મહેતા તેમજ વાત્સલ્ય વૃદ્ધાશ્રમ ના તમામ સિનિયર સિટીઝન તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.