(G.N.S) Dt. 30
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના પાંચમા દિવસે ગુજરાત ડેલીગેશન સહિત કોબેના સુપ્રસિદ્ધ નોકુફૂજી ટેમ્પલ તથા ઐતિહાસિક કોબે પોર્ટની મુલાકાત લીધી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૨માં હ્યોગોની મુલાકાત વેળાએ જોયેલું અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું આજે ભારતમાં આકાર લઈ રહ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી:-
- ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે.
- ભારતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૦૦ સ્માર્ટ સિટી વિકસી રહ્યાં છે.
- દેશના તમામ મોટા શહેરોમાં મેટ્રો ટ્રેન નેટવર્ક વિકસી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પ્રમોશન માટે જાપાન મુલાકાતે ગયેલા ગુજરાતના હાઈલેવલ ડેલિગેશને હ્યોગો-જાપાનના ગવર્નર શ્રી મોટોહિકો સૈતો સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના પાંચમા દિવસે ગુજરાતના પ્રતિનિધિમંડળ સહિત જાપાનના હ્યોગો પ્રાંતમાં આવેલા કોબેના સુપ્રસિદ્ધ નોકુફૂજી ટેમ્પલ અને ઐતિહાસિક કોબે પોર્ટની મુલાકાત લીધી હતી. જાપાનના હ્યોગો પ્રાંતના કોબે ખાતે રોક્કો માઉન્ટેનની તળેટીમાં આવેલું કોબે પોર્ટ કુદરતી સૌંદર્ય અને સુંદર દ્રશ્યોથી સમૃદ્ધ સૌથી પ્રાચીન બંદરોમાંનું એક છે.
મુખ્યમંત્રીશ્રીએ ગવર્નર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી પહેલા ૨૦૦૭માં અને પછી ૨૦૧૨માં હ્યોગોની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આ સપનું આજે ભારતમાં આકાર લઈ રહ્યું છે. તેમણે અમદાવાદ–મુંબઈ હાઇસ્પીડ રેલ કોરીડોરનું ભૂમિ પૂજન સ્વ. શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યું હતુએ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને જાપાન બંન્ને પાસે પોતાનું હેરીટેજ છે. ભારતમાં હેરીટેજના સંરક્ષણ સાથે હેરીટેજ સિટી વિકસાવવા માટે ખાસ હૃદય યોજના આદરણીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરી છે.
તેમણે હ્યોગો-ગુજરાત સંબંધો અંગે કહ્યું હતું કે, હ્યોગો અને ગુજરાતનો સબંધ માત્ર બે રાજ્યો પૂરતો નથી રહ્યો. ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે. તાજેતરમાં અમદાવાદને અર્બન ૨૦ સમિટના યજમાન બનવાનો અવસર મળ્યો હતો તેનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારે મેયોરલ સમિટમાં ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ફ્યુચર માટે રજૂ કરેલા નો એન્વાયરમેન્ટ રેઝીલિયન્ટ સિટી એક્શન પ્લાન અંગે ચર્ચા-વિમર્શ કર્યો હતો.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ઉદ્યોગોની સાથે સાથે ઇઝ ઓફ લિવિંગને પણ ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં તેમના માર્ગદર્શન હેઠળ ૧૦૦ સ્માર્ટ સિટી વિકસી રહ્યાં છે. દેશમાં નાના શહેરોમાં ઉત્તમ સુવિધાઓ મળે તે માટે ખાસ અમૃત મિશનની શરૂઆત કરી છે. દેશના તમામ મોટા શહેરોમાં મેટ્રો ટ્રેન નેટવર્ક વિકસી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને જાપાનના સંબંધો નવી ઉંચાઇ પર પહોંચ્યા છે. જાપાન વાયબ્રન્ટ સમિટનું લાંબા સમયથી સહભાગી રહ્યું છે. હ્યોગો પ્રાંતની 30 જેટલી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે તે ગુજરાત-જાપાન સંબંધો માટે આનંદની વાત છે.
તેમણે જાપાનીઝ કંપનીઓને ગુજરાતમાં આવકારવા ઉત્સુક હોવાનું જણાવી હ્યોગો રાજ્યના ગવર્નરને તેમના ડેલીગેશન સહિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં પધારવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું.
હ્યોગોના ગવર્નર શ્રી મોટોહિકો સૈતોએ રોકાણ અને વેપાર તેમજ જાપાન અને ગુજરાત વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો વિશે ચર્ચા-વિમર્શ કર્યો હતો. ગવર્નરશ્રીએ જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રાંતની વધુ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઈચ્છે છે. તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.